વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રિક્ષાચાલક ઝુબેર કુરેશીએ 4 વર્ષ સુધી હિંદુ મહિલાનો કર્યો રેપ: હિંદુ સંગઠનોની મદદથી ઝડપાયો, રાજકોટની ઘટના

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક મુસ્લિમ રિક્ષાચાલકે પરિચયનો ગેરલાભ ઉઠાવી 45 વર્ષીય મહિલા સાથે છેલ્લા ચાર વર્ષથી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. 25 માર્ચ 2026ના રોજ નોંધાયેલી આ FIR મુજબ આરોપી ઝુબેર કાસમ કુરેશીએ મહિલાને તેના અંગત વિડીયો વાયરલ કરી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી આ ગંભીર ગુનો આચર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પીડિત મહિલાએ જ ઑપઇન્ડિયાને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી છે. ઘટનાની વિગતો મુજબ શરૂઆત આશરે ચાર વર્ષ પહેલાં થઈ હતી જ્યારે મહિલા રાજકોટના વાગુદડ માતાજીના મંદિરે દર્શન કરવા જવા માટે આરોપીની રિક્ષામાં બેઠી હતી. શરૂઆતમાં આરોપીએ ભાડું ન લઈ મહિલાનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો અને ત્યારબાદ પોતાનો મોબાઈલ નંબર આપી સતત સંપર્ક વધાર્યો હતો. આ પરિચય બાદ એક દિવસ બપોરના સમયે આરોપીએ મહિલાના ઘરે પહોંચી તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મહિલાનો વાંધાજનક વિડીયો ઉતારી લીધો હતો, જેના આધારે તેણે મહિલાને 4 વર્ષ સુધી બ્લેકમેલ કરી હતી.

વિડીયો વાયરલ કરવાની ધમકીએ બળજબરીપૂર્વક બાંધ્યો સંબંધ

આરોપી ઝુબેર કુરેશીએ મહિલાને સતત ડરના ઓથાયા હેઠળ રાખી હતી. તેણે ધમકી આપી હતી કે જો પીડિતા કોઈને જાણ કરશે તો તે આ વિડીયો તેના સગા-સંબંધીઓને મોકલી આપશે. આ ઉપરાંત આરોપીએ પોતે ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાની છાપ ઊભી કરવા માટે મહિલાને એવું પણ કહ્યું હતું કે તેના ભાઈએ અગાઉ એક મર્ડર કરેલું છે અને તે હાલ જેલમાં છે. આવી ધાક-ધમકીઓ આપીને આરોપીએ જાન્યુઆરી 2022થી ફેબ્રુઆરી 2026 સુધીના લાંબાગાળા દરમિયાન મહિલાનું શારીરિક અને માનસિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું.

મહિલા સાથે મારપીટ કરી હોવાનો પણ આરોપ

દુષ્કર્મ ઉપરાંત આરોપી મહિલા સાથે હિંસક વર્તન પણ કરતો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે એક મહિના પહેલાં આરોપીએ ફોન પર વાતચીત ન કરવા બાબતે મહિલા સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં મહિલાના ડાબા હાથની ટચલી આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી અને આંગળી ભાંગી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં પણ આરોપીએ તેના મિત્રને બોલાવી માત્ર પાટો બંધાવી દઈ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સતત થતા ત્રાસથી કંટાળીને અંતે મહિલાએ હિંદુ સંગઠનોની મદદ લેવાનું નક્કી કર્યું હતું.

અંતે પીડિત મહિલાએ હિંમત ભેગી કરી બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોનો સંપર્ક સાધ્યો હતો. તેમના માધ્યમથી રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ લેખિત અરજી આપવામાં આવી હતી, જેના આધારે આજીડેમ પોલીસે આરોપી ઝુબેર વિરુદ્ધ કલમ 64(2)(m), 115(2) અને 351(2) મુજબ ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. હાલ આરોપી જેલના સળિયા પાછળ હોવાનું જાણવા મળ્યું છે.