હોમપેજરાજકારણ‘ગુજરાતીઓ પર બોલવા પહેલાં પોતાના નેતાને શીખવો કે લોટ કિલોમાં મળે લિટરમાં...

‘ગુજરાતીઓ પર બોલવા પહેલાં પોતાના નેતાને શીખવો કે લોટ કિલોમાં મળે લિટરમાં નહીં’: ખડગેની ટિપ્પણી પર ગુજરાતીઓએ શું-શું કહ્યું?

નાગરિકો આ નિવેદનને કોંગ્રેસના રાજકીય દ્વેષ અને તેની ડૂબતી સ્થિતિના પરિણામ તરીકે જોઈ રહ્યા છે. એક મહિલા નાગરિકે એવું પણ કહ્યું છે કે એક ગુજરાતીએ જ કોંગ્રેસને હંફાવી દીધી છે, તેથી રાજકીય લાભ ખાતર સમગ્ર ગુજરાતને નિશાના પર લેવું યોગ્ય નથી.

- Advertisement -

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કેરળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ગુજરાતમાં ભારે રોષ અને રાજકીય વિવાદ સર્જાયો છે. ખડગેએ ગુજરાતના લોકોને ‘અભણ’ (illiterate) કહીને તેમને મૂર્ખ બનાવી શકાય તેવું કહ્યું હતું, જેના વિરોધમાં ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને ગુજરાતીઓમાં આક્રોશ ફેલાયો છે. ગુજરાતીઓએ માંગ કરી છે આ ઘટનાના પગલે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનું રાજીનામું માંગી લેવું જોઈએ.

નોંધનીય છે કે 5 એપ્રિલ, 2026ના રોજ કેરળના ઇડુક્કી જિલ્લામાં એક રેલીમાં સંબોધન કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરશો. તેઓ ખૂબ જ ચપળ અને શિક્ષિત છે. મોદીજી અને વિજયન (પિનારાઈ વિજયન), તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોના અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ કેરળના લોકોને નહીં.”

આ નિવેદન 9 એપ્રિલે યોજાનાર કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે આપવામાં આવ્યું હતું. ખડગેનો હેતુ કેરળના લોકોને ‘શિક્ષિત અને સમજુ’ ગણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન વિરુદ્ધ ભેગા કરવાનો હતો, પરંતુ તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવી દીધા હતા જેના કારણે ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ અંગે ઑપઇન્ડિયાએ ગુજરાતના સામાન્ય નાગરિકો સાથે વાતચીત કરી હતી.

- Advertisement -

‘રાહુલ ગાંધી લિટરમાં લોટ માંગે છે, વાસ્તવમાં અભણ કોણ તે કોંગ્રેસે વિચારવું જોઈએ’

આ દરમિયાન એડવોકેટ કલ્પેશ પ્રજાપતિએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને વળતો જવાબ આપતા જણાવ્યું કે જેમના નેતા રાહુલ ગાંધીને તેઓ ખૂબ ભણેલા ગણેલા માને છે, તે રાહુલ ગાંધી લોટને ‘કિલો’ ના બદલે ‘લીટર’માં માંગે છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો લોટ લીટરમાં મપાતો હોય તો ખરેખર અભણ કોણ છે તે કોંગ્રેસે વિચારવું જોઈએ.

અન્ય એક નાગરિકે કહ્યું કે રાજકીય મતભેદો ઊભા કરવા માટે ગુજરાતને ટાર્ગેટ કરવું યોગ્ય નથી. ગુજરાત અત્યારે દેશમાં વિકાસની દ્રષ્ટિએ સૌથી આગળ છે, જેના પુરાવા તરીકે સાબરમતી રિવરફ્રન્ટ અને મેટ્રો ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ નજર સામે છે, જે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં શક્ય બન્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતીઓમાં કંઈક કરી છૂટવાની ક્ષમતા અને તાકાત રહેલી છે.

બીજા એક વ્યક્તિએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “જો ગુજરાતની પ્રજા અભણ હોત તો અમારો ‘હાવજ’ (નરેન્દ્ર મોદી) આજે દિલ્હીની ગાદી પર બેઠો ન હોત. જ્યારે પણ દિલ્હીમાં કોઈ મોટી બેઠક યોજાય છે, ત્યારે દેશના તમામ રાજ્યોમાં હલચલ મચી જાય છે, કારણ કે તેમને અપેક્ષા હોય છે કે આ ગુજરાતનો નેતા કંઈક નવું અને મોટું પરિવર્તન લાવશે.”

‘કોંગ્રેસે લેવું જોઈએ ખડગેનું રાજીનામું’

એક નાગરિકે કહ્યું હતું કે આ એક મોટી વિડંબના છે કે જે કોંગ્રેસનાં માલકીન અને તેમનો પુત્ર (હાઈકમાન્ડ) ગુજરાતી અટક ‘ગાંધી’નો ઉપયોગ કરે છે, તે જ પક્ષના અધ્યક્ષ ગુજરાતી પરિવારનું અને સમગ્ર ગુજરાતનું અપમાન કરી રહ્યા છે. ખડગેને યાદ અપાવવામાં આવવું જોઈએ કે તેઓ જે માલિકની સેવા કરે છે, તેઓ પોતે આ જ અટકથી ઓળખાય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ ન સહન કરવું જોઈએ અને તાત્કાલિક મલ્લિકાર્જુન ખડગેનું રાજીનામું લેવું જોઈએ.

આગળ તેમણે કહ્યું કે ગુજરાતીઓ પ્રત્યેના આવા નકારાત્મક વલણ પાછળ ઈર્ષા હોવાનું માનવામાં આવે છે. ભારતની કુલ ઈકોનોમીમાં ગુજરાત એકલું 28થી 30% જેટલો ફાળો આપે છે. વિરોધીઓ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદીની ઈર્ષા કરે છે અને અમિત શાહની ચાણક્ય નીતિને પહોંચી શકતા નથી, તેથી ગુજરાતીઓને અભણ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે.

અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ગુજરાતી લોકો બિઝનેસમાં કેટલા પાવરફુલ છે તે આખું જગત જાણે છે. ભલે અમુક લોકો શિક્ષણમાં ખૂબ આગળ ન હોય, પરંતુ વેપાર-ધંધાની સમજ અને રાજ્યના ડેવલપમેન્ટમાં ગુજરાતીઓ હંમેશા મોખરે રહ્યા છે. સત્તા મેળવવાની લાલસામાં ગુજરાતીઓ માટે આવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવો તે જરાય યોગ્ય નથી.

‘એક ગુજરાતીએ જ કોંગ્રેસને હંફાવી દીધી છે…’

અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે ગુજરાતીઓ વિશ્વના લગભગ 60થી 70 દેશોમાં વસેલા છે અને વર્ષોથી ત્યાં વેપાર-ધંધા કરે છે. ભારતમાં પણ ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે 50% ગુજરાતીઓ આગળ છે અને નાણાકીય બાબતોમાં પણ તેમનું પ્રભુત્વ છે. તેમના મતે ગુજરાતીઓ અભણ નથી, પરંતુ મલ્લિકાર્જુન ખડગે પોતે અભણ છે. આ નિવેદનને ગુજરાતનું ઘણું મોટું અપમાન ગણાવવામાં આવ્યું છે.

નાગરિકો આ નિવેદનને કોંગ્રેસના રાજકીય દ્વેષ અને તેની ડૂબતી સ્થિતિના પરિણામ તરીકે જોઈ રહ્યા છે. એક મહિલા નાગરિકે એવું પણ કહ્યું છે કે એક ગુજરાતીએ જ કોંગ્રેસને હંફાવી દીધી છે, તેથી રાજકીય લાભ ખાતર સમગ્ર ગુજરાતને નિશાના પર લેવું યોગ્ય નથી. ગુજરાતીઓના દબદબા તરીકે સુનીતા વિલિયમ્સ જેવા મહાનુભાવોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતના નાગરિકોએ માંગ કરી છે ગુજરાતીઓના અપમાન બદલ મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગવી જોઈએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં