કેરળનું નામ બદલવા માટેના રાજ્ય સરકારના પ્રસ્તાવને કેન્દ્ર મંજૂરી આપે તેવી શક્યતા: રિપોર્ટ

કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની ચર્ચાઓ ફરીથી શરૂ થઈ છે. કારણ એ છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા નામને મંજૂરી આપશે તેવા અહેવાલો મળી રહ્યા છે. સંભવતઃ 24 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી શકે છે. જોકે કેન્દ્ર સરકાર તરફથી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.

અહીં ઉલ્લેખનીય છે કે કેરળ વિધાનસભાએ 2024માં રાજ્યનું નામ બદલવા માટે ઠરાવ પસાર કર્યો હતો. મુખ્યમંત્રી પિનરાયી વિજયનએ આ ઠરાવ રજૂ કર્યો હતો. મૂળ ઠરાવમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેટલાક તકનીકી ફેરફારો સૂચવ્યા હતા, તેથી 25 જૂન 2024ના રોજ બીજી વખત વિધાનસભામાં ઠરાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.

આ ઠરાવમાં કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે કે ભારતીય બંધારણની કલમ 3 હેઠળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવામાં આવે અને બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓમાં તેને ‘કેરલમ’ તરીકે નોંધવામાં આવે.

જે-તે સમયે મુખ્યમંત્રી પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, “મલયાલમ ભાષામાં આ રાજ્યને ‘કેરલમ’ કહેવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન વહીવટી સરળતા માટે તેને ‘કેરળ’ કરી દેવામાં આવ્યું હતું. હવે આ ફેરફારને સુધારીને મૂળ નામ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જે રાજ્યની સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે સુસંગત છે.”

નોંધનીય છે કે ‘કેરલમ’ એ મલયાલમ ભાષામાં રાજ્યનું પરંપરાગત અને મૂળ નામ છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મલયાલમ બોલતા વિસ્તારોને એકીકૃત કરવાની માંગ ઉઠી હતી ત્યારે બ્રિટિશ કાળમાં વહીવટી કારણોસર નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસ્તાવને રાજકીય સમર્થન પણ મળ્યું છે. જાન્યુઆરી 2026માં કેરળ બીજેપી અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરએ મુખ્યમંત્રી પિનરાયી વિજયનને પત્ર લખીને આ નામ બદલવાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ મૂળ નામ પુનઃસ્થાપિત કરવું એ વારસાને માન આપવાનું અગત્યનું પગલું છે. બીજેપી અને એનડીએ હંમેશા કેરલમની પરંપરા, સંસ્કૃતિ અને શ્રદ્ધાના રક્ષણ માટે ઊભા રહ્યાં છે.”

હવે 24 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવાની મજબૂત સંભાવના છે. ત્યારબાદ બંધારણીય સુધારા દ્વારા ઔપચારિક રીતે નામ બદલાશે. એ પણ ઉલ્લેખનીય છે કે કેરળમાં મે 2026 પહેલાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે.