હોમપેજઇન્ડોલોજીજ્યારે કોંઢાણાના કિલ્લા પર ભગવો લહેરાવવા માટે તાન્હાજીએ આપ્યું હતું સર્વોચ્ચ બલિદાન:...

જ્યારે કોંઢાણાના કિલ્લા પર ભગવો લહેરાવવા માટે તાન્હાજીએ આપ્યું હતું સર્વોચ્ચ બલિદાન: વાંચો એ યુદ્ધ વિશે, જેના માટે છત્રપતિ શિવાજીએ કહ્યું હતું– ‘ગઢ આલા પણ સિંહ ગેલા’

આજથી બરાબર 356 વર્ષ પહેલાં, 4 ફેબ્રુઆરી 1670ની એ ઐતિહાસિક રાત્રે છત્રપતિ શિવાજી મહારાજના પરમ મિત્ર અને અજોડ સેનાપતિ તાન્હાજી માલુસરેએ પુણે પાસે આવેલા અજેય કોંઢાણા કિલ્લાને મુઘલોના કબજામાંથી મુક્ત કરાવવા માટે એક યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું.

- Advertisement -

ભારતનો ઇતિહાસ કેટલાંય યુદ્ધોની સાક્ષી પૂરે છે, પછી ભલે તે અંગ્રેજો સામે હોય, પોર્ટુગીઝો સામે હોય, કે મુઘલો સામેનાં હોય. ઇતિહાસમાં લખાયેલું કે ભારતમાં કેટલીય વિદેશી પ્રજા આવી જેમાં મુઘલોનો પણ સમાવેશ થાય છે. મુઘલોએ હિંદુ અસ્થા અને સંસ્કૃતિને અપવિત્ર કરવાનાં કૃત્યોથી ઇતિહાસનાં પાનાં ભરેલાં છે. એ જ ઇતિહાસમાં મુઘલોને ખદેડવા અને હિંદવી સ્વરાજ સ્થાપવાનું સ્વપ્ન જોનારા છત્રપતિ શિવાજી મહારાજનું નામ પણ અમર છે. આ સ્વપ્નને પૂર્ણ કરવા શિવાજી મહારાજે મુઘલો વિરુદ્ધ ઘણાં યુદ્ધો લડ્યાં હતાં. આજે 4 ફેબ્રુઆરીએ એવા જ એક યુદ્ધને 356 વર્ષ થઈ રહ્યાં છે. સાથે જ આ યુદ્ધને જેમના નામે સિંહગઢનું યુદ્ધ કહેવાયું એવા તાન્હાજી માલસુરેની પણ પુણ્યતિથિ છે.

આજથી બરાબર 356 વર્ષ પહેલાં, 4 ફેબ્રુઆરી 1670ની એ ઐતિહાસિક રાત્રે છત્રપતિ શિવાજી મહારાજના પરમ મિત્ર અને અજોડ સેનાપતિ તાન્હાજી માલુસરેએ પુણે પાસે આવેલા અજેય કોંઢાણા કિલ્લાને મુઘલોના કબજામાંથી મુક્ત કરાવવા માટે એક યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમાં વિજય તો મળ્યો, પરંતુ સ્વરાજ્યે પોતાનો સૌથી શક્તિશાળી ‘સિંહ’ ગુમાવ્યો. આજે વીર તાન્હાજી માલુસરેની 356મી પુણ્યતિથિ છે. તાન્હાજીએ લડેલ આ યુદ્ધ આજે પણ ગુરિલ્લા યુદ્ધ પદ્ધતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે.

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

મુઘલ શાસક ઔરંગઝેબ (શાસનકાળ 1658-1707) દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે પ્રયાસો કરી રહ્યો હતો. તેણે બીજાપુર અને ગોલકુંડા વગેરેને નબળાં પાડવા માટે મોટી સેના મોકલી હતી. આ દરમિયાન છત્રપત્રિ શિવાજી મહારાજનો ઉદય થઈ રહ્યો હતો. તેમણે મરાઠા સ્વરાજ્યની સ્થાપના કરી અને મુઘલો તેમજ બીજાપુર સુલ્તાનાત સામે અનેક વિજય મેળવ્યા હતા. શિવાજીએ 1660ના દાયકામાં અનેક કિલ્લાઓ અને વિસ્તારો પર કબજો કર્યો હતો, જેમાં કોંઢાણા પણ સામેલ હતો. આનાથી મુઘલોને જોખમ લાગ્યું કારણ કે શિવાજીની યુદ્ધનીતિ મુઘલ સેનાને નબળી પાડી રહી હતી.

- Advertisement -

ઔરંગઝેબે 1665માં પોતાના વિશ્વસનીય સેનાપતિ મિર્ઝા રાજા જયસિંહ પ્રથમને 12,000 સૈનિકો સાથે મોકલ્યા હતા. તેમનું કાર્ય શિવાજી પર દબાણ કરવાનું હતું. જયસિંહે પુરંદર કિલ્લા પર ઘેરો ઘાલ્યો (માર્ચથી જૂન 1665). શિવાજીએ લાંબા સમય સુધી પ્રતિકાર કર્યો, પરંતુ મુઘલ સેનાની સંખ્યા અને તોપખાનાને કારણે પરિસ્થિતિ વણસી ગઈ. જ્યારે પુરંદરના કિલ્લાની રક્ષા કરતા મુરારબાજી દેશપાંડે વીરગતિ પામ્યા અને મરાઠા સૈન્ય પર દબાણ વધ્યું, ત્યારે પ્રજાની જાનહાનિ રોકવા માટે શિવાજી મહારાજે જયસિંહ સાથે સમજૂતી કરવાનું નક્કી કર્યું.

પુરંદરની સંધિ

આ સંધિ પર 11 જૂન 1665ના રોજ હસ્તાક્ષર થયા હતા. આ સંધિની શરતો અત્યંત કઠોર હતી. શરતો અનુસાર શિવાજી મહારાજે તેમના કુલ 35 કિલ્લાઓમાંથી 23 મહત્વના કિલ્લાઓ અને વાર્ષિક 4 લાખ હુનની (તે સમયનું ચલણ) આવક ધરાવતો પ્રદેશ મુઘલોને સોંપવો પડ્યો. શિવાજીને માત્ર 12 કિલ્લાઓ રાખવાની મંજૂરી મળી (જેમ કે રાજગઢ) જેની આવક 1 લાખ હુન હતી.

આ ઉપરાંત શિવાજીએ મુઘલોને જરૂર પડ્યે સૈન્ય મદદ આપવાનું વચન આપવું પડ્યું હતું. આ સિવાય તેમના પુત્ર સંભાજીને મુઘલ સેનામાં 5,000 સૈનિકોના કમાન્ડર તરીકે પણ મોકલવા પડ્યા હતા. આ સંધિ મરાઠા સૈનિકો અને પ્રજા માટે એક આંચકા સમાન હતી. જીજાબાઈ માટે કોંઢાણા માત્ર એક પથ્થરનો કિલ્લો નહોતો, પણ સ્વરાજ્યની પ્રતિષ્ઠા હતો. તેમને પુણેની આસપાસના વિસ્તાર પર મુઘલોનો કબજો તેમને સતત ખૂંચતો હતો.

જે કિલ્લાઓ જીતવા માટે હજારો મરાઠાઓએ લોહી વહાવ્યું હતું તે કિલ્લાઓ ટેબલ પર થયેલી એક સહીથી દુશ્મનને સોંપવા પડ્યા હતા. જેના કારણે સૈનિકોમાં આંતરિક રીતે ભારે અસંતોષ અને ફરીથી બદલો લેવાની ભાવના પ્રબળ બની હતી. કોંઢાણા મુઘલો પાસે હોવાથી શિવાજી મહારાજની રાજધાની ‘રાજગઢ’ સીધી રીતે દુશ્મનની નજરમાં આવી ગઈ હતી. મરાઠાઓ પોતાની જ ભૂમિ પર અસુરક્ષા અનુભવતા હતા.

ઇતિહાસકારો માને છે કે પુરંદરની સંધિએ શિવાજી મહારાજને શારીરિક રીતે ભલે થોડા નબળા પાડ્યા હોય, પરંતુ માનસિક રીતે વધુ મક્કમ બનાવ્યા હતા. સંધિ પછી શિવાજીને આગ્રા બોલાવવામાં આવ્યા, જ્યાં તેઓને કેદ કરવાનો પ્રયાસ થયો, પરંતુ તેઓ 1666માં નીકળી ગયા હતા. આગ્રાથી પરત આવ્યા પછી મહારાજે નક્કી કર્યું કે હવે આ સંધિની સાંકળો તોડવાનો સમય આવી ગયો છે. તેમણે એક પછી એક કિલ્લાઓ પાછા જીતવાનું અભિયાન શરૂ કર્યું અને તેમાં સૌથી પહેલું અને સૌથી મોટું લક્ષ્ય ‘કોંઢાણા’ હતું. આ રીતે પુરંદરની સંધિનું અપમાન જ સિંહગઢના યુદ્ધનું મુખ્ય પ્રેરકબળ બન્યું.

કોંઢાણા કિલ્લાનું વ્યૂહાત્મક મહત્વ

કોંઢાણા (સિંહગઢ) કિલ્લો સહ્યાદ્રિ પર્વતમાળાના પૂર્વ ભાગમાં આવેલો છે અને તેની ઊંચાઈ લગભગ 4,300 ફૂટ છે. તેની ચારેય બાજુએ ઊભી ખડકો છે, જે તેને કુદરતી રીતે અભેદ્ય બનાવે છે. આ સિવાય તેમાં મુખ્ય દરવાજા (પુણે દરવાજા અને કલ્યાણ દરવાજા) સિવાય અન્ય કોઈ સરળ પ્રવેશ નથી. કિલ્લાની વિશેષતા છે કે તે રાજગઢ, પુરંદર, તોરણા અને અન્ય મરાઠા કિલ્લાઓ વચ્ચે મધ્યમાં આવેલો છે. તે પુણે વિસ્તારને નિયંત્રિત કરે છે.

આ સિવાય કોંઢાણા જીતવાથી મરાઠાઓને પુણે અને આસપાસના વિસ્તારો પર નિયંત્રણ મળ્યું, જે તેમના સ્વરાજ્યનું કેન્દ્ર હતું. આ કિલ્લો મેળવ્યા બાદ મરાઠાઓ મુઘલોના હુમલાઓને રોકીને પોતાના વિસ્તારને મજબૂત કરવા સક્ષમ હતા. નોંધનીય છે કે સંધિ પછી શિવાજીએ પોતાની સેના અને વહીવટને પુનઃસંગઠિત કરી લીધા હતા. 1669-70માં તેમણે મુઘલો સામે આક્રમક અભિયાન શરૂ કર્યું.

કોંઢાણા જીતવું તેમના અભિયાનનું પ્રથમ મોટું લક્ષ્ય હતું કારણ કે તે સંધિમાં ગુમાવેલ કિલ્લાઓમાં સૌથી મહત્વનો હતો. આ કિલ્લો જીતવાથી અન્ય કિલ્લાઓ (પુરંદર, લોહગઢ વગેરે) પર હુમલા માટે માર્ગ ખુલત. વિશેષ કારણ હતું કે આ કિલ્લો જીતી લેવાય તો મરાઠાઓનું મનોબળ વધે અને મુઘલોને સંકેત આપી શકાય કે સંધિને તોડી શકાય છે. આથી શિવાજીએ તાન્હાજી માલુસરેને આ અશક્ય કાર્ય સોંપ્યું, જે 4 ફેબ્રુઆરી 1670ની રાત્રે સફળ થયું.

તાન્હાજી માલુસરેનું જીવન અને તૈયારી

તાન્હાજી માલુસરે (અથવા તાન્હાજી કાળોજી માલુસરે) મરાઠા સામ્રાજ્યના એક મહાન સેનાપતિ અને છત્રપતિ શિવાજી મહારાજના બાળપણના મિત્ર તેમજ વફાદાર યોદ્ધા હતા. તેમને ‘સિંહ’ તરીકે ઓળખવામાં આવતા હતા અને તેમની બહાદુરી, વ્યૂહરચના અને અડગ વફાદારી માટે ભારતીય ઇતિહાસમાં અમર છે. તાન્હાજીનું જીવન મરાઠા સ્વરાજ્યના સંઘર્ષનું પ્રતીક છે અને તેમની તૈયારીએ કોંઢાણાના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

નોંધનીય છે કે બાળપણથી જ તાન્હાજી અને શિવાજી મહારાજની મિત્રતા હતી. તેઓ બંને એકસાથે રમતા, કિલ્લાઓ પર ચડવાની યોજનાઓ બનાવતા અને ભવિષ્યના સ્વરાજ્યના સપના જોતા. આ મિત્રતા આજીવન ચાલી અને તાન્હાજી શિવાજીના સૌથી વિશ્વાસુ સાથી બન્યા હતા. તેઓ પર્વતીય વિસ્તારોમાં ગુરિલ્લા યુદ્ધમાં નિપુણ હતા. તાન્હાજીએ શિવાજી મહારાજ સાથે અનેક યુદ્ધોમાં ભાગ લીધો હતો. જેમ કે પુરંદરની સંધિ પહેલાંના સંઘર્ષો અને અન્ય મુઘલ-બીજાપુર સામેના હુમલાઓ. તેઓની નેતૃત્વ ક્ષમતા અને યોદ્ધાઓને પ્રેરણા આપવાની ક્ષમતા અસાધારણ હતી.

Statue of Tanaji at Sinhagad Fort. (Wikimedia Commons) 
તાન્હાજી માલસુરે (ફોટો: સ્વરાજ્ય)

અગાઉ વાત કરી તેમ પુરંદરની સંધિ (1665) પછી કોંઢાણા (સિંહગઢ) કિલ્લો મુઘલોને સોંપવો પડ્યો હતો. 1670માં શિવાજી મહારાજે તેને પાછો જીતવાનું નક્કી કર્યું હતું. આ જ દરમિયાન તાન્હાજી માલુસરેના ઘરે ઉત્સવનો માહોલ હતો. તેમના પુત્ર રાયબાનાં લગ્ન લેવાયાં હતાં. મરાઠા સંસ્કૃતિમાં લગ્ન એ ખૂબ જ મોટો સામાજિક ઉત્સવ ગણાય છે. તાન્હાજી પોતે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા અને મહેમાનોને આમંત્રણ આપી રહ્યા હતા. એક પિતા તરીકે તેમના માટે આ જીવનનો સૌથી આનંદદાયક સમય હતો.

Tanaji
કોંઢાણાનો કિલ્લો (ફોટો: હિંદુ પોસ્ટ)

તાન્હાજી પોતાના પુત્રના લગ્નની કંકોતરી લઈને શિવાજી મહારાજને આમંત્રણ આપવા રાજગઢ પહોંચ્યા. બીજી તરફ શિવાજી મહારાજ જાણતા હતા કે આ યુદ્ધ ‘આત્મઘાતી’ સાબિત થઈ શકે તેમ છે, તેથી તેઓ પોતાના ખાસ મિત્ર તાન્હાજીને આ જોખમમાં મૂકવા માંગતા નહોતા. જ્યારે તાન્હાજીએ મહારાજને ચિંતિત જોયા અને તેમને કોંઢાણા અભિયાન વિશે ખબર પડી, ત્યારે તેમનું લોહી ઉકળી ઉઠ્યું અને ત્યારે તાન્હાજીએ જે શબ્દો કહ્યા તે અમર થઈ ગયા.

તેમણે કહ્યું ‘આધી લગ્ન કોંઢાણાચે, મગ રાયબાચે!’ એટલે કે પહેલાં કોંઢાણાનાં લગ્ન, એટલે કિલ્લો જીતવો અને પછી રાયબાનાં લગ્ન. તેમણે લગ્નની કંકોતરી બાજુ પર મૂકી દીધી અને તે જ ક્ષણે યુદ્ધનાં શસ્ત્રો ધારણ કરી લીધાં હતાં. તાન્હાજીના આ નિર્ણયમાં તેમના પરિવારનો પણ એટલો જ મોટો ફાળો હતો. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા અને યુદ્ધે જવાની વાત કરી ત્યારે તેમની પત્ની કે પરિવારે તેમને રોક્યા નહીં. મરાઠા વિરાંગનાઓએ હંમેશા પોતાના પતિને હસતા મુખે રણમેદાનમાં વિદાય આપી હતી. તાન્હાજીએ તેમના ભાઈ સૂર્યાજી અને મામા શેલાર મામાને સાથે લીધા, જેઓ પોતે અનુભવી યોદ્ધા હતા.

વ્યૂહરચના અને રાત્રિનું સાહસ

કોંઢાણા (સિંહગઢ) જીતવા માટે તાન્હાજીએ જે આયોજન કર્યું હતું, તેમાં ચોકસાઈ, ગુપ્તતા અને અકલ્પનીય સાહસનો સંગમ હતો. તાન્હાજી જાણતા હતા કે કિલ્લાના મુખ્ય દરવાજા (કલ્યાણ દરવાજા અને પુણે દરવાજા) પર હજારો મુઘલ સૈનિકોનો પહેરો છે. ત્યાંથી હુમલો કરવો શક્ય ન હતો. તેથી તેમણે કિલ્લાની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કર્યો અને કિલ્લાની પશ્ચિમદિશા (ડોણગિરીબાજુ) પસંદ કરી. આ બાજુ એટલી સીધી અને પથરાળ હતી કે મુઘલોએ રાખેલ સેનાપતિ ઉદયભાનને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે કોઈ અહીંથી ચઢી શકે છે. મુઘલોની આ જ ‘નિશ્ચિંતતા’ને તાન્હાજીએ પોતાની તાકાત બનાવી.

Tanaji
કોંઢાણાનો કિલ્લો (ફોટો: હિંદુ પોસ્ટ)

તાન્હાજીએ આ યુદ્ધ માટે માત્ર 500 ખાસ માળવાઓની પસંદગી કરી. આ એવા યોદ્ધાઓ હતા જેઓ અંધારામાં જોવાની અને પહાડો પર ચિત્તાની ઝડપે ચઢવાની ક્ષમતા ધરાવતા હતા. કિલ્લાની તળેટીમાં પહોંચવા માટે તેમણે ખેડૂતો અને સ્થાનિક લોકોનો વેશ ધારણ કર્યો હતો જેથી મુઘલ જાસૂસોને શંકા ન જાય.

4 ફેબ્રુઆરી, 1670ની તે અમાસની અંધારી રાત્રે તાન્હાજી અને તેમના સૈનિકો કિલ્લાની તળેટીમાં ‘ડોણગિરી’ ખડક પાસે એકઠા થયા હતા. લોકવાયકાઓ અનુસાર તાન્હાજીએ પોતાની પાળેલી ઘોરપડ ‘યશવંતી’નો ઉપયોગ કર્યો હતો. ઘોરપડના પંજા પથ્થરોમાં અભેદ્ય પકડ જમાવી લે છે. તાન્હાજીએ તેની કમરે મજબૂત દોરડું બાંધ્યું અને તેને ઉપર ફેંકી.

કહેવાય છે કે પહેલી બે વાર ઘોરપડ પાછી આવી ગઈ, જેને અપશુકન માની સૈનિકો ગભરાયા. પણ તાન્હાજીએ તેને મક્કમતાથી ફરી ઉપર મોકલી. એકવાર દોરડું સ્થિર થયું એટલે સૌથી પહેલા તાન્હાજી પોતે અને ત્યારબાદ તેમના માવળાઓ એક પછી એક કાળી રાત્રે 90 ડિગ્રી સીધો ખડક ચઢીને કિલ્લાની ઉપર પહોંચી ગયા.

Tanaji
ઘોરપડ ‘યશવંતી’ દ્વારા કિલ્લાની દિવાલ ચઢતા તાન્હાજી (પ્રતીકાત્મક તસ્વીર: હિંદુ પોસ્ટ)

કિલ્લાની ઉપર પહોંચ્યા પછી તાન્હાજીએ વ્યૂહાત્મક રીતે પોતાના સૈનિકોને વહેંચી દીધા. બાકીના 200 સૈનિકો તેમના ભાઈ સૂર્યાજીના નેતૃત્વમાં નીચે રહ્યા હતા, જેથી જરૂર પડે તો મદદ કરી શકાય અથવા ભાગતા દુશ્મનોને રોકી શકાય. તાન્હાજીએ ઉપર પહોંચતા જ મધરાતે મુઘલ છાવણી પર અચાનક હુમલો કર્યો. સૂતેલા મુઘલ સૈનિકોને કંઈ સમજાય તે પહેલાં જ મરાઠાઓની તલવારો વીંઝાવા લાગી.

જ્યારે કિલ્લાના રક્ષક ઉદયભાનને ખબર પડી ત્યારે તેણે પોતાની આખી સેના ઉતારી દીધી. તાન્હાજીએ એકલે હાથે સેંકડો સૈનિકોનો સામનો કર્યો. લડતા-લડતા ઉદયભાનના એક પ્રચંડ પ્રહારથી તાન્હાજીની ઢાલ તૂટીને બે ટુકડા થઈ ગઈ. યુદ્ધના મેદાનમાં ઢાલ વિના રહેવું એટલે મૃત્યુને આમંત્રણ આપવું. તાન્હાજી હાર માને તેવા નહોતા. તેમણે તુરંત જ પોતાની કમર પર બાંધેલો ‘સેલો’ (ખેસ) કાઢ્યો અને પોતાના ડાબા હાથ પર મજબૂતીથી વીંટાળી દીધો. તેમણે પોતાના હાથને જ ઢાલ બનાવી દીધી અને ઉદયભાનના ઘા પોતાના હાથ પર ઝીલવાનું શરૂ કર્યું.

તાન્હાજીના શરીરે અનેક ઘા સહ્યા હતા પણ તેમનું લક્ષ્ય માત્ર વિજય હતું. અંતે એકબીજા પર કરેલા આખરી અને જીવલેણ પ્રહારમાં બંને જમીન પર ઢળી પડ્યા. તાન્હાજી માલુસરે સ્વરાજ્ય માટે પોતાનું બલિદાન આપીને વીરગતિ પામ્યા. ‘મરવું કાં મારવું’ના સંકલ્પ સાથે મરાઠાઓ મુઘલ સેના પર કાળ બનીને તૂટી પડ્યા. ઉદયભાનના મૃત્યુ અને મરાઠાઓના આક્રમણથી મુઘલ સેના વેરવિખેર થઈ ગઈ. કિલ્લો કબજે કરવામાં આવ્યો. વિજયના સંકેત તરીકે કિલ્લા પર ઘાસ સળગાવવામાં આવ્યું, જેની જ્વાળાઓ દૂર રાજગઢ પરથી શિવાજી મહારાજે જોઈ અને તેમને ખબર પડી કે કોંઢાણા પર ભગવો લહેરાયો છે.

‘ગઢ આલા પણ સિંહ ગેલા’

ફેબ્રુઆરી 1670માં જ્યારે સિંહગઢ (કોંઢાણા) પર વિજય મેળવ્યાના સમાચાર મળ્યા ત્યારે શિવાજી મહારાજ અત્યંત આનંદિત હતા. પરંતુ જ્યારે તેમને જાણવા મળ્યું કે આ જીત માટે તેમના બાળપણના મિત્ર અને સૌથી ભરોસાપાત્ર સેનાપતિ તાન્હાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી છે ત્યારે તેમનો આનંદ ક્ષણભરમાં શોકમાં ફેરવાઈ ગયો. ત્યારે છત્રપતિ શિવાજી મહારાજના મુખમાંથી જે શબ્દો સારી પડ્યા તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાઈ ગયા. તેમણે કહ્યું ‘ગઢ આલા પણ સિંહ ગેલા’. એટલે કે કિલ્લો તો આવ્યો, પણ સિંહ ચાલ્યો ગયો.

આ ઘટના પહેલાં આ કિલ્લાનું નામ ‘કોંઢાણા’ હતું. પરંતુ તાન્હાજી માલુસરેના શૌર્ય અને તેમના બલિદાનને અમર બનાવવા માટે શિવાજી મહારાજે આ કિલ્લાનું નામ બદલીને ‘સિંહગઢ’ રાખ્યું. આજે 356 વર્ષ પછી પણ આ નામ તાન્હાજીના પરાક્રમની સાક્ષી પૂરે છે. શિવાજી મહારાજ અને તાન્હાજી માત્ર રાજા અને સેનાપતિ નહોતા પણ છાતીએ બાંધેલી ઢાલ સમાન હતા.

સ્વરાજ્યની સ્થાપનાના શરૂઆતના દિવસોમાં જ્યારે કોઈ મહારાજની સાથે નહોતું ત્યારે તાન્હાજી તેમની પડખે ઉભા રહ્યા હતા. એટલે જ શિવાજીએ કહ્યું હશે કે ગઢ આલા પણ સિંહ ગેલા. આ ઉક્તિ મહારાષ્ટ્રના લોકગીતોમાં (પોવાડા) વણાઈ ગઈ છે. શાહીર લોકગાયકો જ્યારે આ યુદ્ધનું વર્ણન કરે છે ત્યારે ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ પંક્તિ સાંભળીને આજે પણ લોકોના રૂંવાડા ઉભા થઈ જાય છે અને આંખો ગર્વના અશ્રુઓથી છલકાઈ જાય છે. તાન્હાજી ભારતીય ઇતિહાસમાં ‘કર્તવ્ય’ અને ‘બલિદાન’ વચ્ચેના સંતુલનનું સૌથી મોટું ઉદાહરણ છે.

આજે 356મી પુણ્યતિથિએ આ શબ્દો આપણને યાદ અપાવે છે કે આઝાદી અને સ્વરાજ્ય મફતમાં નથી મળ્યાં તેની પાછળ તાન્હાજી જેવા હજારો ‘સિંહો’ના રક્ત રેડાયાં છે. સિંહગઢના કિલ્લા પર આજે પણ તાન્હાજીની સમાધિ આવેલી છે જ્યાં પ્રત્યેક પથ્થર જાણે મહારાજના એ જ શબ્દો ગુંજાવતો હોય તેવું લાગે છે. ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ એ માત્ર પંક્તિ નથી, તે મરાઠા સામ્રાજ્યની આત્મા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં