31 માર્ચે ગુજરાત પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ગુજરાતભરના લગભગ 19 હજાર કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ-શિલાન્યાસ કર્યાં, જેમાં અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે પણ સામેલ છે. ભાવનગરના અધેલાઈ ગામને અમદાવાદના સરખેજ સાથે જોડતો આ એક્સપ્રેસ વે ખાસ તો ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને (DSIR) આર્થિક પાટનગર સાથે સીધું જોડાણ પૂરું પાડશે અને ધોલેરાનું એરપોર્ટ પણ આ જ માર્ગમાં આવશે.
આશરે ₹5,100થી ₹5,800 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ 109 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે હાલ ચાર લેનનો છે, પરંતુ તેને ભવિષ્યમાં આઠ લેન સુધી વધારી શકાય તેવી ક્ષમતા સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા અને સીમલેસ મુસાફરી માટે તેમાં 11 ઇન્ટરચેન્જ, 14 ફ્લાયઓવર, 86 અન્ડરપાસ અને આધુનિક વે-સાઇડ એમેનિટીઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હાઇવે પર બંધ ટોલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે વાહનોની અવરજવરને વધુ ઝડપી અને સરળ બનાવશે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેનું ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથેનું સીધું જોડાણ છે, જે આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત ભવિષ્યમાં આ જ રૂટ પર સેમી હાઇસ્પીડ રેલ કોરિડોર લાવવાનું પણ આયોજન છે, જેના માટે 30 મીટર જેટલી જગ્યા અગાઉથી જ સુરક્ષિત રાખવામાં આવી છે. આમ, આ એક્સપ્રેસવે માત્ર રોડ કનેક્ટિવિટી જ નહીં પણ પરિવહનના બહુવિધ માધ્યમો માટે એક મજબૂત માળખું પૂરું પાડશે.
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે માત્ર ઝડપી મુસાફરી જ નહીં, પણ પર્યાવરણીય સંરક્ષણ માટે પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રોજેક્ટના નિર્માણમાં ‘વેસ્ટ-ટુ-વેલ્થ’ના અભિગમને અપનાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશરે 60 લાખ મેટ્રિક ટન કચરાનો પાળા (એમ્બેન્કમેન્ટ) બનાવવામાં પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 22 લાખ મેટ્રિક ટન ફ્લાય એશનો ઉપયોગ કરીને ઔદ્યોગિક કચરાના નિકાલની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મોટી સફળતા મેળવી છે. ઉપરાંત તેમાં પર્યાવરણની જાળવણીનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
આ એક્સપ્રેસ વેના નિર્માણથી મુસાફરીના અંતર અને સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે અર્થતંત્ર અને રોજિંદા જીવન માટે પરિવર્તનકારી સાબિત થશે. અમદાવાદથી ધોલેરાનું અંતર 100 કિમીથી ઘટીને 83 કિમી થઈ ગયું છે. એક્સપ્રેસ વે હોવાથી મુસાફરીનો સમય 2 કલાક 15 મિનિટથી ઘટીને માત્ર 45 મિનિટ થઈ ગયો છે. તેવી જ રીતે અમદાવાદથી ભાવનગર વચ્ચેનું 169 કિમીનું અંતર હવે 141 કિમી થઈ ગયું છે, જેના પરિણામે મુસાફરો 3 કલાક 15 મિનિટને બદલે માત્ર 1 કલાક 45 મિનિટમાં નિર્ધારિત સ્થળે પહોંચી શકશે.
ધોલેરા સ્માર્ટ સિટી અને તેના આસપાસના વિકાસની વાત 2009-10થી ચાલતી હતી. ધોલેરા SIRને ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મુખ્ય સ્તંભ તરીકે જોવામાં જોવામાં આવે છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું આયોજન પણ આ જ વિઝનનો અભિન્ન ભાગ હતું. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા આ પ્રોજેક્ટને ચાર પેકેજમાં વહેંચીને કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પેકેજ-1 માટે ₹1,298 કરોડ, પેકેજ-2 માટે ₹1,415 કરોડ, પેકેજ-3 માટે ₹1,034 કરોડ અને પેકેજ-4 માટે ₹1,358 કરોડ ફાળવવામાં આવ્યા હતા. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ પાછળ કુલ ₹5,100 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
નોંધનીય છે કે આ રોડ માત્ર અમદાવાદ અને ધોલેરાને જ નહીં, પરંતુ આસપાસનાં ગામો, ઔદ્યોગિક હબ અને ભાવનગર સુધીની કનેક્ટિવિટી વધારશે. ઉપરાંત સીધી કનેક્ટિવિટી મળી ગઈ હોવાના કારણે ધોલેરા સ્માર્ટ સિટીમાં રોકાણકારોને આકર્ષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી જવાશે. પ્રોજેક્ટ ધોલેરા SIRના વિકાસને વેગ આપશે અને ગુજરાતના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
રાતોરાત નથી સાકાર થતા પ્રોજેક્ટ, સમય લાગે છે, આ સમય દરમ્યાન ખીખિયાટા કરનારાઓને તક મળી જાય છે
ધોલેરા સ્માર્ટ સિટી હોય કે એક્સપ્રેસ વેની વાત હોય, આ પ્રોજેક્ટ જ્યારે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે એક ઇકોસિસ્ટમે, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ બહુ મજાક ઉડાવી હતી અને નરેન્દ્ર મોદીના આ વાયદાઓ અને જાહેરાતોને ‘ચૂંટણીલક્ષી વાયદા’ ગણાવીને માત્ર મત મેળવવાનું તૂતમાં ખપાવી દેવામાં આવ્યાં હતાં. આવું જ સાબરમતી રિવરફ્રન્ટ અને ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ વખતે પણ થયું હતું. સ્ટેચ્યુ ઑફ યુનિટીને પણ આ જ રીતે નકામો ખર્ચ ગણાવવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આજે આ જ પ્રોજેક્ટના કારણે એકતાનગર આખું વિકસી ગયું અને દર વર્ષે કરોડો રૂપિયા અર્થવ્યવસ્થામાં ઉમેરે છે.
આ જ રીતે અમદાવાદ મેટ્રો કે બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સની પણ આ જ રીતે ટીકા થઈ હતી, અથવા કહીએ કે મજાક ઉડાવવામાં આવી રહી હતી. સમયે-સમયે આ પ્રોજેક્ટની વાતો સોશિયલ મીડિયા પર વહેતી મૂકવામાં આવતી અને પ્રશ્નો થતા કે આ પ્રોજેક્ટનું શું થયું અને ચિત્ર એવું ઉપસાવવાના પ્રયાસો થતા હતા કે સરકારે માત્ર મોટા-મોટા વાયદા કરીને પ્રજાના પૈસાનું પાણી કરવા સિવાય બીજું કશું કર્યું નથી.
હકીકત એ છે કે વિકાસ એ રાતોરાત થતી પ્રક્રિયા નથી, તેમાં મક્કમ નિર્ધાર, દીર્ઘદૃષ્ટિ અને ધીરજની જરૂર પડે છે. આયોજન જોઈએ છે, અને ખાસ તો આવા મોટા પ્રોજેક્ટમાં સમય લાગે છે. અન્ય અમુક બાહ્ય પરિબળો પણ અસર કરે છે. એ બધું જ જોવું પડતું હોય છે. દરેક પ્રોજેક્ટ જમીન પર પણ સાકાર થયા છે, ફેર માત્ર એટલો કે તેમાં સમય લાગ્યો છે.
આ સમય દરમ્યાન નકારાત્મકતા ફેલાવનારો વર્ગ માત્ર ટીકા કરવામાં જ વ્યસ્ત રહ્યો, જ્યારે બીજી તરફ સરકારે મક્કમ ઈરાદા સાથે આ સપનાં જમીન પર ઉતાર્યાં છે. આજે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. એક સમયે જે વાતોને ‘ગપ્પાં’ કહીને નકારી કાઢવામાં આવતી હતી તે આજે હાઈ-સ્પીડ કોરિડોર સાકાર થયો છે અને ઉપયોગી પણ થઈ રહ્યો છે.


