હોમપેજરાજકારણનમાજ, ઝેરી સાપ, મહાકુંભ… ગુજરાતીઓ વિશે જ નહીં, ભૂતકાળમાં પણ અનેક વિવાદાસ્પદ નિવેદનો...

નમાજ, ઝેરી સાપ, મહાકુંભ… ગુજરાતીઓ વિશે જ નહીં, ભૂતકાળમાં પણ અનેક વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે માત્ર મુસ્લિમ તુષ્ટિકરણના નિવેદનો જ નથી આપતા, પરંતુ સનાતનને અપમાનિત કરવાની એક પણ તક છોડતા નથી. પ્રયાગરાજ મહાકુંભ 2025માં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા માટે ત્રિવેણીના તટ પર એકઠા થયા હતા, તે સમયે ખડગેએ કહ્યું હતું કે ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય અને કોઈનું પેટ પણ નહીં ભરાય.

- Advertisement -

સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે પછડાટ ખાવા છતાં કોંગ્રેસ પોતાની હરકતોથી બાજ નથી આવી રહી. રાજ્યોની વાત કરીએ તો હવે કોંગ્રેસની સરકાર માત્ર હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ઝારખંડ અને તમિલનાડુ જેવાં ગણ્યાંગાંઠ્યાં રાજ્યોમાં જ બચી છે. એક પછી એક રાજ્યો પાર્ટીના હાથમાંથી સરકી રહ્યાં છે. પાર્ટીની આ હાલત થવામાં પક્ષના નેતાઓનાં બેફામ નિવેદનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેમાં કોંગ્રેસ ખાસ કરીને આસામ અને કેરળમાં ખૂબ જ આક્રમક દેખાવાનો પ્રયાસ કરી રહી છે.

અહીં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં નિવેદનો સતત મર્યાદા ઓળંગી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષે પહેલાં કેરળમાં પ્રદેશવાદને પ્રોત્સાહન આપતું નિવેદન આપ્યું અને ત્યારબાદ આસામમાં ઇસ્લામી તુષ્ટિકરણનો પ્રયાસ કર્યો.

- Advertisement -

આસામમાં ખડગેનો મુસ્લિમ તુષ્ટિકરણનો દાવ

આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ કલાકોમાં મલ્લિકાર્જુન ખડગેએ એક રેલીમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો ઉલ્લેખ કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, જો નમાજ પઢતી વખતે સામેથી કોઈ ઝેરી સાપ પસાર થાય તો કુરાનના નિયમ મુજબ નમાજ છોડીને પણ પહેલાં તે સાપને મારવો જોઈએ, અને આ જ તર્કનો ઉપયોગ કરીને તેમણે ભાજપ તથા RSSને ‘ઝેરી સાપ’ ગણાવતાં કહ્યું હતું કે જો તમે આ સાપને નહીં મારો તો તમે ક્યારેય બચી શકશો નહીં.

આસામ જેવા સંવેદનશીલ રાજ્યમાં, જ્યાં જનતા ઘૂસણખોરો અને બાંગ્લાદેશી મુસ્લિમ વસ્તીથી ત્રસ્ત છે, ત્યાં આવું નિવેદન આપવું ગંભીર બાબત છે. સરકારી જમીન પર મોટાપાયે કબજો કરી લેનારા ઘૂસણખોરોથી આસામના મૂળ નિવાસીઓ પરેશાન છે. આ ચૂંટણીમાં ઘૂસણખોરોને બહાર કાઢવા, NRC (એનઆરસી) અને ભૂમિ સુધારણા જેવા મુદ્દાઓ મહત્વના બન્યા છે. આવા સંજોગોમાં મુસ્લિમોના તુષ્ટિકરણ માટે કુરાન અને નમાજનું નામ લેવું તેમજ ભાજપ-RSSને ‘ઝેરી સાપ’ કહેવા, એ રાજકારણના અત્યંત નીચા સ્તરને દર્શાવે છે.

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ અને તેના અધ્યક્ષને એ વાતનો અંદાજ પણ નથી કે તેઓ જે પદ પર છે, તેમની વાતો અને વર્તન દેશના લોકોને માર્ગ બતાવે છે. આ પ્રકારનું નિવેદન આપીને ખડગે દેશને શું સંદેશ આપવા માંગે છે? એવો પ્રશ્ન હવે થઈ રહ્યો છે.

આ જ કારણ છે કે ભાજપે પણ તેમને પડકાર ફેંક્યો છે કે તેઓ આસામમાં ચૂંટણી જીતીને બતાવે. ગૃહમંત્રી શાહે ખડગેના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું કે, ચૂંટણીમાં હારનો ડર સતાવી રહ્યો છે, તેથી અધ્યક્ષ ખડગે ભાજપ-RSS પર આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.

ખડગેએ ગુજરાતીઓને કહ્યા હતા ‘અભણ’

આ પહેલાં કેરળના ઇડુક્કીની એક રેલીમાં તેમણે ગુજરાતીઓ અને ઉત્તર ભારતીય રાજ્યોના લોકોને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદી ગુજરાત અને બીજા વિસ્તારોના લોકોને મૂર્ખ બનાવી શકે છે, કારણ કે તેઓ અભણ છે, પરંતુ કેરળના લોકો ભણેલા-ગણેલા અને સમજદાર છે, તેઓ મૂર્ખ નહીં બને.

તેમણે કહ્યું, “કેરળના લોકો ખૂબ સ્માર્ટ છે. તેઓ ખૂબ ભણેલા-ગણેલા છે. મોદીજી… વિજયન (કેરળના CM) તમે બંને ગુજરાત અને અન્ય જગ્યાઓના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ નહીં બનાવી શકો.”

કેરળની ચૂંટણીમાં જઈને ગુજરાત અને અન્ય રાજ્યોના લોકોને ‘મૂર્ખ’ અને ‘અભણ’ કહેવા શું રાજ્યો વચ્ચે નફરત પેદા નથી કરતું? શું આ એક રાજ્યની તુલનામાં બીજા રાજ્યને નીચા દેખાડવાનો પ્રયાસ નથી? ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી કોંગ્રેસ સત્તા પર પરત ફરી નથી, તો શું હવે કોંગ્રેસ અધ્યક્ષ જનતાને જ ‘મૂર્ખ’ સમજવા લાગ્યા છે? હિન્દી ભાષી રાજ્યોમાં પણ પક્ષની હાલત ખરાબ છે. એવામાં સત્તાથી બેદખલ થવા પર જનતાને ‘અભણ’ કહેવી, એ માત્ર રાજ્યોનું જ નહીં પણ દેશનું અપમાન છે.

જોકે, તેમણે સોશિયલ મીડિયા પર આ માટે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના મનમાં ગુજરાતીઓ માટે ઘણું સન્માન છે. આવી ટિપ્પણીઓ રેલીમાં કરીને તેમણે જનતાની લાગણી દુભાવી દીધી અને હવે ચૂપચાપ ખેદ વ્યક્ત કરીને તેના પર મલમ લગાવવાની આશા રાખી રહ્યા છે.

કર્ણાટક ચૂંટણીમાં પીએમ મોદીને કહ્યા હતા ‘સાપ’

વર્ષ 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન મોદી માટે ‘ઝેરી સાપ’ શબ્દનો પ્રયોગ કરતા એક રેલીમાં કહ્યું હતું કે, મોદી ઝેરી સાપ જેવા છે અને તમે તેને ઝેર માનો કે ન માનો પણ જો તેને ચાખશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે, જેના કારણે તેમની વિરુદ્ધ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી.

મહાકુંભ પર પણ વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે માત્ર મુસ્લિમ તુષ્ટિકરણના નિવેદનો જ નથી આપતા, પરંતુ સનાતનને અપમાનિત કરવાની એક પણ તક છોડતા નથી. પ્રયાગરાજ મહાકુંભ 2025માં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા માટે ત્રિવેણીના તટ પર એકઠા થયા હતા, તે સમયે ખડગેએ કહ્યું હતું કે ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય અને કોઈનું પેટ પણ નહીં ભરાય.

મધ્યપ્રદેશના મહુમાં એક રેલી દરમિયાન તેમણે ગંગા સ્નાનને રોજી-રોટી સાથે જોડ્યું અને કટાક્ષ કર્યો. આ માત્ર એવા કરોડો લોકોનું અપમાન નહોતું જેઓ ડૂબકી લગાવવા માટે દેશના ખૂણેખૂણેથી આવ્યા હતા, પરંતુ આ સનાતનનું પણ અપમાન હતું. શું ખડગે આવું નિવેદન અન્ય કોઈ ધર્મની પરંપરાને લઈને આપી શકે છે?

એટલું જ નહીં, તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ માટે કહ્યું હતું કે આ લોકોએ એટલાં પાપ કર્યાં છે કે તેમને ડૂબકી લગાવવાથી પણ સ્વર્ગ નહીં મળે. કોંગ્રેસનો કોઈ નેતા મહાકુંભમાં ડૂબકી લગાવવા તો ગયો નહોતો. હવે કદાચ ડૂબકી લગાવ્યા વગર જ તેમને સ્વર્ગ મળી જશે તેવો ભાસ થઈ ગયો હોય, તો વાત અલગ છે.

RSS પર પ્રતિબંધ મૂકવાની ખડગેએ કરી હતી માંગ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 31 ઑક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે કહ્યું હતું કે, RSS પર ફરીથી પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે દેશમાં કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલી સમસ્યાઓ માટે આ સંગઠન જવાબદાર છે. જોકે તેમણે આને પોતાનો વ્યક્તિગત વિચાર ગણાવ્યો હતો, પરંતુ ખડગેના આ નિવેદન બાદ ભારે રાજકીય હોબાળો થયો હતો.

RSS વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા છે. 100 વર્ષનો સુવર્ણ ઇતિહાસ ધરાવતી આ સંસ્થાએ દેશને બે સૌથી સફળ વડા પ્રધાન આપ્યા છે– એક નરેન્દ્ર મોદી અને બીજા અટલ બિહારી વાજપેયી. સમાજને સાચી દિશા બતાવનારી આ સંસ્થા પર આવા આરોપો લગાવીને ખડગે કોંગ્રેસને કેવું માર્ગદર્શન આપી રહ્યા છે?

ખરેખર તો કોંગ્રેસ પોતાની દયનીય હાલત માટે પોતાના કર્મોને નહીં, પણ દેશની જનતા, RSS, ભાજપ અને પીએમ મોદીને જવાબદાર માને છે. 60 વર્ષ શાસન કર્યા પછી પણ જનતા તેમને એક પછી એક ત્રણ લોકસભા ચૂંટણીઓ અને અનેક રાજ્યોમાં હરાવી ચૂકી છે. સત્તા ગુમાવવાનું દુઃખ ખડગેને એટલું વધી ગયું છે કે હવે તેઓ જનતાને જ ‘મૂર્ખ’ અને ‘અભણ’ સમજવા લાગ્યા છે.

કોંગ્રેસના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો હંમેશા ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવતા રહ્યા છે. ભલે તે સોનિયા ગાંધીનું પીએમ મોદી પર આપેલું ‘મૌત કા સૌદાગર’વાળું નિવેદન હોય કે રાહુલ ગાંધીનું બિહાર ચૂંટણી દરમિયાન આપેલું ડાન્સરવાળું નિવેદન. અત્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો વારો છે, જેમણે કેરળથી લઈને આસામ સુધી ભાજપ-RSS પર વાંધાજનક ટિપ્પણીઓ કરી અને મુસ્લિમ તુષ્ટિકરણનું નિવેદન આપ્યું.

તેમનું નિવેદન વિભાજનકારી, વૈમનસ્યપૂર્ણ અને નફરતથી ભરેલું હતું. જોકે કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ વ્યક્તિગત નિવેદનો નથી આપતા અને તેમના કહેવાનો અર્થ એ હતો કે વિચારધારા સાપ જેવી છે, જેને ચાખતાં જ મૃત્યુ થઈ જાય છે. પરંતુ રાજકારણમાં નિવેદનો ખૂબ મહત્વ ધરાવે છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે કોંગ્રેસે 60 વર્ષના શાસનકાળમાં શું વાવ્યું હતું, કે જે લણતી વખતે હવે તેમને ‘ઝેર’ યાદ આવી રહ્યું છે? ભ્રષ્ટાચાર, વંશવાદ અને પરિવારવાદથી લઈને દેશના ભાગલા પાડવા સુધીના આરોપો કોંગ્રેસ પર લાગતા રહ્યા છે. એવામાં પોતાની પ્રતિસ્પર્ધી પાર્ટી માટે નીચલા સ્તરે જઈને ગાળો આપવી એ તેમના રાજકીય દેવાળાપણું દર્શાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોંગ્રેસે વ્યક્તિગત રીતે પીએમ મોદી, ભાજપ કે RSS પર વાંધાજનક નિવેદનો આપ્યાં છે, ત્યારે તે ખરાબ રીતે હારી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં