ગુજરાતની ધરતી હંમેશા ઉદ્યોગ સાહસિકતા અને વ્યાપારિક સૂઝબૂઝ માટે જાણીતી રહી છે. વર્ષ 2003માં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાઇબ્રન્ટ ગુજરાત’નું બીજ રોપ્યું હતું ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ પહેલ એક દિવસે પ્રાદેશિક સ્તરે પહોંચીને અબજો રૂપિયાનાં રોકાણો આકર્ષશે. જાન્યુઆરી 2026માં રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ‘થી (VGRC) એ સાબિત થયું છે કે ગુજરાતનું ગ્રોથ એન્જિન હવે માત્ર મેટ્રો શહેરો પૂરતું સીમિત નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી પણ વિસ્તરી ચૂક્યું છે.
નોંધનીય છે કે ગુજરાત વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિ 2024માં યોજાઈ હતી, જેમાં 41,299 પ્રોજેક્ટ્સ માટે ₹26.33 લાખ કરોડના MoUs થયા હતા. પ્રી-સમિટ અને સમિટ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે ₹45.2 લાખ કરોડથી વધુનાં રોકાણો આવ્યાં હતાં અને 81 લાખ રોજગારની સંભાવના ઊભી થઈ હતી. ત્યારબાદ 2026માં 11મી આવૃત્તિ યોજાવાની હતી. પરંતુ સરકારે પ્રાદેશિક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સમિટનો પ્રાદેશિક સ્તરે વિસ્તાર કર્યો જે અંતર્ગત ઑક્ટોબર 2025માં ઉત્તર ગુજરાત મહેસાણા ખાતે અને 11-12 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનું VGRC યોજાઈ ચૂક્યું છે. રાજ્ય સ્તરની સમિટ હવે 2027માં યોજાશે.
ઑક્ટોબરમાં થયેલી પ્રથમ VGRCમાં 1,212 MoUss સાઇન થયા હતા અને ₹3.24 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું. હવે તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલી VGRCમાં બ્લુ ઇકોનોમી, ગ્રીન સ્ટાર્ટઅપ, શિપબિલ્ડિંગ, સિરામિક્સ અને ટુરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સનું હબ રાજકોટ આ સમિટથી આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયું છે. નોંધનીય છે કે આ કોન્ફરન્સ રાજકોટ-મોરબી હાઇવે પર સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. જ્યાં 55 એકરમાં 6 એક્ઝિબિશન ડોમ્સ અને મુખ્ય ઇનોવેશન હૉલ તૈયાર કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જાન્યુઆરીએ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.
VGRCના સમાપન બાદ સામે આવેલ આંકડા
કચ્છ-સૌરાષ્ટ્રના 12 જિલ્લાને આવરી લેતી આ પ્રથમ કોન્ફરન્સ હતી, જેમાં 24 દેશોના પ્રતિનિધિઓ, 4,000થી વધુ ઉદ્યોગ સાહસિકો, 450થી વધુ એક્ઝિબિટર્સ અને 29,000 રજિસ્ટ્રેશન આવ્યાં હતાં. આ સિવાય 2,200થી વધુ B2B/B2G મીટિંગ્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ બાદ ₹5.78 લાખ કરોડના 5,492 MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતી પોસ્ટ શેર કરી છે. જે અનુસાર
- ઓટો, એન્જિનિયરિંગ અને સંલગ્ન ક્ષેત્રોમાં 381 કરોડના 5 MoUs
- સિરામિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ₹1,460 કરોડના 5 MoUs
- એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ₹1,650 કરોડના 3 MoUs
- કૌશલ્ય વિકાસ અને MSME કેપેસિટી બિલ્ડીંગમાં ₹0.22 કરોડના 4 MoUs
- બ્લુ બાયોઇકોનોમી (બાયોફ્યુઅલ, ફંક્શનલ ફૂડ અને ન્યુટ્રાસ્યુટિકલ્સ) ક્ષેત્રમાં ₹261 કરોડના 13 MoUs
- ગ્રીન AI ડેટા સેન્ટર્સ અને ડીપ ટેક ક્ષેત્રમાં ₹9 કરોડના 2 MoUs સાઇન કરવામાં આવ્યા છે.
સમાપન સમારોહમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આપેલી જાણકારી અનુસાર વર્ષ 2003માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન માત્ર ₹66,000 કરોડના 80 MoUs થયા હતા, તેની સામે આજે રાજકોટના આંગણે યોજાયેલી આ રિજનલ કોન્ફરન્સમાં જ ₹5.78 લાખ કરોડના 5492 MoUs સંપન્ન થયા છે. આ આંકડાઓ અને અનેક દેશોની સહભાગિતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.” આગળ તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા આયામો વડા પ્રધાનના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને એકમોને મળશે.
સરકારનું સૌરાષ્ટ્ર-કચ્છ પર ધ્યાન કેન્દ્રિત કરવા પાછળનું વ્યૂહાત્મક કારણ
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર હેતુપૂર્વક સૌરાષ્ટ્ર અને કચ્છને પ્રમોટ કરી રહી છે કારણ કે આ વિસ્તારોમાં અપાર ક્ષમતા છે. ગુજરાતનો 1,600 કિમી લાંબો દરિયાકિનારો છે, જેનો 70% થી વધુ હિસ્સો સૌરાષ્ટ્ર અને કચ્છ પાસે છે. આ દરિયાકિનારો વિશ્વના બજારો (દુબઈ, યુરોપ, આફ્રિકા) માટે ભારતનું પ્રવેશદ્વાર છે. અમદાવાદ કે સુરતની સરખામણીએ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છમાં વિશાળ જમીનો ઉપલબ્ધ છે, જે મેગા પ્રોજેક્ટ્સ (જેમ કે સોલર પાર્ક કે સ્ટીલ પ્લાન્ટ્સ) માટે અનિવાર્ય છે.
કોન્ફરન્સમાં સંબોધન કરતાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે કચ્છ-સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં સાહસ છે. સરકાર હવે આ સાહસને ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ અને ‘નીતિગત પ્રોત્સાહન’ આપીને વૈશ્વિક સ્તરે લઈ જઈ રહી છે. મોરબી ભારતના સિરામિક ઉત્પાદનમાં 90% અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે. VGRCમાં આ ક્ષેત્રને સ્પેશિયલ ઝોન તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું અને સેમિનારમાં ₹1,460 કરોડના MoU પર હસ્તાક્ષર થયા છે. અહીં થયેલા MoUs માત્ર નવી ફેક્ટરીઓ માટે નથી, પણ ‘ટેકનોલોજી અપગ્રેડેશન’ માટે છે.
આ MoUsના કારણે એડવાન્સ્ડ ટેક્નોલોજી, ઓટોમેશન, એનર્જી એફિશિયન્સી અને વેસ્ટ રિસાયક્લિંગથી ઉત્પાદન ખર્ચ ઘટશે, ગ્લોબલ કોમ્પિટિટિવનેસ વધશે અને નિકાસમાં વધારો થશે. આ ક્ષેત્રમાં 10,000-12,000 લોકોને (60% મહિલાઓ) રોજગારી મળે છે, જે વધુ મજબૂત થશે. નવા સિરામિક પાર્કથી વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સ અને આધુનિક ઉત્પાદન વધશે.
એન્જિનિયરિંગ ઉદ્યોગથી લઈને ગ્રીન એનર્જી સુધી
ઉલ્લેખનીય છે કે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગને હવે ‘ન્યૂ એજ ટેકનોલોજી’ સાથે જોડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી રાજકોટ પંપ અને ઓટો પાર્ટ્સ માટે જાણીતું હતું. હવે સેમી-કન્ડક્ટર હબ બનવાથી અહીંના નાના એકમો હાઇ-ટેક ચિપ મેન્યુફેક્ચરિંગની સપ્લાય ચેઈનનો હિસ્સો બનશે. આનાથી એન્જિનિયરિંગના સ્નાતકોને વિદેશ જવાને બદલે રાજકોટમાં જ લાખોના પેકેજ મળશે.
આ સિવાય ગુજરાત આગામી 2030 સુધીમાં 100 GW રિન્યુએબલ ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે, ત્યારે આ ક્ષેત્રમાં થયેલ MoUsથી ઘણો લાભ થશે. ગ્રીન હાઇડ્રોજન, સોલાર, વિન્ડ અને ઓશન એનર્જીથી ઊર્જા સુરક્ષા વધશે, કાર્બન એમિશન ઘટશે અને હજારો સ્કિલ્ડ જોબ્સ (ખાસ કરીને ગામડાઓમાં) ઉભી થશે. ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સ્થિરતા અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં થયેલા રોકાણથી કચ્છ ભવિષ્યમાં ‘એનર્જી કેપિટલ’ બનશે.
દ્વારકા, સોમનાથ અને પોરબંદરના દરિયાકિનારાને ‘ક્રુઝ ટૂરિઝમ’ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. જેના કારણે પ્રવાસન વધવાથી સ્થાનિક હસ્તકલા, પરિવહન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે નોંધપાત્ર વધારો આવશે. આ સિવાય કચ્છ-સૌરાષ્ટ્રનાં બંદરો ભારતના મુખ્ય ગેટવે છે. તેથી નિકાસ વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે અને ગ્લોબલ ટ્રેડમાં ભાગીદારી વધશે. જેનાથી બ્લુ ઇકોનોમી અને ગ્રીન શિપિંગને પ્રોત્સાહન મળશે. માછીમારી ઉદ્યોગમાં પણ આધુનિક કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ યુનિટ્સ સ્થપાતા માછીમારોની આવક વધશે.
₹5.78 લાખ કરોડના રોકાણથી અંદાજે 12થી 15 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે. આનાથી રોજગારી માટે થતું સ્થળાંતર અટકશે. ઉદ્યોગો આવશે એટલે નવા હાઈવે, રેલ્વે કનેક્ટિવિટી અને સ્માર્ટ સિટીઝનો વિકાસ થશે. રાજકોટનું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આ વિકાસમાં ગતિ આપશે. નોંધનીય છે કે જ્યારે કોઈ મોટો પ્લાન્ટ આવે છે, ત્યારે તેની આસપાસ નાના એકમો (MSME) પણ સ્થપાય છે. રાજકોટ અને જામનગરના નાના ઉદ્યોગકારોને આનાથી વિશાળ બજાર મળશે.
સરકાર ઉદ્યોગોની જરૂરિયાત મુજબ નવી સ્કીલ યુનિવર્સિટીઓ અને સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપી રહી છે. આનાથી યુવાનો ઉદ્યોગો માટે તૈયાર થશે. એટલે હવે ગુજરાત માત્ર વાઇબ્રન્ટ નથી, પણ ‘રિજનલી વાઇબ્રન્ટ’ છે.


