ISROએ 24 ડિસેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. LVM3-M6 મિશન હેઠળ અમેરિકન કંપની AST સ્પેસમોબાઈલના બ્લુબર્ડ બ્લોક-2 કમ્યુનિકેશન સેટેલાઇટને સફળતાપૂર્વક લોઅર અર્થ ઓર્બિટમાં (LEO) સ્થાપિત કરવામાં આવ્યો છે. આ મિશનને ‘બાહુબલી’ તરીકે ઓળખાતા LVM3 રોકેટ દ્વારા અંદાજે 8:55 am ISTએ શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના સેકન્ડ લૉન્ચ પેડથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ ભારત માટે ઐતિહાસિક છે, કારણ કે આ ભારતીય રોકેટ દ્વારા ભારતીય ધરતી પરથી પ્રક્ષેપિત કરાયેલ સૌથી વજનદાર સેટેલાઇટ છે.
આ મિશનની સફળતા બાદ PM નરેન્દ્ર મોદીએ X પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે ભારતના યુવાનો દ્વારા સંચાલિત, આપણો અવકાશ કાર્યક્રમ વધુ અદ્યતન અને અસરકારક બની રહ્યો છે. તેમણે આગળ લખ્યું કે LVM3 વિશ્વસનીય હેવી-લિફ્ટ પ્રદર્શન દર્શાવીને આપણે ગગનયાન જેવા ભવિષ્યના મિશન માટે પાયો મજબૂત કરી રહ્યા છીએ, વ્યાપારી પ્રક્ષેપણ સેવાઓનો વિસ્તાર કરી રહ્યા છીએ અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ.
Powered by India’s youth, our space programme is getting more advanced and impactful.
— Narendra Modi (@narendramodi) December 24, 2025
With LVM3 demonstrating reliable heavy-lift performance, we are strengthening the foundations for future missions such as Gaganyaan, expanding commercial launch services and deepening global… pic.twitter.com/f53SiUXyZr
વડા પ્રધાને ઉમેર્યું કે, આ વધેલી ક્ષમતા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આવનારી પેઢીઓ માટે એક મહાન સંપત્તિ રહેશે.
મિશનની મુખ્ય વિગતો
LVM3-M6 મિશન ISROના હેવી-લિફ્ટ લૉન્ચ વ્હીકલ LVM3નું છઠ્ઠું ઓપરેશનલ ફ્લાઇટ અને આ વ્હીકલનું નવમું સફળ મિશન છે. આ ત્રીજું સંપૂર્ણ કોમર્શિયલ મિશન અને અમેરિકન કંપની માટે કરવામાં આવેલ પ્રથમ ડેડિકેટેડ કમર્શિયલ પ્રક્ષેપણ હતું. આ મિશન ISROની કોમર્શિયલ શાખા ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) અને AST સ્પેસ મોબાઈલ વચ્ચેના કરાર હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેટેલાઇટ ગ્લોબલ LEO કોન્સ્ટેલેશનનો ભાગ છે, જે સ્ટાન્ડર્ડ સ્માર્ટફોન્સને ડાયરેક્ટ સ્પેસ-બેઝ્ડ સેલ્યુલર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડે છે. આ મિશનના કારણે 4G/5G વોઇસ કોલ્સ, વિડીયો કોલ્સ, ટેક્સ્ટ, સ્ટ્રીમિંગ અને ડેટા સેવાઓ સ્પેશિયલાઇઝ્ડ ગ્રાઉન્ડ સ્ટેશન અથવા વિશેષ સેટેલાઈટ ફોન વિના પણ સામાન્ય ફોનમાં ઉપલબ્ધ થશે. તેનું મુખ્ય લક્ષ્ય વિશ્વના અસંગઠિત વિસ્તારોમાં કનેક્ટિવિટી ગેપ દૂર કરવાનું છે, જે અંદાજે 6 અબજ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સને અસર કરે છે.
ઉલ્લેખનીય છે કે તેમાં 223 ચોરસ મીટરનું ફેઝ્ડ-એરે એન્ટેના લગાવવામાં આવ્યું છે જે તેને LEOમાં સૌથી મોટું કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઇટ બનાવે છે. AST સ્પેસ મોબાઇલે અગાઉ સપ્ટેમ્બર 2024માં પાંચ બ્લુબર્ડ બ્લોક-1 સેટેલાઇટ્સ લૉન્ચ કર્યા હતા, જે અમેરિકા અને અન્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂરી પાડે છે. કંપની 50થી વધુ મોબાઇલ ઓપરેટર્સ સાથે પાર્ટનરશિપ ધરાવે છે અને ભવિષ્યમાં 60થી વધુ બ્લોક-2 સેટેલાઇટ્સની યોજના છે.
LVM3 રોકેટની વિગતો
આ મિશનમાં વપરાયેલ LVM3 રોકેટને ‘બાહુબલી’ કહેવામાં આવે છે. આ રોકેટ ભારતનું સૌથી શક્તિશાળી લૉન્ચ વ્હીકલ છે. તેની ઊંચાઈ 43.5 મીટર અને લિફ્ટ-ઓફ વજન 640 ટન છે. તે ત્રણ સ્ટેજમાં કામ કરે છે. જેમાં બે S200 સોલિડ પ્રોપેલન્ટ બૂસ્ટર્સ, L110 લિક્વિડ કોર સ્ટેજ (હાઇપરગોલિક પ્રોપેલન્ટ્સ), C25 ક્રાયોજેનિક અપર સ્ટેજનો (લિક્વિડ ઓક્સિજન અને હાઇડ્રોજન) સમાવેશ થાય છે.
આ મિશનમાં LVM3એ આશરે 6,000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા બ્લુબર્ડ ઉપગ્રહને અવકાશમાં મોકલ્યો છે. આ મિશન પાર પાડવા LVM3ની S200 મોટરમાં નવું હાઇ-પાવર્ડ ઇલેક્ટ્રો-મિકેનિકલ એક્ચ્યુએટર ઉમેરવામાં આવ્યું, જેનાથી પેલોડ ક્ષમતા આશરે 150 કિલોગ્રામ વધી ગઈ. LVM3નો સફળતા દર 100% છે. આ ત્રીજી વખતે તેનો ઉપયોગ કોઈ સેટેલાઈટને LEOમાં સ્થાપિત કરવા માટે થયો છે. ભવિષ્યમાં તે ગગનયાન હ્યુમન સ્પેસફ્લાઇટ અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન માટે વપરાશે જેના માટે સંસ્થા અત્યારથી તૈયારીઓ કરી રહી છે.
ગગનયાન માટે થયો માર્ગ મોકળો
ગગનયાન મિશન એ ભારતનું પ્રથમ ‘હ્યુમન સ્પેસફ્લાઇટ’ મિશન છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. LVM3-M6 મિશનની સફળતાએ આ સપનાને વાસ્તવિકતાની ખૂબ નજીક લાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ રોકેટ જ્યારે માણસોને લઈ જવાનું હોય, ત્યારે તેને ‘હ્યુમન-રેટેડ’ (Human-Rated) હોવું અનિવાર્ય છે.
LVM3 રોકેટ અત્યાર સુધીના તેનાં તમામ મિશનો જેવાં કે ચંદ્રયાન-3, વનવેબ અને હવે બ્લુબર્ડમાં 100% સફળ રહ્યું છે. ગગનયાન માટે આ અતિમહત્વનું છે કારણ કે આનાથી જ રોકેટની સિસ્ટમ્સ પરનો ભરોસો વધે છે. ગગનયાનનું ‘ક્રૂ મોડ્યુલ’ અને ‘સર્વિસ મોડ્યુલ’ મળીને ઘણું વજનદાર હશે. બ્લુબર્ડ મિશનમાં 6,100 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક લઈ જઈને LVM3 એ સાબિત કર્યું કે તે ગગનયાનના ભારે વજનને પણ સરળતાથી પૃથ્વીની બહાર લઈ જઈ શકશે.
આગળ જોયું તેમ LVM3 રોકેટના ઉપરના તબક્કામાં CE-25 ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે. ગગનયાન માટે આ એન્જિનને વધુ સુરક્ષિત અને ચોકસાઈવાળું બનાવવું જરૂરી હતું. બ્લુબર્ડ મિશન દરમિયાન આ એન્જિને જે રીતે કામ કર્યું, તેનાથી ISROના વૈજ્ઞાનિકોને તેના પર્ફોર્મન્સ ડેટા વિશે ઘણી માહિતી મળી છે. જે આગળ એન્જિનને અપગ્રેડ કરવામાં ઘણી મહત્વપૂર્ણ સાબિત થશે.
આ સિવાય ગગનયાન મિશનમાં સૌથી પ્રાથમિકતા ‘સુરક્ષા’ છે. LVM3-M6 મિશનમાં વપરાયેલી ઓટોમેટિક મિશન સિક્વન્સ અને ડેટા મોનિટરિંગ સિસ્ટમ્સ જ ગગનયાનમાં વાપરવામાં આવશે. આ મિશનની સફળતાથી એ સાબિત થયું કે રોકેટની ઈન્ટેલિજન્સ સિસ્ટમ કોઈ પણ મુશ્કેલી વગર કામ કરી રહી છે. ISRO ચીફ વી નારાયણના જણાવ્યા મુજબ, આ મિશનની સફળતા પછી હવે ગગનયાનની આગામી તૈયારીઓ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે.
ISRO કરી રહ્યું છે એન્જિન ઓપ્ટિમાઇઝેશન પર કામ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ગગનયાન મિશન માટે આ રોકેટને માનવો માટે સુરક્ષિત બનાવવા માટે રિડન્ડન્સીઝ (બેકઅપ સિસ્ટમ્સ) ઉમેરવાનું કામ કરી રહી છે, તેમજ ભારતીય અંતરિક્ષ સ્ટેશનના મોડ્યુલ્સને લઈ જવા માટે તેની લિફ્ટ-ઓફ ક્ષમતા વધારી રહી છે. લિફ્ટ-ઓફ ક્ષમતા વધારવા માટે ISRO રોકેટના ત્રીજા અથવા ક્રાયોજેનિક અપર સ્ટેજમાં ઉત્પન્ન થતા થ્રસ્ટને વધારવા પર કામ કરી રહી છે.
આ સ્ટેજ સેટેલાઇટ્સને જીયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવા માટે જરૂરી વેગના આશરે 50% ભાગ માટે કામ કરે છે. વર્તમાનમાં વપરાતા C25 સ્ટેજમાં માત્ર 28,000 કિલોગ્રામ પ્રોપેલન્ટ ભરી શકાય છે, જેનાથી 20 ટનનો થ્રસ્ટ ઉત્પન્ન થાય છે. નવા C32 સ્ટેજમાં 32,000 કિલોગ્રામ ઇંધણ ભરવાની ક્ષમતા હશે અને તે 22 ટનનો થ્રસ્ટ ઉત્પન્ન કરશે. આ અપગ્રેડેડ CE-20 એન્જિન સાથે રીસ્ટાર્ટેબલ પણ હશે, જે પેલોડ ક્ષમતા વધારશે.
સંસ્થા રોકેટના બીજા સ્ટેજમાં વપરાતા લિક્વિડ પ્રોપેલન્ટને બદલે સેમી-ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરવા પર પણ વિચાર કરી રહી છે. ક્રાયોજેનિક એન્જિન અત્યંત નીચા તાપમાને લિક્વિફાઇડ ગેસનો ઉપયોગ કરે છે – આ કેસમાં લિક્વિડ ઓક્સિજન અને હાઇડ્રોજન હોય છે જ્યારે સેમી-ક્રાયોજેનિક એન્જિન એક લિક્વિફાઇડ ગેસ અને એક લિક્વિડ પ્રોપેલન્ટનો ઉપયોગ કરે છે.
ક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડવા માટેના પ્રયાસો શરૂ
ISRO રિફાઇન્ડ કેરોસીન (ISROSENE) અને લિક્વિડ ઓક્સિજન આધારિત બીજા સ્ટેજની યોજના બનાવી રહી છે, જે રોકેટની ક્ષમતા વધારશે અને ખર્ચ ઘટાડશે. આ બદલાવથી રોકેટ LEOમાં વર્તમાન 6,000 કિલોગ્રામની જગ્યાએ આશરે 10,000 કિલોગ્રામ પેલોડ લઈ જવા સક્ષમ બનશે. આ વર્ઝનનો ઉપયોગ ભારતીય અંતરિક્ષ સ્ટેશનના મોડ્યુલ્સને લઈ જવા માટે થશે.
સેમી-ક્રાયોજેનિક એન્જિનના (SE-2000) વિકાસમાં 2025માં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે, જેમાં પાવર હેડ ટેસ્ટ આર્ટિકલના હોટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને પ્રથમ ફ્લાઇટ 2027માં થાય એવી અપેક્ષા છે. અવકાશ સંસ્થા ક્રાયોજેનિક એન્જિન્સ માટે ‘બૂટસ્ટ્રેપ રીઇગ્નિશન’ પર પણ કામ કરી રહી છે, જે રોકેટને અલગ-અલગ ઓર્બિટમાં સેટેલાઇટ્સ મૂકવાના મિશન્સ માટે વધુ કાર્યક્ષમ બનાવશે.
મિશનનું આર્થિક મહત્વ
નોંધનીય છે કે આ મિશન માત્ર એક વૈજ્ઞાનિક સફળતા નથી, પરંતુ તે ભારતની ‘સ્પેસ ઇકોનોમી’માં ક્રાંતિ લાવનારું છે. અત્યાર સુધી 5 ટન કે તેથી વધુ વજન ધરાવતા ઉપગ્રહો લૉન્ચ કરવા માટે કંપનીઓ સ્પેસ-એક્સ (SpaceX) કે યુરોપના રોકેટ્સ પર નિર્ભર હતી. આ મિશન દ્વારા ભારતે સાબિત કર્યું કે આપણું LVM3 પણ 6 ટન જેટલું વજન લઈ જવા સક્ષમ છે. આનાથી વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા વધી છે.
આ એક સંપૂર્ણ ‘કોમર્શિયલ મિશન’ હતું. NSILએ આ લોન્ચિંગ માટે વિદેશી હૂંડિયામણ મેળવ્યું છે. જે ભારતના અર્થતંત્રમાં સીધો ફાળો આપે છે. LVM3 જેવા ભારે રોકેટના નિર્માણમાં ભારતીય ઉદ્યોગો જોડાયેલા હોય છે. આવા મિશનોની સંખ્યા વધવાથી ભારતની સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને રોજગારીમાં વધારો થાય છે.
વ્યાવહારિક અને તકનીકી મહત્વ
બ્લુબર્ડ ઉપગ્રહની સૌથી મોટી વ્યવહારિક સફળતા એ છે કે તે પૃથ્વી પરના સામાન્ય સ્માર્ટફોન સાથે સીધો કનેક્ટ થઈ શકે છે. જેના કારણે હિમાલયના પહાડો હોય કે અરબી સમુદ્રની મધ્યમાં, જ્યાં ટાવર નથી ત્યાં પણ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન વાપરવાની સુવિધા શક્ય બનશે. આ સુવિધા મેળવવા કોઈ મોંઘા સેટેલાઈટ ફોન કે ખાસ એન્ટેના ખરીદવાની જરૂર નથી. અત્યારના 4G/5G ફોન પર જ આ સુવિધા મળશે.
આ ઉપરાંત જ્યારે પૂર કે ભૂકંપને કારણે જમીન પરના મોબાઈલ ટાવર્સ કામ કરતા બંધ થઈ જાય છે, ત્યારે આ સ્પેસ-આધારિત નેટવર્ક લોકોના જીવ બચાવવા માટે ‘લાઇફલાઇન’ સાબિત થશે. આ મિશનમાં વપરાયેલું 223 ચોરસ મીટરનું વિશાળ એન્ટેના વિશ્વમાં અત્યાર સુધીનું સૌથી મોટું કોમર્શિયલ એન્ટેના છે. તેને સુરક્ષિત રીતે ઓર્બિટમાં સ્થાપિત કરવું એ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ મોટી સિદ્ધિ છે.
ISRO એ આ મિશન માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જે દર્શાવે છે કે ભારત હવે જરૂરિયાત મુજબ ઝડપથી રોકેટ તૈયાર કરીને લૉન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે, જે વ્યાવસાયિક ગ્રાહકો માટે ખૂબ જ મહત્વનું છે. ટૂંકમાં કહીએ તો આ મિશન ભારતને ‘સ્પેસ સુપરપાવર’ બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે. તે દેશની આવક વધારે છે અને સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી આધુનિક ટેકનોલોજી પહોંચાડવાની વ્યવહારિક ક્ષમતા પૂરી પાડે છે.
LVM3-M6 મિશન એ માત્ર એક સેટેલાઈટ લૉન્ચિંગ નથી, પરંતુ ભારતની વધતી જતી આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રતીક છે. આ મિશનથી ભારત ગ્લોબલ કમ્યુનિકેશન સેક્ટરમાં મહત્વનો ભાગીદાર બન્યું છે અને ગગનયાન દ્વારા માનવને અવકાશમાં મોકલવાની દિશામાં એક મોટું ડગલું ભર્યું છે.


