હોમપેજરાજકારણ2029થી જ મહિલા અનામત લાગુ કરવાની જોગવાઈ, લોકસભાની બેઠકો પણ વધશે: શું...

2029થી જ મહિલા અનામત લાગુ કરવાની જોગવાઈ, લોકસભાની બેઠકો પણ વધશે: શું છે ડિલિમિટેશન અને મહિલા અનામત બિલ– વિગતવાર સમજો

2023માં સરકારે નારીશક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો, પરંતુ તેનું અમલીકરણ વર્તમાન જોગવાઈઓ પ્રમાણે નવા સીમાંકન, જે નવી વસ્તી ગણતરી બાદ થશે, સુધી શક્ય નથી. આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર હાલ બિલ લાવી રહી છે.

- Advertisement -

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આગામી 16થી 18 એપ્રિલ સુધી સંસદનું એક વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં લોકશાહી માળખામાં મોટા ફેરફાર લાવતાં કુલ ત્રણ બિલ રજૂ કરવામાં આવશે. જેમાં સામેલ છે ડિલિમિટેશન બિલ, બંધારણીય સુધારા બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા ધરાવતું સુધારા બિલ. મુખ્ય હેતુ 2023માં સંસદે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33% મહિલા અનામતની જોગવાઈ કરતું ‘નારીશક્તિ વંદન વિધેયક’ પસાર કર્યું હતું (જે હવે એક્ટ એટલે ‘અધિનિયમ’ બની ગયું છે) તેને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે સીમાંકનની જોગવાઈઓમાં પણ ફેરફાર કરવાનો છે. જેના માટે બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવશે.

ત્રણ બિલોમાં 131મો બંધારણીય સુધારો, ડિલિમિટેશન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદામાં સુધારાનો સમાવેશ થાય છે. આ વિશેષ સત્રના પ્રથમ દિવસે, એટલે કે 16 એપ્રિલે ત્રણેય બિલ એકસાથે રજૂ કરવામાં આવશે. બે દિવસ તેની ઉપર ચર્ચા ચાલશે અને અંતિમ દિવસે મતદાન માટે મૂકવામાં આવશે. દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં જવાબ રજૂ કરી શકે છે. ગૃહ પ્રધાન અમિત શાહ અને કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલ પણ પોતપોતાના જવાબો રજૂ કરશે. બંધારણીય સુધારો પસાર કરવા માટે 2/3 બહુમતી અનિવાર્ય છે.

મહિલા અનામત અને પૃષ્ઠભૂમિ

મહિલા આરક્ષણનો વિચાર સ્વતંત્રતાના સમયથી જ ચાલતો હતો, પરંતુ તેને મજબૂત આધાર 1980ના દાયકામાં મળ્યો. 1992-93માં બંધારણના 73મા અને 74મા સુધારા દ્વારા પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 33% અનામત ફરજિયાત કરવામાં આવ્યું. આજે આ કાયદાને કારણે ભારતમાં આશરે 14.5 લાખ મહિલાઓ સ્થાનિક સ્તરે નેતૃત્વ કરી રહી છે.

- Advertisement -

સ્થાનિક સ્તરે સફળતા મળ્યા પછી સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટેની લડત શરૂ થઈ. સૌપ્રથમ 1996માં વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાની સરકારે આ માટેનું બિલ રજૂ કર્યું હતું, પરંતુ લોકસભા વિસર્જિત થવાને કારણે તે પસાર થઈ શક્યું નહીં. ત્યારબાદ 1998થી 2003 દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા અનેકવાર પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ રાજકીય પક્ષોમાં સહમતીના અભાવે બિલ પસાર ન થયું. ત્યારબાદ 2008માં મનમોહન સિંઘની સરકારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું અને 2010માં ત્યાંથી પસાર પણ થયું, પરંતુ લોકસભામાં વિરોધ અને 2014માં સરકાર બદલાતાં તે ફરીથી લેપ્સ થઈ ગયું.

‘નારી શક્તિ વંદન અધિનિયમ’ 2023

સપ્ટેમ્બર 2023માં વર્તમાન મોદી સરકારે સંસદનું એક વિશેષ સત્ર બોલાવીને ‘નારી શક્તિ વંદન વિધેયક’ રજૂ કર્યું, જે 106મા બંધારણીય સુધારા તરીકે કાયદો બન્યો. આ કાયદો લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે. એક્ટ કહે છે કે આ અનામત 15 વર્ષ સુધી રહેશે અને ત્યારબાદ સંસદ તેને વધારી શકશે.

2023ના આ કાયદામાં એક મહત્વની શરત એ હતી કે મહિલા અનામત નવી વસ્તી ગણતરી અને ત્યારબાદ થનારા ડિલિમિટેશન (મતવિસ્તારોની નવી સીમા નક્કી કરવી) પછી જ અમલમાં આવશે. નવી વસ્તી ગણતરી એટલે કે 2026-27ની, જે અત્યારે ચાલી રહી છે. તેનો અંતિમ ડેટા સાર્વજનિક થાય અને ત્યારબાદ સીમાંકન થાય એટલે તેમાં હજુ ઘણાં વર્ષો લાગી જાય એમ હતું અને લગભગ 2030-31 બાદ મહિલા અનામત શક્ય બને.

આ વિલંબને દૂર કરવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારે 16થી 18 એપ્રિલ, 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં સરકાર 2029ની ચૂંટણીમાં જ મહિલા આરક્ષણનો અમલ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવા માટે ત્રણ બિલ લાવી રહી છે. જેથી લોકસભાની બેઠકો પણ વધે અને મહિલા અનામત પણ તાત્કાલિક (2029ની લોકસભા ચૂંટણીથી) લાગુ કરી શકાય. લોકસભાની બેઠકો વધારવા માટે ડિલિમિટેશનની જોગવાઈઓમાં ફેરફાર કરવો જરૂરી છે અને તે માટે બંધારણીય સુધારો કરવામાં આવશે.

નવા પ્રસ્તાવ મુજબ, દેશમાં લોકસભાની કુલ બેઠકો 543થી વધારીને 850 સુધી કરવામાં આવી શકે છે (રાજ્યો માટે 815 અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35). બેઠકો વધવાથી મહિલાઓ માટેની 33% અનામત બેઠકોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવશે અને કોઈ પણ વર્ગને અન્યાય થયા વગર અનામત આપી શકાશે. બિલ પસાર થઈ જાય તો ડિલિમિટેશન બિલમાં એક કમિશનની જોગવાઈ કરવામાં આવી છે. આ કમિશન કામ શરૂ કરીને 2029 સુધીમાં સીમાંકન કરીને લોકસભા બેઠકો વધારશે.

પરંતુ આ વ્યવસ્થા કરવા માટે બંધારણીય સુધારો કરવો જરૂરી છે.

ડિલિમિટેશન બિલ શું છે અને તે કેવી રીતે કાર્ય કરશે?

ડિલિમિટેશન (સીમાંકન) એ દેશમાં વસ્તીના આધારે લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યા વધારવાની અને તેમના ભૌગોલિક મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા છે. બંધારણના અનુચ્છેદ 82 અને 170 હેઠળ આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક સાંસદ કે ધારાસભ્ય આશરે સમાન વસ્તીનું પ્રતિનિધિત્વ કરે અને લોકશાહીમાં દરેક નાગરિકના મતના મૂલ્યમાં સંતુલન જળવાય.

ભારતમાં છેલ્લું સીમાંકન (ડિલિમિટેશન) 2002માં થયું હતું, પરંતુ બેઠકોની સંખ્યામાં વધારો 1970ના દાયકાથી સ્થગિત (ફ્રીઝ) રાખવામાં આવ્યો છે. આનું મુખ્ય કારણ એ હતું કે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં થયેલા વસ્તી નિયંત્રણના કારણે જો માત્ર વસ્તીના આધારે બેઠકો વધારવામાં આવે તો ઉત્તર-દક્ષિણમાં અસમાનતા સર્જાય. વસ્તી ઘટાડનારાં રાજ્યોને નુકસાન ન થાય તે માટે આ પ્રક્રિયા 2026 સુધી રોકી દેવામાં આવી હતી.

ઉપરાંત જોગવાઈ એવી છે કે નવી વસ્તી ગણતરી બાદ જ સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવે. સરકારનું કહેવું છે કે હાલની વસ્તી ગણતરી વધુ સમય લઈ શકે એમ છે, જેથી હાલ સીમાંકન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવશે. આ માટે સરકારે 2011ની વસ્તી ગણતરીને જ ‘લેટેસ્ટ સેન્સસ’ તરીકે ગણવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેના માટે બંધારણીય સુધારા કરવા પડે એમ છે. જે આ બિલ થકી કરવાની સરકારની ગણતરી છે.

જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે માત્ર 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે જ સીમાંકન પ્રક્રિયા થશે નહીં અને આ આંકડાઓ જ એકમાત્ર આધાર નહીં રહે. પરંતુ સીમાંકનમાં બેઠકોની ફાળવણી એ રીતે કરવામાં આવશે, જેથી રાજ્યોને ફાયદો જ થાય અને સંપ્રમાણમાં બેઠકો વધે. ઉપરાંત સરકારનું કહેવું છે કે આ પ્રક્રિયાથી 2011ની ગણતરીના આધારે થયેલા સીમાંકનથી રાજ્યોને જેટલી બેઠકો મળી હોત તેના કરતાં વધુ બેઠકો જ મળશે.

બિલમાં જોગવાઈ છે કે સીમાંકન પ્રક્રિયા માટે એક ‘ડિલિમિટેશન કમિશન’ બનાવવામાં આવશે. આ કમિશનના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હશે. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્યોના ચૂંટણી કમિશનરો સભ્ય તરીકે રહેશે. આ કમિશનને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ હશે અને તેના નિર્ણયો સામે કોઈ અદાલતમાં પડકાર આપી શકાશે નહીં.

કમિશન માત્ર બેઠકોની સંખ્યા જ નહીં, પણ દરેક મતવિસ્તારની સીમાઓ પણ ફરીથી નક્કી કરશે. આ પ્રક્રિયામાં ભૌગોલિક સુવિધા અને વહીવટી સરહદોનું ધ્યાન રખાશે. સાથે જ SC (અનુસૂચિત જાતિ), ST (અનુસૂચિત જનજાતિ) અને મહિલાઓ માટે કઈ બેઠકો અનામત રાખવી તે પણ કમિશન દ્વારા જ નક્કી કરવામાં આવશે. મહિલા અનામત જોકે રોટેશનમાં હશે, એટલે કોઈ એક જ બેઠક સતત મહિલા અનામત રહે એવું નહીં બને.

એપ્રિલ 2026ના વિશેષ સત્રમાં જો બિલ પસાર થઈ જાય તો જૂન 2026 સુધીમાં કમિશન કામ શરૂ કરી દેશે તેવી અપેક્ષા છે. કમિશનના આદેશો ગેઝેટમાં પ્રસિદ્ધ થયા બાદ તે કાયદેસર બનશે. આ તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ 2029ની લોકસભા ચૂંટણીમાં દેશમાં નવી બેઠકો અને મહિલાઓ માટે 33% આરક્ષિત બેઠકો સાથેનું નવું લોકશાહી માળખું જોવા મળી શકે છે.

ઉત્તર-દક્ષિણ રાજ્યો વચ્ચેનો મુદ્દો અને સરકારનું આશ્વાસન

ભારતમાં ડિલિમિટેશન અને મહિલા અનામતને લઈને ચાલી રહેલી ચર્ચામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચેનું સંતુલન સૌથી મોટો ચર્ચિત મુદ્દો બન્યો છે. આ વિવાદનું મૂળ વસ્તી વૃદ્ધિના અસમાન દરમાં રહેલું છે. દક્ષિણ ભારતનાં રાજ્યો (તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા) એ વસ્તી વૃદ્ધિ પર કાબૂ મેળવી લીધો છે, જ્યારે ઉત્તર ભારતનાં રાજ્યોમાં (ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ) વસ્તીવધારો નોંધપાત્ર રીતે ઊંચો રહ્યો છે.

દક્ષિણી રાજ્યો અને ખાસ કરીને ત્યાંની વિપક્ષી પાર્ટીઓ એવો તર્ક આપી રહ્યાં છે કે નવું ડિલિમિટેશન કરવામાં આવે તો ઉત્તરનાં રાજ્યોની બેઠકો વધી જશે અને દક્ષિણના રાજ્યોનું સંસદમાં મહત્વ ઘટી જશે. ઉપરાંત જે ઉત્તરનાં રાજ્યો જીતી લે એ જ સત્તામાં આવી શકશે.

આ ચિંતાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વારંવાર દેશને આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ રાજ્યને અન્યાય નહીં થાય. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દરેક રાજ્યને તેના ‘વર્તમાન પ્રમાણ’ મુજબ જ વધારો આપવામાં આવશે. આનો અર્થ એ છે કે જો ઉત્તર પ્રદેશની બેઠકો વધશે તો તેની સાથે તમિલનાડુ (39થી આશરે 59) અને કેરળ (20થી 30) જેવી બેઠકોમાં પણ સાપેક્ષ વધારો કરવામાં આવશે. આ પ્રો-રાટા પદ્ધતિને કારણે સંસદમાં વિવિધ રાજ્યો વચ્ચેનું હાલનું સંતુલન જળવાઈ રહેશે અને કોઈ પણ રાજ્યના ‘વોટિંગ પાવર’માં ઘટાડો થશે નહીં.

બંને બિલો એકબીજા સાથે સંકળાયેલાં

મહિલા આરક્ષણ અને ડિલિમિટેશનના બિલો એકબીજાનાં પૂરક તરીકે કામ કરે છે. 2023ના ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ મુજબ મહિલાઓને 33% અનામત આપવા માટે બેઠકોનું નવેસરથી સીમાંકન (ડિલિમિટેશન) કરવું અનિવાર્ય છે. નવાં બિલો દ્વારા ડિલિમિટેશન પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે, જેથી નવી વસ્તી ગણતરીની લાંબી રાહ જોયા વગર 2029ની ચૂંટણી પહેલાં જ મહિલા આરક્ષણનો અમલ શક્ય બને. આ જોડાણથી માત્ર મહિલાઓને અનામત બેઠકો જ નહીં મળે, પરંતુ બદલાયેલા વસ્તીના આંકડા અને શહેરીકરણ મુજબ સંસદનું નવું માળખું પણ તૈયાર થશે.

બીજી મહત્વની કડી લોકસભાની બેઠકોમાં સૂચિત વધારો છે. જ્યારે લોકસભાની કુલ બેઠકો 543થી વધારીને 816 કે 850 કરવામાં આવશે, ત્યારે મહિલાઓ માટે આરક્ષિત બેઠકોની સંખ્યા પણ આપોઆપ વધી જશે (દા.ત. 816 બેઠકોના કિસ્સામાં આશરે 273 બેઠકો મહિલાઓ માટે હશે).

આ બધું જોકે ત્યારે શક્ય બનશે જ્યારે વિપક્ષો સહકાર આપીને બિલ પસાર કરાવે, કારણ કે તેમણે કોઈને કોઈ બહાનાં કાઢીને સરકારના આ પગલાનો વિરોધ કર્યો છે અને બિલનો પણ વિરોધ કરવાની જાહેરાત કરી છે. જોકે મોદી સરકારનું કોઈ બિલ આટલાં વર્ષમાં અટક્યું નથી, જેથી આ પણ સરળતાથી પસાર થશે એવી પ્રબળ શક્યતાઓ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં