અલ્તાફે ‘સાહિલ દેસાઈ’ બની હિંદુ સગીરાને ફસાવી, અશ્લીલ વિડીયો-ફોટોના આધારે કર્યું શારીરિક શોષણ: ગાંધીનગરથી સામે આવી લવ જેહાદની ઘટના

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ધર્મ છુપાવીને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના વધતા કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-24માં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી એક 17 વર્ષીય હિંદુ સગીરાનું શારીરિક શોષણ કરવાના આરોપમાં અલ્તાફ વલી ખાન લુહાર નામના 21 વર્ષીય યુવકને વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ રંગેહાથ પકડ્યો છે. આરોપી યુવક ‘સાહિલ દેસાઈ’ તરીકે પોતાની ખોટી ઓળખ આપી સગીરાને પજવતો હતો.

ઘટનાની વિગતો મુજબ મૂળ સેક્ટર-26નો રહેવાસી અલ્તાફ લુહાર સિવિલ કેમ્પસમાં આવેલી એક એસેસરીઝની દુકાનમાં નોકરી કરે છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું સાચું નામ અને ધર્મ છુપાવીને ‘સાહિલ દેસાઈ’ નામે ફેક આઈડી બનાવ્યું હતું. આ ફેક પ્રોફાઈલથી તેણે સગીરાનો સંપર્ક કર્યો અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવક સગીરાની માસૂમિયતનો લાભ ઉઠાવીને છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું સતત શારીરિક શોષણ કરી રહ્યો હતો.

પરિવારની ચેતવણી છતાં હરકતો ચાલુ રાખી

આશરે છ મહિના પહેલાં સગીરાના પરિવારને આ બાબતની જાણ થઈ હતી. તે સમયે પરિવારે યુવકને બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો અને સગીરાથી દૂર રહેવા માટે અંતિમ ચેતવણી આપી હતી. છતાં, અલ્તાફ પોતાની હરકતોથી બાજ આવ્યો નહોતો. તાજેતરમાં જ્યારે સગીરા ઘરે એકલી હોવાનું આરોપીને ખબર પડી, ત્યારે તે છુપાઈને તેના ઘરે પહોંચી ગયો હતો.

બજરંગ દળ અને VHPએ સગીરાને બચાવી

પાડોશીઓને શંકા જતાં તેમણે તાત્કાલિક વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને જાણ કરી હતી. સંગઠનના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને મકાનના ત્રીજા માળે આવેલા ધાબાના રૂમનો દરવાજો ખોલાવતા અલ્તાફ અને સગીરા વાંધાજનક હાલતમાં મળી આવ્યા હતા. કાર્યકરોએ જ્યારે અલ્તાફનો મોબાઈલ તપાસ્યો ત્યારે તેમાં સગીરા સાથેના અનેક વાંધાજનક ફોટા અને વિડીયો મળી આવ્યા હતા.

આ બનાવની ગંભીરતાને પગલે બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને હિંદુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં સેક્ટર-21 પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદના અને બજરંગ દળના આગેવાનોએ આ ઘટનાને સ્પષ્ટપણે ‘લવ જેહાદ’નું વ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે.

લોકોના આક્રોશને જોતા પોલીસે આરોપી અલ્તાફની ધરપકડ કરી છે. હિંદુ સંગઠનોએ પોલીસ પાસે ત્વરિત FIR નોંધીને દાખલો બેસાડે તેવી કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોએ ચીમકી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન તેજ કરવામાં આવશે. હાલમાં પોલીસ આરોપી વિરુદ્ધ આઇપીસી (IPC) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.