સોમનાથ માત્ર એક મંદિર નથી, તે ભારતની એ ઐતિહાસિક સ્મૃતિનું પ્રતીક છે જ્યાં મજહબી કટ્ટરતાના હુમલાઓ સામે પણ આસ્થા, શૌર્ય અને સાંસ્કૃતિક સ્વાભિમાન વારંવાર બેઠાં થતાં રહ્યાં છે. સદીઓના અંતરાલમાં જ્યારે-જ્યારે સોમનાથ પર પ્રહાર થયો, ત્યારે-ત્યારે હિંદુ શાસકો અને યોદ્ધાઓએ ક્યારેક તલવાર ઉઠાવીને માર્ગ અટકાવ્યો તો ક્યારેક ઈંટ-પથ્થર જોડીને મંદિરને ફરીથી ઊભું કર્યું.
આરબથી તુર્ક આક્રમણો સુધી, મજહબી ઉન્માદે વારંવાર સોમનાથને નિશાન બનાવ્યું. ક્યારેક સમુદ્રી માર્ગેથી તો ક્યારેક ઉત્તર-પશ્ચિમી થળમાર્ગોથી. પરંતુ દરેક વિનાશ પછી ઇતિહાસે એ પણ જોયું છે કે હિંદુ શાસકો માત્ર ઊભા ન રહ્યા, પરંતુ મંદિર અને સંસ્કૃતિ બંનેને ફરીથી સ્થાપિત કર્યાં. આ લેખ તે જ અવિરત પ્રતિરોધની પરંપરાને નોંધે છે.
આ લેખ સોમનાથની રક્ષા કરનારા, સંઘર્ષ અને યુદ્ધ કરનારા અને મંદિરને જીવંત રાખનારા મહાન શાસકો-યોદ્ધાઓની સ્મૃતિને સમર્પિત છે. તે સિવાય આ લેખ આધુનિક ભારત સુધીની તે યાત્રાને પણ રેખાંકિત કરે છે, જ્યાં પુનર્નિર્માણ રાષ્ટ્રીય સ્વાભિમાનનો ઘોષ બની ગયો છે.
ઇસ્લામી હુમલાઓની પૃષ્ઠભૂમિ અને પ્રતિરોધ
11મીથી 14મી સદીની વચ્ચે પશ્ચિમ ભારતમાં સોમનાથ પર અનેક વખત હુમલા થયા. આ હુમલાનો એકમાત્ર હેતુ મંદિરને તોડી ધન લૂંટવાનો નહોતો, પરંતુ એક સંસ્કૃતિના કેન્દ્રને અપમાનિત કરવાનો હતો. તેમ છતાં સોમનાથની પરંપરા ક્યારેય તૂટી નહીં. રાજસત્તા બદલાઈ, પરંતુ પ્રતિરોધની ચેતના કાયમ રહી, ક્યારેક યુદ્ધભૂમિમાં તો ક્યારેક પુનઃસ્થાપનામાં.
મૂળરાજ સોલંકી: સૌરાષ્ટ્રની રક્ષાનો રાજકીય પાયો
10મી સદીમાં મૂળરાજ સોલંકીએ (પ્રથમ) સોલંકી (ચાલુક્ય) વંશની સ્થાપના કરી અને અણહિલવાડ પાટણને રાજધાની બનાવી. આ તે સમય હતો જ્યારે આરબ સમુદ્રી હુમલા પશ્ચિમી તટો પર ચાલુ હતા અને ઉત્તર-પશ્ચિમથી ઇસ્લામી શક્તિઓ ધીમે-ધીમે આગળ વધી રહી હતી. મૂળરાજે સોમનાથને લઈને સીધું યુદ્ધ લડ્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો, પરંતુ ઐતિહાસિક તથ્ય એ છે કે તેમણે ગુજરાત–સૌરાષ્ટ્રમાં સંગઠિત હિંદુ સત્તા સ્થાપિત કરી. આ જ સત્તા પછીથી સોમનાથની રક્ષાની ઢાલ બની. મૂળરાજનું યોગદાન તલવાર કરતાં વધુ રાજકીય સ્થિરતાનું હતું અને સ્થિર રાજ્ય વિના કોઈ મંદિરની રક્ષા શક્ય નથી.
ભીમદેવ પ્રથમ: ગઝનવીના હુમલા બાદ
1026 ઈ.સમાં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર આક્રમણ કરવામાં આવ્યું હતું, આ હુમલો માત્ર લૂંટ માટે નહીં, પરંતુ ધાર્મિક પ્રતીકને તોડવાના પ્રયાસ તરીકે થયો હતો. આ આક્રમણ પછી ગુજરાતમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ બન્યું હતું. આવા સમયમાં ભીમદેવ પ્રથમે સત્તા સંભાળી. તેમણે સૌરાષ્ટ્રમાં વહીવટી નિયંત્રણ ફરીથી સ્થાપિત કર્યું અને હિંદુ અધિકારની પુનઃસ્થાપના કરી. ભીમદેવનું ઐતિહાસિક મહત્વ એટલા માટે છે કારણ કે તેમણે એક સંદેશ આપ્યો હતો કે —આક્રમણથી રાજ્ય સમાપ્ત થતું નથી. તેમના શાસનકાળમાં સોમનાથ વિસ્તાર ફરીથી હિંદુ નિયંત્રણમાં આવ્યો અને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ પણ થયું.
1026 ઈ.ના વિનાશ પછી ભીમદેવ પ્રથમ દ્વારા કરાવવામાં આવેલું પુનર્નિર્માણ સોમનાથના ઇતિહાસમાં પહેલું મોટું રાજકીય પુનઃસ્થાપન માનવામાં આવે છે. આ કાર્ય દર્શાવે છે કે રાજકીય આઘાત હોવા છતાં સાંસ્કૃતિક સંકલ્પ કેવી રીતે પુનર્જીવિત થાય છે.
સિદ્ધરાજ જયસિંહ: સૈન્ય શક્તિથી સાંસ્કૃતિક સુરક્ષા
સોલંકી વંશના સૌથી શક્તિશાળી શાસકોમાં જયસિંહ સિદ્ધરાજનું નામ આવે છે. તેમનો શાસનકાળ તે સમય હતો જ્યારે ઉત્તર ભારતમાં તૂર્કી શક્તિઓ વધી રહી હતી. જયસિંહ સિદ્ધરાજે માત્ર સરહદોની રક્ષા જ નહીં કરી, પરંતુ સૌરાષ્ટ્ર અને સોમનાથ વિસ્તારમાં રાજકીય સંરક્ષણની મજબૂત વ્યવસ્થા ઊભી કરી. તેમના સમયમાં મંદિર માત્ર પૂજાસ્થળ નહીં, પરંતુ રાજ્યની પ્રતિષ્ઠા હતાં. સોમનાથ જેવા તીર્થ પર હુમલો રાજ્ય પર હુમલો ગણાતો અને આ જ માનસિકતાએ આગળ જતાં ગુજરાતને લાંબા સમય સુધી સુરક્ષિત રાખ્યું હતું.
સોલંકી વંશના મહાન શાસક જયસિંહ સિદ્ધરાજે ગુજરાત અને સૌરાષ્ટ્રને સૈન્ય દૃષ્ટિએ સશક્ત બનાવ્યા હતા. તેમના શાસનકાળમાં મંદિરો અને તીર્થસ્થાનોને રાજ્યનું સંરક્ષણ મળ્યું હતું. સોમનાથ જેવા સ્થળો તેમના સમયમાં રાજકીય સુરક્ષા અને સાંસ્કૃતિક સન્માનના પ્રતીક બની રહ્યાં હતાં. તેમણે સોમનાથમાં વારંવાર નિર્માણ કાર્ય પણ કરાવ્યાં હતાં.
રાણી નાયકી દેવી: કયાદરામાં રોકાઈ આક્રાંતાની સેના
12મી સદીમાં ગુજરાતની ધરતી પર એક નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે રાણી નાયકી દેવીએ 1178 ઈ.માં કયાદરાના યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો. આ માત્ર એક સૈન્ય વિજય નહોતો, આ જીતે પશ્ચિમ ભારત અને પ્રભાસ-સોમનાથ વિસ્તારને મોટા વિનાશથી બચાવ્યો હતો. સમકાલીન અને પછીના ઇતિહાસકારો આ વિજયને સોમનાથની નિર્ણાયક રક્ષા માને છે.
આ માત્ર એક યુદ્ધ નહોતું, પરંતુ સોમનાથ અને ગુજરાતની અસ્મિતાની રક્ષા હતી. એક મહિલા શાસકનું આ રીતે કટ્ટર આક્રમણ સામે ઊભું રહેવું ભારતીય ઇતિહાસનો ગૌરવશાળી અધ્યાય છે. રાણી નાયકી દેવીની આ વીરતા એ વાતનો પુરાવો છે કે આસ્થા અને સ્વાભિમાનની લડાઈમાં લિંગ કે પદની કોઈ મર્યાદા નથી, જ્યારે ધર્મ અને સંસ્કૃતિ પર આક્રમણ થાય ત્યારે દરેક વ્યક્તિ યોદ્ધા બની શકે છે. આ ઘટના આજે પણ ગુજરાત અને ભારતની ઐતિહાસિક ગૌરવગાથાના અભિન્ન અંગ તરીકે જીવંત છે.
રાજા કન્હડ દેવ
મોટા સામ્રાજ્યો વચ્ચે સોમનાથની રક્ષામાં સ્થાનિક શાસકોની ભૂમિકા પણ નિર્ણાયક રહી છે. લોકઇતિહાસ અનુસાર રાજા કન્હડ દેવે સૌરાષ્ટ્રમાં સ્થાનિક સૈન્ય શક્તિને સંગઠિત કરી હતી. સમુદ્રી તટ અને આંતરિક માર્ગોમાંથી આવતા હુમલાઓ વિરુદ્ધ આ સ્થાનિક સેનાઓ પ્રથમ ઢાલ હતી. ઇતિહાસના પુસ્તકોમાં તેનું વર્ણન ઓછું છે, પરંતુ સોમનાથ જેવા સ્થળો આ સ્થાનિક સૈન્ય વિના ક્યારેય ટકી શક્યા ન હોત.
આ જ કાળખંડમાં રાજસ્થાન-ગુજરાતના સીમાવર્તી વિસ્તારમાં તેમનો સંઘર્ષ ઉલ્લેખનીય છે. તૂર્કીઓનાં આક્રમણો અને ઘોરી સમર્થક ઇસ્લામી આક્રાંતાઓ વિરુદ્ધ તેમના અભિયાનોએ સોમનાથ તરફ જતા માર્ગો અને મંદિર-વિસ્તારોની સુરક્ષામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
રાજા કન્હડ દેવની આ સ્થાનિક શૌર્ય અને સંગઠિત પ્રતિરોધની ભૂમિકા દર્શાવે છે કે મોટા સામ્રાજ્યોની વચ્ચે પણ સ્થાનિક શાસકોની તલવાર અને આસ્થા જ મંદિર અને સંસ્કૃતિને જીવંત રાખી શકે છે. તેમના પ્રયાસોએ સોમનાથની અવિરત પરંપરાને મજબૂતી આપી અને આગળના પુનર્નિર્માણ માટે મજબૂત પાયો ઊભો કર્યો.
રાજા ભોજ પરમાર
માળવાના પરમાર શાસક રાજા ભોજનું યોગદાન યુદ્ધભૂમિ કરતાં વધુ સભ્યતાગત પુનરુત્થાનમાં હતું. ગઝનવીનાં આક્રમણો પછી જ્યારે હિંદુ સમાજ માનસિક આઘાતમાં હતો, ત્યારે ભોજે શૈવ-પરંપરા, મંદિર સંસ્કૃતિ અને શાસ્ત્રીય જ્ઞાનને રાજકીય સંરક્ષણ આપ્યું હતું. આ સંરક્ષણ માત્ર ધાર્મિક નહીં, પરંતુ રાજકીય સંદેશ હતો કે સનાતન સભ્યતા ક્યારેય તૂટતી નથી. સોમનાથ જેવા સ્થળોનો પુનરુદ્ધાર આ જ માનસિક શક્તિથી શક્ય બન્યો હતો.
પરંપરાગત અને સાહિત્યિક સ્ત્રોતોમાં રાજા ભોજ પરમાર-મહારાજા વિક્રમાદિત્યના નામ સોમનાથના જીર્ણોદ્ધાર સાથે જોડાયેલા છે. શૈવ પરંપરા અને લોકસ્મૃતિમાં તેમનું સ્થાન પ્રતિષ્ઠિત છે. મંદિરની રક્ષા અને પુનઃસ્થાપના માત્ર સૈન્ય પ્રયાસો જ નહીં, પરંતુ રાજકીય દૃષ્ટિ, સાંસ્કૃતિક સંરક્ષણ અને શાસ્ત્રીય જ્ઞાનના પ્રસારથી પણ થતી હતી. આ મહાન શાસકનું યોગદાન લોકકથાઓ અને શૈવ પરંપરામાં આજે પણ જીવંત છે, જે સોમનાથની અવિરત પરંપરાને વધુ મજબૂત બનાવે છે.
રાજા મહિપાલ દેવ
પરમાર વંશના રાજા મહિપાલ દેવ તે શાસકોમાં આવે છે જેમનું કાર્ય યુદ્ધ કરતાં વધુ સંરક્ષણ અને પ્રશાસનિક હતું. પશ્ચિમ ભારતના ધાર્મિક કેન્દ્રોની સુરક્ષા, તીર્થસ્થાનો માટે સંસાધનો અને સ્થિરતા, આ તમામ કાર્યો આક્રમણોની વચ્ચે સભ્યતાને જીવંત રાખે છે. મહિપાલ દેવ આ જ નિરંતરતાનું પ્રતિનિધિત્વ કરે છે.
14-15મી સદીમાં પ્રભાસ ક્ષેત્રનાં સંરક્ષણ માટે રાજા મહિપાલ પ્રતિબદ્ધ રહ્યા હતા. તેમણે ગુજરાતના ઇસ્લામી સુબા ઝાફર ખાનની સેનાને વારંવાર ધૂળ ચટાડીને સોમનાથની રક્ષા કરી હોવાનું કહેવાય છે. સોમનાથ વિસ્તારમાં તેમણે સૈન્ય અભિયાનો ચલાવ્યાં હતાં. લોકપરંપરા અનુસાર, રાજા મહિપાલે સોમનાથ અને આસપાસના વિસ્તારોના સ્થાનિકોને યુદ્ધકળા શીખવી હતી, જેથી સોમનાથ મંદિરની રક્ષા કોઈપણ ભોગે કરી શકાય.
કુમારપાળ
કુમારપાળ જૈન પરંપરાના અનુયાયી હતા, છતાં તેમણે સોમનાથ સહિત હિંદુ તીર્થોની રક્ષા માટે વહીવટી સહયોગ કર્યો હતો. આ તે વાતનો પુરાવો છે કે સોમનાથની રક્ષા સાંપ્રદાયિક નહીં, પરંતુ સભ્યતાગત પ્રશ્ન હતો. આક્રમણકારી મજહબી હતા, પરંતુ પ્રતિરોધ ભારતીય સભ્યતાનો હતો. 12મી સદીમાં કુમારપાળે મંદિરનું સંરક્ષણ અને ધાર્મિક વ્યવસ્થાઓ સ્વીકારી હતી. તેમના શાસનમાં સોમનાથની તીર્થ-પરંપરાએ ફરીથી સ્થિરતા પ્રાપ્ત કરી. કુમારપાળે સોમનાથને સંરક્ષણ આપ્યું હતું અને નિર્માણકાર્યમાં પણ મદદ કરી હતી.
મરાઠા સામ્રાજ્ય
18મી સદીમાં મરાઠા સામ્રાજ્યે સૌરાષ્ટ્રમાંથી ઇસ્લામી સત્તાને હટાવી. આ સીધું મંદિર માટેનું યુદ્ધ નહોતું, પરંતુ રાજકીય મુક્તિ હતી, જેના વગર કોઈ પુનર્નિર્માણ શક્ય નહોતું. મરાઠાઓએ એવું વાતાવરણ ઊભું કર્યું કે જેથી સોમનાથ ફરીથી બેઠું થઈ શકે. ગુજરાતમાં મરાઠા પ્રભાવ સ્થાપિત થવા પર મરાઠા સામ્રાજ્યની ભૂમિકા પણ મહત્વની રહી. મરાઠા અભિયાનોએ સૌરાષ્ટ્ર-ગુજરાતને અસ્થિરતામાંથી બહાર કાઢવામાં અને ધાર્મિક સ્થળોની રક્ષામાં સહયોગ આપ્યો હતો.
રાણી અહિલ્યાબાઈ હોલ્કર
1783માં રાણી અહિલ્યાબાઈ હોલ્કરે સોમનાથનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. આ કાર્ય માત્ર સ્થાપત્ય નહોતું, પરંતુ સદીઓના અપમાનનો જવાબ હતો. તેમણે બતાવ્યું કે મંદિર તોડી શકાય છે, આસ્થા નહીં. રાજકીય પરિસ્થિતિઓને કારણે મૂળ સ્થળથી થોડે દૂર રાણી અહિલ્યાબાઈએ નવું મંદિર બનાવડાવ્યું, શિવલિંગની પ્રતિષ્ઠા કરાવી અને પૂજા-પરંપરાને જીવંત રાખી. આધુનિક પુનર્નિર્માણ પહેલાં આસ્થાની જ્યોતને પ્રજ્વલિત રાખવાનો આ સૌથી મહત્વનો અધ્યાય હતો. એવું કહેવાય છે કે રાણી અહિલ્યાબાઈને ભગવાન સોમનાથે સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને પ્રભાસ ક્ષેત્રમાં મંદિરનું પુનઃનિર્માણ કરાવવા માટેની પ્રેરણા આપી હતી.
આધુનિક ભારતમાં રાષ્ટ્રીય પુનર્જાગરણ: સરદાર પટેલથી પીએમ મોદી સુધી
સ્વતંત્રતા પછી સોમનાથનું પુનર્નિર્માણ માત્ર ધાર્મિક નહીં, રાષ્ટ્રીય સ્વાભિમાનનો પ્રશ્ન બની ગયું હતું. નેહરુને સમસ્યા હોવા છતાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને પહેલથી ભવ્ય સોમનાથ મંદિરનું નિર્માણ થયું. સ્વતંત્ર ભારતના કોઈ નેતાનો આ પહેલો એવો નિર્ણય હતો, જે દર્શાવતો હતો કે સ્વતંત્ર ભારત પોતાની સાંસ્કૃતિક સ્મૃતિઓને સંકોચથી નહીં, સંકલ્પ સાથે જુએ છે.
આ પ્રયાસને વૈચારિક અને વહીવટી નેતૃત્વ કે.એમ. મુનશીએ આપ્યું અને 1951માં મંદિરનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કર્યું. આજના ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ માત્ર અતીતની સ્મૃતિ નથી, જીવંત સાંસ્કૃતિક વિરાસત તરીકે રજૂ થાય છે. મંદિરના ઇતિહાસ, સંરક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવ પર સ્વાભિમાન એ સંકેત આપે છે કે સોમનાથની કથા આજે પણ રાષ્ટ્રની ચેતનામાં ધડકી રહી છે.
સોમનાથનો આ ઇતિહાસ દર્શાવે છે કે મજહબી કટ્ટરતા વારંવાર આવી, પરંતુ હિંદુ શાસકો અને યોદ્ધાઓ દર વખતે ઊભા રહ્યા, ક્યારેક યુદ્ધમાં તો ક્યારેક પુનર્નિર્માણમાં. આ જ કારણ છે કે સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે, માત્ર એક મંદિર તરીકે જ નહીં, પરંતુ સભ્યતાની જીજીવિષાના પ્રતીક તરીકે. આ લેખ તેમના સ્મરણનો પ્રયાસ છે જેમણે તલવાર, સંકલ્પ અને શ્રમથી આ પરંપરાને જીવંત રાખી છે.
સંદર્ભસૂચિ
- R.C. Majumdar – The History and Culture of the Indian People (Volume 5)
- Satish Chandra – Medieval India
- Jadunath Sarkar – History of the Marathas
- Gujarat State Gazetteers (Prabhas/Somnath)
- K.M. Munshi – Pilgrimage to Freedom


