ભારતની મુખ્ય સોફ્ટવેર કંપની પૈકીની એક ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસની (TCS) નાશિકની BPO (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ) ઑફિસ ‘કોર્પોરેટ જેહાદ’ને લઈને હાલ ભારે વિવાદમાં આવી છે. આરોપ છે કે ઑફિસમાં મુખ્ય પોસ્ટ પર મુસ્લિમ જેહાદીઓને બેસાડવામાં આવ્યા હતા અને તેના હેઠળ કામ કરતી હિંદુ મહિલાઓ તેના શોષણનો ભોગ બની હતી. આ તમામ આરોપો પીડિત મહિલાઓના છે. આ મામલે 9 FIR નોંધવામાં આવી છે અને તપાસ માટે SITનું ગઠન પણ કરવામાં આવ્યું છે. હમણાં સુધીની જાણકારી અનુસાર એક મુસ્લિમ મહિલા સહિત 7 મુસ્લિમ કટ્ટરપંથીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ વિવાદને લઈને મહારાષ્ટ્રમાં આક્રોશ વ્યાપ્યો છે અને હિંદુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગણી કરી છે.
આરોપ એવો છે કે નાશિકના સતપુર MIDC વિસ્તારમાં TCSના (Tata Consultancy Services) BPO યુનિટમાં હિંદુ યુવતીઓ-મહિલાઓ અને એક યુવાનને ટાર્ગેટ કરીને જાતીય અત્યાચાર, માનસિક શોષણ અને ઇસ્લામ તરફ બળજબરીથી ધર્માંતરણનું એક વ્યવસ્થિત અને સંગઠિત નેટવર્ક ચાલતું હતું. ઑફિસમાં આવી ઘટનાઓ 2022થી 2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન ચાલતી હતી અને માર્ચ 2026માં જ્યારે પ્રથમ FIR નોંધાઈ ત્યારથી કાર્યવાહી પણ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે વધુ પીડિત મહિલાઓ પણ સામે આવી શકે છે.
13 એપ્રિલ 2026 સુધીમાં કુલ 9 FIR નોંધાઈ ચૂકી છે, જેમાં 8 હિંદુ મહિલાઓ અને 1 હિંદુ પુરુષે ફરિયાદ કરી છે. પોલીસે 7 મુસ્લિમ આરોપીઓને અટકાયતમાં લીધા છે, જેમાં મુસ્લિમ ટીમ લીડર્સ અને HR મહિલા અધિકારીનો સમાવેશ થાય છે. આ કેસને હિંદુ સંગઠનો અને ભાજપ નેતાઓએ સ્પષ્ટપણે ‘કોર્પોરેટ જેહાદ’ તરીકે ઓળખાવ્યો છે, કારણ કે તેમાં પદ અને સત્તાનો દુરુપયોગ કરીને હિંદુ મહિલા કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી અને કંપનીના HR વિભાગે તેને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ક્યારથી શરૂ થયો વિવાદ?
આ સમગ્ર રેકેટની શરૂઆત જુલાઈ 2022થી થઈ હતી, જ્યારે TCSની આ BPO ઑફિસમાં કામ કરતી હિંદુ યુવતીઓને મુસ્લિમ ટીમ લીડર્સ તરફથી વ્યવસ્થિત રીતે ટાર્ગેટ કરવામાં આવવા માંડી હતી. આરોપીઓએ યુવતીઓની વ્યક્તિગત સમસ્યાઓ જેમ કે ખરાબ પરિવારિક જીવન, બાળકો ન થવાં કે આર્થિક તકલીફોને ઓળખીને તેમની સાથે મિત્રતા વધારી, નોકરીની સુરક્ષા અને પગાર વધારાનું વચન આપ્યું. પરંતુ આ બધું માત્ર એક જાળ હતું. 26 માર્ચ 2026ના રોજ દેવલાલી પોલીસ સ્ટેશનમાં પ્રથમ FIR નોંધાઈ. એક હિંદુ મહિલાએ ટીમ લીડર દાનિશ શેખ વિરુદ્ધ રેપની ફરિયાદ કરી. તેણે કહ્યું કે 2022માં દેવલાલી કેમ્પમાં આરોપી સાથે મુલાકાત થઈ, લગ્નનાં ખોટાં વચન આપીને જાતીય સંબંધો સ્થાપ્યા, પછી બ્લેકમેલ કરીને મજહબી ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું.
આ FIR માત્ર એક કડી હતી. તે પછી 2 એપ્રિલ 2026 સુધીમાં મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં 8 વધુ FIR નોંધાઈ. આમ કુલ 9 FIRમાં 8 હિંદુ મહિલાઓ અને 1 હિંદુ પુરુષે તેમના ઉપર થયેલા અત્યાચારની વાત કરી. આ કેસમાં આરોપો માત્ર જાતીય પજવણી સુધી મર્યાદિત નહોતા, પરંતુ તેમાં હિંદુ ધર્મની નિંદા, શિવલિંગને અશ્લીલ કહેવું, કૃષ્ણ અને દ્રૌપદીને અપમાનિત કરવાં, નમાજ પઢાવવી, ગૌમાંસ અને નોનવેજ ખવડાવવું અને રમજાનમાં રોજા રાખવા માટેનું દબાણ પણ સામેલ હતું. પગાર વધારા અને જોબ સિક્યોરિટીની લાલચ આપીને આ બધું કરવામાં આવતું હતું. એક મહિલાએ તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના મુસ્લિમ ટીમ લીડરે ક્યાંકથી માહિતી મેળવી લીધી હતી કે તેને (મહિલા) કોઈ બાળક નથી, ત્યારબાદ આરોપીએ તે મહિલાએ બાળક માટે સાથે સુવાની ઓફર પણ કરી હતી.
પોલીસની તપાસ અને અન્ડરકવર ઑપરેશન
નાશિક પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો અને માત્ર ફરિયાદો પર આધાર રાખ્યા વગર સીધી કાર્યવાહી કરી. પોલીસ કમિશનર સંદીપ કાર્નિકના નિર્દેશે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી, જેની આગેવાની ACP (ક્રાઈમ) સંદીપ મિત્કે કરી રહ્યા છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ માત્ર વ્યક્તિગત અત્યાચાર નથી, પરંતુ એક સંગઠિત રેકેટ છે. આરોપીઓએ અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં હતાં, જેમાં હિંદુ યુવતીઓની વ્યક્તિગત માહિતી શેર કરવામાં આવતી અને તેમને કેવી રીતે ટાર્ગેટ કરવી તેની યોજનાઓ ઘડાતી હતી.
તપાસને મજબૂત બનાવવા માટે પોલીસે 7 મહિલા પોલીસકર્મીઓને અન્ડરકવર ઑફિસમાં કર્મચારી તરીકે મોકલી હતી. આ મહિલા પોલીસ અધિકારીઓએ TCS BPOમાં સોફ્ટવેર કર્મચારી તરીકે જોબ અરજી કરી, કામ કર્યું અને એક અઠવાડિયા (કેટલાક અહેવાલો અનુસાર 40 દિવસ) સુધી આરોપીઓની હરકતોની સીધી જાણકારી મેળવી. તેમણે આરોપીઓને રંગેહાથ પકડ્યા, 40થી વધુ CCTV ફૂટેજ એકત્ર કરી અને ઈમેઈલ તેમજ વોટ્સએપ ચેટ્સના પુરાવા મેળવ્યા. આ અન્ડરકવર ઑપરેશનને કારણે જ આરોપીઓને તરત અટકાયતમાં લેવાયા અને કેસમાં મજબૂત પુરાવા એકત્ર થયા.
કોણ છે આરોપીઓ?
આરોપીઓ તમામ ટીમ લીડર્સ અને HR વિભાગના અધિકારીઓ હતા, જેમણે પોતાની સત્તાનો ભરપૂર દુરુપયોગ કર્યો. મુખ્ય આરોપીઓમાં અસિફ અંસારી, શફી શેખ, શાહરુખ કુરેશી (શાહરુખ શેખ અથવા કુરેશી), રઝા મેમણ (રઝા મોહમ્મદ), તૌસીફ અટ્ટાર (તૌસીફ અખ્તર અથવા ઉથર) અને મોહમ્મદ દાનિશ શેખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત HR આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીદા ખાન પણ આરોપી છે. પીડિતાઓના કહેવા મુજબ નીદા ખાને ફરિયાદો પર કહ્યું હતું કે, “આ તો MNCમાં સામાન્ય છે, શાંત રહો” અને POSH ગાઈડલાઈન્સનું પાલન કરવાને બદલે આરોપીઓને સુરક્ષા આપી હતી.
આરોપ છે કે આરોપીઓએ ઑફિસમાં હિંદુ મહિલાઓ પર કુદૃષ્ટિ નાખી, અશ્લીલ ટિપ્પણીઓ કરી, જાતીય અંગો પર સ્પર્શ કર્યાં અને શારીરિક અડપલાં પણ કર્યાં. પછીથી બળાત્કારના કિસ્સા પણ સામે આવ્યા, જેમાં ત્રંબક રોડ પર બળજબરીથી સંબંધ સ્થાપવાના આરોપ છે. મજહબી અત્યાચાર વધુ ગંભીર હતો, જેમાં હિંદુ દેવી-દેવતાઓની નિંદા, નમાજ પઢાવવી, ગૌમાંસ ખવડાવવું અને ધર્માંતરણ માટે દબાણ કરવું જેવા આરોપો સામેલ છે. આ બધું વર્ષો સુધી ચાલતું રહ્યું અને HRના સહયોગથી તેને છુપાવવામાં આવતું રહ્યું.
TCSનું નિવેદન અને કંપનીની નિષ્ફળતા
12 એપ્રિલ 2026ના રોજ TCSએ આખરે નિવેદન જારી કર્યું હતું. કંપનીએ કહ્યું હતું કે તેમની નીતિ ‘ઝીરો ટોલરન્સની છે’, આરોપી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને પોલીસ તપાસમાં સહકાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ પીડિતો અને હિંદુ સંગઠનો કહે છે કે વર્ષો સુધી HRને વારંવાર ફરિયાદ કરવા છતાં કંપનીએ કંઈ કર્યું નહોતું.
આ નિવેદનને માત્ર PR સ્ટન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે કંપનીએ કોઈ માફી માંગી નથી કે કોઈ જવાબદારી સ્વીકારી નથી. આ કેસ IT-BPO સેક્ટરમાં DEI (Diversity, Equity, Inclusion) પોલિસીના દુરુપયોગનું ઉદાહરણ છે, જ્યાં એક વિશેષ વર્ગને પ્રોત્સાહન આપીને હિંદુ યુવતીઓની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કંપનીએ આવી ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને તેની પણ ખાતરી આપી નથી.
રાજકીય પ્રતિક્રિયા અને તપાસ
નાશિકમાં TCS ઑફિસની બહાર ભાજપ, ભાજપ યુવા મોર્ચા અને હિંદુ સંગઠનોએ મોટાપાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ ઑફિસમાં પ્રવેશ કરીને હોબાળો કર્યો અને આવા જેહાદી નેટવર્કને જડમૂળથી ઉખાડવાની માંગ કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને ‘ખૂબ જ ગંભીર અને આઘાતજનક’ ગણાવી અને તપાસને તાર્કિક અંત સુધી લઈ જવાનો આદેશ આપ્યો. મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે આ મોટા રેકેટનો ભાગ હોય શકે છે. તે સિવાય મહારાષ્ટ્રના મંત્રી નીતેશ રાણેએ આ ઘટનાને સ્પષ્ટપણે ‘કોર્પોરેટ જેહાદ’ ગણાવી છે અને કહ્યું છે કે ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ પછી હવે કોર્પોરેટ સેક્ટરમાં પણ આ ફેલાઈ રહ્યું છે. તપાસ હજુ ચાલુ છે અને વધુ પીડિત સામે આવે તેવી આશંકા છે. કેટલાક અહેવાલો અનુસાર પોલીસે આ કેસનો રિપોર્ટ NIA, ATS અને IBને મોકલ્યો છે, જેથી વધુ મોટા નેટવર્કની તપાસ થઈ શકે.
આ મામલે મહારાષ્ટ્ર પોલીસ તરફથી નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે મલ્ટિનેશનલ IT કંપનીની ઑફિસ હિંદુ મહિલાઓનાં ધર્માંતરણ, બ્રેનવોશ, લવ જેહાદ અને યૌન શોષણનો અડ્ડો બની ગઈ હતી. આ કોઈ એક દિવસની ઘટના નહોતી, પરંતુ ચાર વર્ષ સુધી સતત આવું ચાલતું રહ્યું હતું. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ એવા વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જેમાં હિંદુ મહિલાઓને જોડવામાં આવતી હતી અને તેમાં હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવતું હતું અને એવું કન્ટેન્ટ પીરસવામાં આવતું હતું જેનાથી હિંદુ મહિલાઓ ઇસ્લામ તરફ આકર્ષિત થાય.


