હોમપેજદેશનીતિન ગડકરી માનહાનિ કેસમાં કેમ ફસાયો ‘ઇન્ફ્લુએન્સર’ અને ચાલાકીના કારણે કેમ બચી...

નીતિન ગડકરી માનહાનિ કેસમાં કેમ ફસાયો ‘ઇન્ફ્લુએન્સર’ અને ચાલાકીના કારણે કેમ બચી ગયું મેગેઝિન ‘ધ કારવાં’?

વાયરલ વિડીયોએ રિપોર્ટના આખા દાવાને ‘સત્ય’ તરીકે રજૂ કર્યો હતો. તેણે દાવો કર્યો કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો સંબંધ એક એવી કંપની સાથે છે જે બીફ (beef) વેચવાનું કામ કરે છે, જેને ઈન્ફ્લુએન્સર મોહને ‘ગાયનું માંસ’ ગણાવ્યું. આ દાવાઓ એટલા વિશ્વાસ સાથે કરવામાં આવ્યા હતા કે તેમાં શંકાને કોઈ અવકાશ જ ન રહ્યો.

- Advertisement -

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આંબેડકરવાદી ઈન્ફ્લુએન્સર મુકેશ મોહન પર ₹50 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. મામલો સામે આવતાં જ વામપંથી વિચારધારા ધરાવતા ઇન્ફ્લુએન્સરો અને પ્રોપેગેન્ડાબાજો હરકતમાં આવી ગયા. સોશિયલ મીડિયા પર ‘લોકશાહી માટે જોખમ’ અને ‘અભિવ્યક્તિની આઝાદીને દબાવવાનો પ્રયાસ’ જેવાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા છે. પરંતુ કોઈપણ તારણ પર પહોંચતાં પહેલાં એક પાયાનો પ્રશ્ન તપાસવો અનિવાર્ય છે: મૂળ રિપોર્ટમાં વાસ્તવમાં શું કહેવામાં આવ્યું હતું અને વાયરલ વિડીયોમાં તે દાવાઓને કઈ હદે અતિશયોક્તિ સાથે રજૂ કરવામાં આવ્યા હતા?

વાયરલ વિડીયોમાં શું દાવો કરવામાં આવ્યો હતો?

મુકેશ મોહન નામના એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે પોતાની એક રીલમાં દાવો કર્યો કે નીતિન ગડકરી ગૌવંશનું માંસ વેચે છે. પોતાની રીલમાં તેણે કહ્યું, “મહારાષ્ટ્ર પોલીસે ‘રેમ્બલ એગ્રો એન્ડ ફૂડ્સ’ કંપનીની એક ટ્રક જપ્ત કરી છે, જે બીફ (ગાયનું માંસ) લઈ જઈ રહી હતી. ‘ધ કારવાં’ મેગેઝિનના રિપોર્ટ અનુસાર, આ કંપનીના માલિક BJP નેતા નીતિન ગડકરી છે.”

વાયરલ વિડીયોએ રિપોર્ટના આખા દાવાને ‘સત્ય’ તરીકે રજૂ કર્યો હતો. તેણે દાવો કર્યો કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો સંબંધ એક એવી કંપની સાથે છે જે બીફ (beef) વેચવાનું કામ કરે છે, જેને ઈન્ફ્લુએન્સર મોહને ‘ગાયનું માંસ’ ગણાવ્યું. આ દાવાઓ એટલા વિશ્વાસ સાથે કરવામાં આવ્યા હતા કે તેમાં શંકાને કોઈ અવકાશ જ ન રહ્યો.

- Advertisement -

આરોપ અને સાબિત થયેલા સત્ય વચ્ચેનો તફાવત જ ભૂંસી નાખવામાં આવ્યો. આખી વાત કહેતી વખતે તેણે ક્યાંય એવું ન જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અથવા આની પુષ્ટિ કરી શકાતી નથી વગેરે. અસલમાં સમસ્યા અહીંથી જ શરૂ થઈ. કોઈપણ દાવાની મજબૂતી એ વાત પર નિર્ભર નથી કરતી કે તેને કેટલા જોરશોરથી રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ એ વાત પર નિર્ભર કરે છે કે શું તેની પાછળ એવા પુરાવા છે જેની તપાસ થઈ શકે.

‘ધ કારવાં’ના (Caravan) રિપોર્ટમાં શું છે?

વાસ્તવમાં મુદ્દો એ નથી કે રિપોર્ટ પર ચર્ચા, ટીકા કે તેના પર સવાલ ઉઠાવી શકાય કે નહીં. મુદ્દો એ છે કે લોકોએ એ રિપોર્ટને કેવી રીતે સમજ્યો અને તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે તેને જનતા સામે કેવી રીતે રજૂ કરવામાં આવ્યો. મૂળ રિપોર્ટને ધ્યાનથી વાંચતાં એક એવી તસવીર સામે આવે છે જે વાયરલ દાવાઓ કરતા ક્યાંય વધુ ઊંડી અને સાવચેતીપૂર્વક કહેવામાં આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે, રિપોર્ટ ગડકરીની પોતાની માલિકી કે કામકાજ પર સીધી રીતે કોઈ દાવો નથી કરતો.

તેમાં આવા કોઈ પણ સંબંધને સાબિત કરતો કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે આ તમામ પુરાવાઓ જે દર્શાવે છે કે ‘રેમ્બલ’ (Rembal) અને ‘સિયન એગ્રો’ (Cian Agro) માત્ર ક્લાયન્ટ અને કસ્ટમર કરતા કંઈક વિશેષ છે, તેમ છતાં આ બંને સંસ્થાઓ વચ્ચેના સંબંધ વિશે બીજું કંઈ કહેવામાં આવ્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ‘ધ કારવાં’ એ ક્યારેય એવો દાવો નથી કર્યો કે નિતિન ગડકરી કોઈ બીફ વેચતી કંપનીના ‘માલિક’ છે.

માંસના વેપારનો મુદ્દો પણ ઘણી સાવચેતી સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાના મૂળમાં ગૌમાંસનો વેપાર જ છે. સંબંધિત કંપનીનું કહેવું છે કે તે ભેંસના માંસનો વેપાર કરે છે, જેની કાયદેસર રીતે મંજૂરી છે. સાથે જ, રિપોર્ટ એ વાત પર પણ આંગળી ચીંધે છે કે ઉત્પાદનોનું વર્ણન ક્યારેક ‘ભેંસના માંસ’ તરીકે કરવામાં આવે છે, તો ક્યારેક ‘બીફ’ તરીકે. આનાથી લેબલિંગમાં અમુક અંશે અસ્પષ્ટતા (ambiguity) ઊભી થાય છે. ખાસ વાત એ છે કે જપ્ત કરાયેલ ટ્રકના કિસ્સામાં પણ અદાલતે એવું ચોક્કસપણે નક્કી નથી કર્યું કે માંસ ગાયનું હતું કે ભેંસનું. અદાલતે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં ખામીઓ હોવાની વાત કરી છે.

ટૂંકમાં કહીએ તો આ રિપોર્ટ ઘણી શંકાઓ અને વિસંગતતાઓ વિશે વાત કરે છે. પરંતુ તે એવા કોઈ પાકા તારણ પર નથી પહોંચતો કે ગડકરી એ કંપનીના માલિક છે, તેઓ આ વ્યવસાય ચલાવે છે અથવા તો કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિમાં સીધી રીતે સામેલ છે.

તેથી અસલી મુદ્દો એ નથી કે રિપોર્ટે મુશ્કેલ સવાલો ઉઠાવ્યા છે કે નહીં. સવાલો તો ઉઠાવ્યા જ છે. પરંતુ મૂળ વાત એ છે કે શું એ સવાલોને કોઈ પણ નક્કર પુરાવા વિના સીધા ‘સત્ય’ કે ‘દાવા’ તરીકે રજૂ કરી શકાય? અહીં કહી શકાય કે ઇન્ફ્લુએન્સરે મર્યાદા ઓળંગી દીધી છે.

‘કારવાં’ની સાવચેતી વિરુદ્ધ ઇન્ફ્લુએન્સરના સીધા આક્ષેપો

આ વિવાદ માત્ર રિપોર્ટ પર ચર્ચા કરવાથી નહીં, પણ એ રિપોર્ટને જે રીતે રજૂ કરવામાં આવ્યો તેનાથી ઊભો થયો છે. હકીકતમાં, મૂળ રિપોર્ટમાં કેટલીક સમાનતાઓ અને ગૂંચવણોની વાત છે, પણ તેમાં કોઈ અંતિમ નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી. રિપોર્ટ માત્ર પ્રશ્નો પૂછે છે, કોઈ ચુકાદો આપતો નથી. રિપોર્ટ પોતે એ વાત સ્વીકારે છે કે નિતિન ગડકરીની આ કંપનીમાં સીધી માલિકી હોય તેવો કોઈ સત્તાવાર પુરાવો નથી.

ખોજી પત્રકારત્વમાં આવી સાવચેતી રાખવી જરૂરી હોય છે કારણ કે તે ઘણીવાર પાકા પુરાવાને બદલે માત્ર શંકા કે પેટર્ન પર આધારિત હોય છે. પરંતુ મુકેશના વાયરલ વિડીયોએ આ મર્યાદા ઓળંગી નાખી. તેણે વ્યાપારી સંબંધોની શંકાને સીધી સંડોવણી તરીકે બતાવી દીધી. એટલું જ નહીં, વિડીયોમાં ‘ભેંસના માંસ’ અને ‘બીફ’ વચ્ચેનો તફાવત પણ રાખવામાં આવ્યો નથી અને સીધું જ તેને ‘ગાયનું માંસ’ કહી દીધું છે.

આ માત્ર ભાર મૂકવાની વાત નથી પણ અર્થનો અનર્થ કરવા જેવું છે. કાયદા અને પત્રકારત્વમાં ‘શક્યતા’ દર્શાવવી અને ‘હકીકત’નો દાવો કરવો એ બંનેમાં મોટો તફાવત છે. શક્યતા તપાસ તરફ દોરી જાય છે, જ્યારે દાવો પુરાવા માંગે છે. આ તફાવત ભૂંસી નાખીને વિડીયોએ એક તપાસને સીધા આક્ષેપમાં બદલી નાખી, જે કાયદાકીય રીતે સીમાનું ઉલ્લંઘન ગણાય.

માનહાનિ કોને કહેવાય?

સરળ શબ્દોમાં કહીએ તો માનહાનિ એટલે એવાં નિવેદનો, કૃત્યો જે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આવું ત્યારે થાય છે જ્યારે પુરાવા વગરના ખોટા દાવાઓને ‘સત્ય’ તરીકે રજૂ કરવામાં આવે.

મુખ્ય મુદ્દો એ નથી કે વિષય કેટલો વિવાદાસ્પદ છે કે રાજકીય રીતે કેટલો સંવેદનશીલ છે, પરંતુ મુદ્દો એ છે કે જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે કે નહીં. જ્યારે કોઈ અંદાજ કે અર્થઘટનને નક્કર આધાર વગર ‘હકીકત’ માનીને રજૂ કરવામાં આવે ત્યારે તે માનહાનિના દાયરામાં આવવાનું જોખમ વધી જાય છે.

અહીં એ સમજવું પણ જરૂરી છે કે કાયદો કોઈની ટીકા કરવા કે તપાસ કરવા પર રોક લગાવતો નથી. કાયદો માત્ર પાયાવિહોણા આરોપોને સત્ય તરીકે રજૂ કરતા અટકાવે છે, કારણ કે તેનાથી કોઈની વર્ષોની કમાયેલી છબી ખરડાઈ શકે છે.

પ્રકાશકને બદલે ઇન્ફ્લુએન્સરને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો?

સોશિયલ મીડિયા પર અત્યારે એક મુખ્ય સવાલ એ ઉઠાવવામાં આવી રહ્યો છે કે મૂળ રિપોર્ટ છાપનાર પ્રકાશકને બદલે માત્ર ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ જ કાનૂની કાર્યવાહી કેમ કરવામાં આવી? અહીં જ ‘રિપોર્ટિંગ’ અને ‘તેનું ખોટું અર્થઘટન’ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

મૂળ રિપોર્ટ ભલે ટીકાત્મક હોય, પરંતુ તેના શબ્દો ખૂબ જ વિચારીને પસંદ કરવામાં આવ્યા છે. તે સતત એવી ભાષાનો ઉપયોગ કરે છે જે અનિશ્ચિતતા દર્શાવે છે. તે સવાલો ઉઠાવે છે અને સ્પષ્ટપણે સ્વીકારે છે કે તેની પાસે કોઈ સત્તાવાર પુરાવા નથી. તે ક્યાંય પણ સીધો એવો દાવો નથી કરતો કે નિતિન ગડકરી કોઈ બીફ વેચતી કંપનીના માલિક છે કે તે ચલાવે છે.

બીજી તરફ વિડીયોએ ‘ધ કારવાં’ની આ સાવચેતીભરી વાતને સીધા આક્ષેપમાં બદલી નાખી. એટલું જ નહીં, ઇન્ફ્લુએન્સરે એ દાવાની જવાબદારી પણ લીધી. કાયદાકીય મુશ્કેલી માત્ર રિપોર્ટ પર ચર્ચા કરવાથી ઊભી નથી થતી પણ જ્યારે કોઈ વ્યક્તિ પૂરતા પુરાવા વગર માહિતીને ‘નક્કર સત્ય’ તરીકે રજૂ કરે ત્યારે ઊભી થાય છે.

સમસ્યા અભિવ્યક્તિની આઝાદી અને સેન્સરશિપ વચ્ચેની નથી, પરંતુ અર્થઘટન વિરુદ્ધ આક્ષેપ વચ્ચેની છે. પ્રશ્નો ઉઠાવવાનો, ટીકા કરવાનો અને વિશ્લેષણ કરવાનો અધિકાર ચોક્કસપણે મહત્વપૂર્ણ છે, પરંતુ સાથે સાથે જે કહેવામાં આવી રહ્યું છે તે સત્ય હોય તેની ખાતરી કરવાની ફરજ પણ તેટલી જ મહત્વની છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં