હોમપેજગુજરાતગામમાં આવીને કરતા બેઠકો, હિંદુઓને લોભલાલચ આપીને કરાવતા ધર્મપરિવર્તન: 2021ના ભરૂચ સામૂહિક...

ગામમાં આવીને કરતા બેઠકો, હિંદુઓને લોભલાલચ આપીને કરાવતા ધર્મપરિવર્તન: 2021ના ભરૂચ સામૂહિક ધર્માંતરણ કેસમાં બે મૌલવીઓની અરજી હાઇકોર્ટે ફગાવી

રાજ્ય તરફથી પબ્લિક પ્રોસિક્યુટર ભાર્ગવ પંડ્યાએ આ દલીલોનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ કેસ માત્ર મજહબી પ્રચારનો નથી, પરંતુ ગરીબ લોકોને લલચાવીને કરવામાં આવતું એક સુવ્યવસ્થિત ષડ્યંત્ર છે.

- Advertisement -

ભરૂચના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ડિસ્ચાર્જની માગ કરતી બે મૌલવીઓની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ ગીતા ગોપીની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ આદેશ આપ્યો હતો. કોર્ટે અરજી ફગાવતાં કહ્યું કે સાક્ષીઓનાં નિવેદનો અને રેકર્ડ પરની સામગ્રી જોતાં પ્રાથમિક દૃષ્ટિએ ધર્માંતરણ માટેની પ્રવૃત્તિઓના પુરાવા મળે છે, તેથી આરોપીઓ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટે આપેલા આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી.

મામલો નવેમ્બર 2021નો છે, જ્યારે આમોદ પોલીસ સ્ટેશનમાં એક ધર્માંતરણ કેસમાં FIR નોંધવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આમોદ તાલુકાના કાંકરિયા ગામ અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં લગભગ 37 હિંદુ પરિવારોના 100 જેટલા લોકોને વિવિધ લાલચો આપીને ગેરકાયદેસર રીતે ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં અનેક આરોપીઓ વિરુદ્ધ ત્રીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે.

આ જ કેસના બે આરોપી મૌલવીઓ સરફરાઝ ઉર્ફે જાવેદ અને રમીઝ રાજા ઉર્ફે ઔવેશ અબ્દુલ ગનીએ પહેલાં સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને હાઇકોર્ટ પહોંચ્યા હતા. બંને વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને IPC હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

કોર્ટમાં શું દલીલો થઈ?

અરજદારો તરફથી એડવોકેટ ઉમરફરૂક એમ. ખરાડીએ દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે ડિસ્ચાર્જ અરજી નકારવામાં ભૂલ કરી છે અને ચાર્જ ફ્રેમ કરવા માટે કોઈ પર્યાપ્ત પુરાવા નથી. મૌલવીઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનું કહીને વકીલે એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે આ બંને વ્યક્તિઓને તપાસના ઘણા સમય બાદ ત્રીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવી છે.

બચાવ પક્ષના વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે બંને અરજદારો વ્યવસાયે મૌલવી છે અને પોતાના મજહબ વિશે પ્રચાર-પ્રસાર કરવો એ તેમની ફરજ છે. આગળ કહ્યું કે મજહબનો પ્રચાર કરવો એ ભારતીય બંધારણ હેઠળ મળતો મૂળભૂત અધિકાર છે અને માત્ર મજહબી પ્રવૃત્તિ કરવા બદલ તેમની સામે કોઈ ફોજદારી કેસ ચલાવી શકાય નહીં.

સરકાર દ્વારા કાવતરાનો પર્દાફાશ

રાજ્ય તરફથી પબ્લિક પ્રોસિક્યુટર ભાર્ગવ પંડ્યાએ આ દલીલોનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ કેસ માત્ર મજહબી પ્રચારનો નથી, પરંતુ ગરીબ લોકોને લલચાવીને ધર્મપરિવર્તન કરાવવાનું એક સુવ્યવસ્થિત ષડ્યંત્ર છે. તેમણે કોર્ટને જણાવ્યું કે આરોપી જાવેદ મુફ્તી અગાઉ પણ અનેક નિર્દોષ ગ્રામજનોનું ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સંડોવાયેલો રહ્યો છે.

તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ દ્વારા ધર્માંતરિત વ્યક્તિઓને રોકડ રકમ, નવા કપડાં અને દવાઓ પૂરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત, ભૌતિક સુખ-સુવિધાઓ જેવી કે એર કૂલર, વોટર કૂલર, હાથગાડી અને નમાજ અદા કરવા માટે ચટ્ટાઈ કે ચાદર જેવી વસ્તુઓની લાલચ આપીને આદિવાસી પરિવારોને ઇસ્લામ અંગીકાર કરવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા.

મુખ્ય ફરિયાદી પ્રવીણભાઈ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે 2018માં તેમને અને અન્ય પરિવારોને લાલચ આપી ધર્માંતરિત કરી તેમના આધાર કાર્ડમાં પણ ફેરફાર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય સાક્ષીઓએ આરોપી રમીઝ રાજા દ્વારા સુવિધાઓ પૂરી પાડવાનાં વચનો અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ અંગે પોલીસને નક્કર નિવેદનો પણ આપ્યાં છે.

સરકારી વકીલે 2019ની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આરોપીઓ વારંવાર લક્ઝરી ગાડીઓમાં કાંકરિયા ગામ આવતા હતા. ગામના જ એક માણસને ત્યાં નિયમિત બેઠકો યોજાતી હતી, જ્યાં નમાજ પઢવામાં આવતી અને ઇસ્લામનું જ્ઞાન આપવાના નામે વ્યાખ્યાનો ગોઠવવામાં આવતાં હતાં. પોલીસ પાસે આ પ્રકારની મીટિંગોના વિડીયો ફૂટેજ પણ પુરાવા તરીકે ઉપલબ્ધ છે તેમ પણ કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, 2003ની કલમ 5 અને 2008ના નિયમ 3, 4 અને 5 મુજબ ધર્માંતરણ માટે જે કાયદેસરની પરવાનગી લેવી અનિવાર્ય છે, તેનું આ કેસમાં ક્યાંય પાલન થયું નથી. કાયદાકીય પ્રક્રિયાનો અભાવ જ આ પ્રવૃત્તિને ગેરકાયદેસર અને ગુનાહિત સાબિત કરવા માટે પૂરતો છે, તેથી આરોપીઓ પર કેસ બને છે.

હાઇકોર્ટે શું કહ્યું?

અંતે હાઇકોર્ટે રાજ્ય સરકારની દલીલો ગ્રાહ્ય રાખી હતી અને હાલ ટ્રાયલ કોર્ટના આદેશમાં કોઈ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રી અને સાક્ષીઓનાં નિવેદનો તપાસતાં પ્રાથમિક દૃષ્ટિએ કેસ બનતો જણાય છે. ઉપરાંત આ મૌલવીઓ બેઠકો ધર્માંતરણના જ ઇરાદે કરતા હતા તેના પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ કોર્ટે યોગ્ય રીતે જ નિર્ણય લીધો છે અને હાઇકોર્ટ તેમાં કોઈ દખલગીરી કરશે નહીં. ત્યારબાદ અરજી ફગાવી દેવામાં આવી હતી.

આ જ કેસમાં હાઇકોર્ટ અન્ય આરોપીઓની પણ FIR રદ કરવાની માગ કરતી અરજી ફગાવી ચૂકી છે. ઑક્ટોબર 2025માં હાઇકોર્ટે સાત જેટલી અરજીઓ ફગાવી હતી. તે સમયે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે, જો ધર્માંતરિત થયેલી વ્યક્તિ પોતે પણ બીજાને ધર્માંતરણ માટે પ્રોત્સાહન આપે કે લલચાવે તો તેને ‘વિક્ટિમ’ ગણી શકાય નહીં, પણ તેઓને પણ આરોપી તરીકે ગણી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

શું હતો સમગ્ર મામલો

ભરૂચના આમોદ તાલુકામાં હિંદુ આદિવાસી સમુદાયના લોકોને નિશાન બનાવીને કરવામાં આવેલું આ સામૂહિક ધર્માંતરણ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ વર્ષ 2006થી 2021 સુધી ચાલેલું એક સુવ્યવસ્થિત ષડ્યંત્ર હતું. પોલીસ તપાસ મુજબ, કાંકરિયા ગામના આશરે 37 હિંદુ આદિવાસી પરિવારોના 100થી વધુ સભ્યોને લાલચ આપીને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર રેકેટ પાછળ વિદેશી ફન્ડિંગ અને સ્થાનિક સ્તરે સક્રિય રહેલી ટોળકીનો મોટો હાથ હોવાનું બહાર આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ગરીબ આદિવાસીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી ધર્મ પરિવર્તન કરાવવાનો હતો.

આ કેસની શરૂઆત ફરિયાદી પ્રવીણભાઈ વસંતભાઈ વસાવા દ્વારા થઈ, જેઓ પોતે વર્ષ 2018માં પ્રલોભનોમાં આવીને ઇસ્લામ અંગીકાર કરી ‘સલમાન પટેલ’ બન્યા હતા. તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વિસ્તારના સ્થાનિક હિંદુઓ અત્યંત ગરીબ હોવાથી તેમની સ્થિતિનો લાભ આરોપીઓએ ઉઠાવ્યો હતો. પ્રવીણભાઈએ જણાવ્યું કે તેમને શરૂઆતમાં શરિયત મુજબ જીવવાની શીખ અપાઈ હતી, પરંતુ પાછળથી તેમને લાગ્યું કે આ માત્ર છેતરપિંડી અને લાલચનો ખેલ હતો.

ધર્માંતરણ માટે આરોપીઓએ સામ, દામ અને દંડની નીતિ અપનાવી હતી, જેમાં ગરીબ આદિવાસીઓને રોકડ રકમ, અનાજ, રોજગાર, પાકા મકાન અને લગ્નનાં ખોટાં વચનો આપવામાં આવતાં હતાં. તેમને સતત એવું સમજાવવામાં આવતું કે હિંદુ ધર્મમાં કંઈ નથી અને ઇસ્લામ જ શ્રેષ્ઠ છે. આ પ્રક્રિયામાં કાયદાકીય છેતરપિંડી પણ કરવામાં આવતી. ગ્રામજનોને છેતરીને સુરત લઈ જવામાં આવતા અને ત્યાં ગાડીમાં બેસાડીને તેમના આધાર કાર્ડ તથા અન્ય સરકારી ઓળખપત્રોમાં નામ અને ધર્મ બદલવાના દસ્તાવેજો પર સહીઓ કરાવી લેવામાં આવતી હતી.

નવેમ્બર 2021માં આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં શબ્બીર અને સમદ બેકરીવાળા સહિત અનેક સ્થાનિક અને વિદેશી શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં ખાસ કરીને લંડન સ્થિત હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ઉભરી આવ્યું છે, જે વિદેશમાં ધર્માંતરિતોની સંખ્યા બતાવીને મોટું ફન્ડિંગ મેળવતો હતો. આરોપીઓ આ પ્રવૃત્તિને એક ‘બિઝનેસ’ તરીકે જોતા હતા, જ્યાં દરેક ધર્માંતરણ દીઠ વિદેશથી નાણાં મેળવવામાં આવતાં અને તેનો ઉપયોગ આદિવાસીઓને વધુ લાલચ આપવા માટે થતો હતો.

ધર્માંતરણ બાદ આદિવાસીઓનાં બાળકોને જાંબુસર અને હાજીરાની મદરસાઓમાં મોકલીને તેમનું બ્રેનવૉશ કરવામાં આવતું હતું. તબલીગી જમાત દ્વારા તેમને મલેગાંવ અને મુંબઈ જેવા સ્થળોએ મજહબી કાર્યક્રમોમાં લઈ જવામાં આવતા હતા જેથી તેઓ પોતાની મૂળ સંસ્કૃતિથી તદ્દન અલગ થઈ જાય. ગુજરાત પોલીસે આ કેસને માત્ર સ્થાનિક ગુના તરીકે નહીં, પણ રાષ્ટ્રીય સ્તરના ષડ્યંત્ર તરીકે રજૂ કર્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં