હોમપેજરાજકારણમદ્રાસ હાઇકોર્ટના જે જજે હિંદુઓને કાર્તિગઈ દીપમની આપી હતી અનુમતિ, તેમના વિરુદ્ધ...

મદ્રાસ હાઇકોર્ટના જે જજે હિંદુઓને કાર્તિગઈ દીપમની આપી હતી અનુમતિ, તેમના વિરુદ્ધ મહાભિયોગ લાવવા માંગે છે INDI ગઠબંધન- શું છે વિવાદ?

તમિલનાડુની DMK સરકારે કોર્ટના કડક વલણ બાદ બે વિકલ્પો પસંદ કર્યા. એક તરફ તેણે મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સામે સિંગલ જજના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જોકે, મદ્રાસ હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી અને તેને 'અવમાનનાથી બચવાનું કાવતરું' ગણાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે સિંગલ જજના મૂળ આદેશને પણ યથાવત રાખ્યો હતો.

- Advertisement -

સંસદના શિયાળુ સત્રમાં DMK મદ્રાસ હાઇકોર્ટના જજ જીઆર સ્વામીનાથન વિરુદ્ધ મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહી છે. એ જ કડીમાં મંગળવારે (9 ડિસેમ્બર) INDI ગઠબંધનના 120 સાંસદોએ હસ્તાક્ષર સાથે લોકસભા સ્પીકરને નોટિસ સોંપી છે. નોટિસમાં જજ સ્વામીનાથન વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. આ નોટિસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત 120 સાંસદોના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. DMKનાં નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

મહાભિયોગ ચલાવવાનો નિર્ણય મદ્રાસ હાઇકોર્ટના એક ચુકાદા પછી લેવામાં આવ્યો છે, જેમાં તમિલનાડુની થિરુપ્પરનકુન્દ્રમ પહાડી પર પરંપરાગત કાર્તિગઈ દીપમ પ્રગટાવવાની પરવાનગી આપવામાં આવી હતી. થિરુપ્પરનકુન્દ્રમ એક મંદિર અને તેની નજીક એક દરગાહ ધરાવતું સ્થળ છે, જ્યાં ન્યાયાધીશે આ અનુષ્ઠાનને પરવાનગી આપવાનો આદેશ આપ્યો હતો. ઘણા સમયથી ધર્મસ્થળને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે હિંદુઓના પક્ષે જે ન્યાયાધીશે આદેશ આપ્યો હતો, તેમના વિરુદ્ધ DMK મહાભિયોગ લાવવા માંગે છે.

શું છે મૂળ વિવાદ?

આ સમગ્ર ઘટનાક્રમનો મૂળ વિવાદ કાર્તિગઈ દીપમ તહેવાર પર શરૂ થયો હતો. જોકે, તે પહેલાં પણ આ ધર્મસ્થળ અનેક વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે અને તેનું કારણ તેની બાજુમાં ઊભી થયેલી દરગાહ છે. કાર્તિગઈ દીપમ તમિલનાડુનો એક મુખ્ય હિંદુ તહેવાર છે, જે કાર્તિક માસની પહેલી પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. આ પર્વ પ્રકાશના વિજયનું પ્રતીક છે. થિરુપ્પરનકુન્દ્રમ સુબ્રમણ્યા સ્વામી મંદિર ભગવાન મુરુગનના છ પવિત્ર સ્થાનો પૈકીનું પ્રથમ છે અને કાર્તિગઈ દીપમ તહેવારનું કેન્દ્ર છે. 

- Advertisement -

આ મંદિર છઠ્ઠી સદીમાં પાંડ્ય રાજાઓએ બનાવ્યું હતું અને પહાડીને કોતરીને તેનું નિર્માણ થયું હતું. મંદિરના પૂજારીઓ રોજ ત્રણ વખત પૂજા કરે છે, જેમાં અભિષેક, અલંકાર, નૈવેદ્ય અને દીપ આરાધનાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. પણ છેલ્લા કેટલાક સમયથી ઇસ્લામી કટ્ટરપંથીઓ આ પહાડી પર કબજો કરવા અને તેનું નામ બદલવાના પ્રયાસમાં છે. કેટલાક સમય પહેલાં મુસ્લિમ પ્રદર્શનકારીઓએ પહાડી પર નમાજ પઢવાની માંગ કરી હતી, પરંતુ પોલીસે રોકી દીધી હતી. 

થિરુપ્પરનકુન્દ્રમ પહાડીનો ઇતિહાસ સંગમ યુગ સુધી જાય છે. સંત નક્કીરારે ભગવાન મુરુગનના 6 પવિત્ર નિવાસસ્થાનોમાં આ સ્થળને પ્રથમ ગણાવ્યું છે. આ તેવર સ્થલમ પણ છે, જ્યાં ભગવાન શિવ અને મુરુગનની પૂજા થાય છે. પહાડી 500 ફૂટ ઊંચી છે અને મંદિર ખડકને કોતરીને બનાવવામાં આવ્યું છે. ભક્તો ઘીરી વિધિ (પરિક્રમા માર્ગ) પર પ્રદક્ષિણા કરે છે, જે મંદિરની મિલકત છે.

વિવાદનું મૂળ 19મી-20મી સદીમાં મુસ્લિમોના દાવાઓમાં છે. કેટલાક મુસ્લિમો તેને ‘સિકન્દર હિલ્સ’ કહે છે, પણ 1931માં પ્રિવી કાઉન્સિલે સ્પષ્ટ કર્યું કે આ પહાડી મંદિરની મિલકત છે. પાંચ સભ્યોની પેનલે કહ્યું હતું કે, “પહાડીનો ખાલી ભાગ સમયથી પરે મંદિરના કબજામાં છે.” જોકે, તેમ છતાં મુસ્લિમ કટ્ટરપંથીઓ તેને દરગાહની જગ્યા માની રહ્યા છે. દરગાહ અને મંદિર વચ્ચેનું અંતર 3 કિલોમીટર છે, તેથી વારંવાર બંને સમુદાય તેના પર દાવો કરે છે. પરંતુ તથ્ય એ છે કે દરગાહની જમીન સિવાયની પહાડીની બધી જ જગ્યા પર મંદિરનો અધિકાર છે.

પ્રિવી કાઉન્સિલે 1923ના સબઓર્ડિનેટ જજના ચુકાદાને પુનઃસ્થાપિત કર્યો હતો, જેમાં મસ્જિદની જગ્યા છોડીને આખી પહાડીને મંદિરની મિલકત ગણાવવામાં આવી હતી. પ્રિવી કાઉન્સિલે ઐતિહાસિક દસ્તાવેજોનો હવાલો આપ્યો, જેમાં 1144નો દસ્તાવેજ ‘મલાઈપ્રકરમ’નો (પહાડી પરિક્રમા) ઉલ્લેખ છે.

ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, મુઘલ આક્રમણકારીઓએ રાજસ્વ જમીન છીનવી લીધી, પણ મંદિર કે પહાડી કદી ધર્મનિરપેક્ષ હાથમાં ગઈ નથી. કેટલીક મસ્જિદો અને ઘરો બન્યા, પણ તે હિંદુઓ પર જબરદસ્તી કબજાનું પરિણામ હતું. એ ઉપરાંત ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ મંદિરના અધિકારોને માન્યતા આપી હતી. ચુકાદામાં પ્રિવી કાઉન્સિલે લખ્યું કે, “કોઈ ઐતિહાસિક પુરાવો નથી કે મુસ્લિમ આક્રમણકારીઓએ પવિત્ર પહાડીમાં હસ્તક્ષેપ કર્યો હોય.” આ ચુકાદો 2025માં પણ પ્રાસંગિક છે, કારણ કે જસ્ટિસ સ્વામીનાથને તેને જ આધાર બનાવ્યો હતો. જોકે, તે સમયે કોર્ટે દીપમની પરંપરા ક્યાં થશે તેના પર કોઈ સ્પષ્ટતા કે આદેશ આપ્યો નહતો.

દીપમ ઉત્સવ વિવાદ

દીપમ અનુષ્ઠાન સ્થાન 1994માં જ વિવાદમાં આવી ગયું હતું. એક ભક્તે મદ્રાસ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને અપીલ કરી હતી કે આ સમારોહને મંદિરના ઊચિપિલર કોવિલ મંડપમથી દરગાહ પાસેની પહાડી પર સ્થિત દીપથૂનમાં સ્થાનાંતરિત કરવામાં આવે. કોર્ટે 1996માં આદેશ આપ્યો હતો કે દીપમ ઊચિપિલર કોવિલ પાસે મંદિર મંડપના પારંપરિક સ્થાન પર જ થશે. 1996નો આ આદેશ અનુષ્ઠાન માટે એક ‘પારંપરિક સ્થાન’ ઓળખ કરનારો એકમાત્ર ન્યાયિક નિર્દેશ હતો.  જોકે, કોર્ટે તે સમયે એવું પણ કહ્યું હતું કે ભવિષ્યમાં મંદિર પ્રશાસન અને HR&CE જો ઈચ્છે તો દરગાહથી દૂર કોઈ અન્ય સ્થળે પણ દીપ પ્રગટાવી શકે છે. 

ત્યારબાદ દાયકાઓ સુધી પ્રશાસન 1996ના આદેશની આડશ પાથરીને કહેતું રહ્યું હતું કે પરંપરાગત સ્થાન નીચેનો મંડપ છે અને ઉપરની પહાડી પર દીપમ લઈ જવાની કે પ્રગટાવવાની માંગ હંમેશા તમિલનાડુની સરકારે ટાળી દીધી હતી. 2014માં આ જ મુદ્દે વધુ એક અરજી થઈ હતી, જેને ફગાવી દેવાઈ હતી અને 2017માં ડિવિઝન બેન્ચે પણ તેને યોગ્ય ગણાવ્યું હતું. 

હાલની અરજી

જોકે, દરેક વખતે હિંદુઓએ સ્થાનિક સરકારનાં દબાણમાં નીચે જ દીપ ઉત્સવ ઉજવવાનો શરૂ રાખ્યો હતો, જ્યારે હકીકતે તો દરગાહ સિવાયની તમામ જમીન પર મંદિરનો હક્ક હતો. આ બધા પાસાં વારંવાર ઉઠતાં આવ્યાં છે. આ દરમિયાન રામ. રવિકુમારનું નામ પણ સામે આવ્યું હતું. તેઓ હિંદુ તમિલર કાચીના સંસ્થાપક છે અને હિંદુ કાર્યકર્તા છે. તેમણે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે અરજીમાં મુખ્ય ત્રણ દલીલો કરી હતી. પહેલી એ કે 1920ના આદેશમાં સમગ્ર પહાડી પર મંદિરની માલિકી સ્થાપિત કરવામાં આવી હતી, જેનો અર્થ એ થયો કે દીપમ કાયદાકીય રીતે મંદિરની સંપત્તિની અંદર કોઈપણ સ્થળે થઈ શકે છે. 

બીજી દલીલ એ હતી કે કોઈપણ ન્યાયિક આદેશે દીપથૂન પર દીપમ પ્રગટાવવા માટે પ્રતિબંધ નથી લગાવ્યો. ત્રીજી દલીલ એ કે 2025મા દીપથૂનને અનુષ્ઠાન સ્થળ માનવાનો મંદિર ટ્રસ્ટનો ઇનકાર તર્કહીન અને પ્રક્રિયાત્મક નિષ્પક્ષતાનું ઉલ્લંઘન છે. જોકે, ટ્રસ્ટ તો એવું જ કહી રહ્યું છે કે મંદિરના મંડપ સ્થળ પર જ દીપ પ્રગટાવવો જોઈએ. જ્યારે હિંદુઓનો દાવો એ છે કે શાસ્ત્રીય અને પારંપરિક મૂળ સ્થાન તો પહાડી પર આવેલ દીપથૂન છે. 

અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 1996ના આદેશ બાદ પણ મંદિર પ્રશાસન અને HR&CE વિભાગે ‘સુવિધા’ અને ‘શાંતિ’ના નામ પર દીપને નીચે મંદિરની પાસે સીમિત કરી દીધા હતા. સાથે એવી દલીલ પણ કરવામાં આવી હતી કે પ્રિવી કાઉન્સિલના આદેશ અનુસાર, દીપથૂનનો ભાગ પણ સંપૂર્ણપણે મંદિરની જગ્યામાં આવે છે, નહીં કે દરગાહની, તેથી ત્યાં દીપ પ્રગટાવવાથી કોઈપણ અધિકારોનું ઉલ્લંઘન નથી થવાનું. 

નોંધવા જેવું છે કે, મુસ્લિમ સમુદાય પણ પહાડી પર દીપ પ્રગટાવવાની વિરુદ્ધમાં ચાલી રહ્યો છે. મુસ્લિમ કટ્ટરપંથીઓ વારંવાર તેનો વિરોધ કરી રહ્યા છે અને પહાડી પર પોતાનો દાવો કરી રહ્યા છે. જોકે, દરગાહ સિવાયની તમામ ભૂમિ આજે પણ મંદિરનાં નામે છે. 2025મા અરજી દાખલ થયા બાદ મદ્રાસ હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચે તેના પર સુનાવણી શરૂ કરી હતી. 

1 ડિસેમ્બરનો આદેશ: જસ્ટિસ સ્વામીનાથને શું કહ્યું? 

1 ડિસેમ્બર, 2025ના રોજ જસ્ટિસ જીઆર સ્વામીનાથને રવિકુમારની અરજી પર વિસ્તૃત આદેશ આપ્યો હતો. તેના મુખ્ય મુદ્દા સમજીએ. કોર્ટે 1923ની સિવિલ ડિક્રી અને પ્રિવી કાઉન્સિલના નિર્ણયો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દરગાહનો કાનૂની અધિકાર પહાડીના માત્ર ત્રણ ભાગો સુધી સીમિત છે, નેલ્લિથોપ કબ્રસ્તાન, દરગાહનું વાસ્તવિક સ્થળ અને ત્યાં સુધી જતાં પગથિયાં. દીપથૂન ન તો આ ત્રણ ભાગોમાં આવે છે અને ન તો દરગાહની ભીતર. દીપથૂનનાં સ્થળ પર મંદિરનો સંપૂર્ણ અધિકાર છે. 

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે પહાડી પર બે મુખ્ય શિખરો છે. દરગાહ ઊંચા શિખર પર, જ્યારે દીપથૂન નીચેના શિખર પર છે અને તે દરગાહથી લગભગ 50 મીટર દૂર છે. તેથી એવું કહેવું કે દીપ પ્રગટાવવાથી દરગાહના અધિકારો પ્રભાવિત થશે એ સંપૂર્ણપણે પાયાવિહોણું અને ખોટું છે. કોર્ટે તમિલ સાહિત્ય અને સંગમ-કાળની પરંપરાનો હવાલો આપીને કહ્યું હતું કે પહાડી પર દીપ પ્રગટાવવા કોઈ નવી વાત નથી, પરંતુ કાર્તિગઈ હજારો વર્ષ જૂની પરંપરા છે અને દીપમ પ્રગટાવવા માત્ર પ્રતીકાત્મક નથી પણ એક ‘ધાર્મિક કાર્ય’ પણ છે. 

અંતમાં આદેશ આપવામાં આવ્યો હતો કે કાર્તિગઈ દીપમ આ વર્ષે દીપથૂન પર જ ઉજવવામાં આવે અને મંદિર પ્રશાસન આ આદેશનું સંપૂર્ણપણે પાલન કરે. સાથે તમિલનાડુ સરકાર અને પોલીસને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટેના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. 

તમિલનાડુની DMK સરકારે કોર્ટના આદેશ સામે ભરાવ્યા શિંગડા

1 ડિસેમ્બરે કોર્ટે આદેશ આપ્યા બાદ હિંદુઓએ ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી હતી. 3 ડિસેમ્બરે સાંજે 6 કલાકે દીપ પ્રગટાવવાનો સમય હતો અને એ સાથે કાર્તિગઈ દીપમ ઉત્સવની ઉજવણી શરૂ થવાની હતી. પરંતુ મંદિર પ્રશાસને કોર્ટના આદેશને નેવે મૂકીને પહાડીની નીચે જ કથિત પારંપરિક સ્થળ મંડપમાં જ દીપ પ્રગટાવી દીધા હતા. જેના કારણે હિંદુ સમાજ આક્રોશમાં આવી ગયો હતો અને આ દરમિયાન પોલીસ અને હિંદુ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. કોર્ટે તમિલનાડુ સરકાર પર ‘ઇરાદાપૂર્વકની અવજ્ઞા’નો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ લોકતંત્ર માટે મોટું જોખમ છે.

રવિકુમાર અને હિંદુઓનો આરોપ છે કે, મદ્રાસ હાઇકોર્ટના આદેશ પછી બુધવારે (3 ડિસેમ્બર 2025) સાંજે હિંદુઓએ પહાડી પર ચડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને રોકવામાં આવ્યા. આદેશની ખુલ્લી ઉપેક્ષા કરીને સ્થાનિક પ્રશાસને કલમ 166 (144) લગાવી દીધી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સને (CISF) સુરક્ષા માટે તહેનાત કરાઈ. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ આક્રોશમાં બેરિકેડ તોડી નાખ્યાં અને પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. જે બાદ ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ ઘટના માત્ર એક ધાર્મિક પરંપરાનો મુદ્દો નથી. આ તમિલનાડુની સાંસ્કૃતિક વિરાસત, કોર્ટના આદેશની મર્યાદા અને રાજકીય ષડયંત્રોનું મિશ્રણ છે. ડીએમકે સરકાર પર હિંદુવિરોધી હોવાનો જૂનો આરોપ લાગતો રહ્યો છે. વિપક્ષી ભાજપ અને હિંદુ સંગઠનોએ આ ઘટનાને સનાતન ધર્મ વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. અરજદાર રામ રવિકુમારે કોર્ટમાં કહ્યું કે મંદિર પ્રશાસને દીપથૂન પર કોઈ વ્યવસ્થા કરી નહોતી.

જસ્ટિસ સ્વામીનાથને તમિલનાડુ સરકારની આ હરકતને ‘કોર્ટની ખુલ્લી અવમાનના’ ગણી હતી અને 3-4 ડિસેમ્બરના રોજ અવમાનનાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. જિલ્લા કલેકટરના સેકશન 163ના આદેશને પણ તાત્કાલિક નિરસ્ત કરવામાં આવ્યા હતા અને ફરી એક વખત સ્પષ્ટ કહ્યું હતું કે દીપથૂન પર દીપ પ્રગટાવવા જ કોર્ટનો આદેશ છે અને તેને માનવો જ પડશે. એક આદેશમાં કોર્ટે એવું પણ કહ્યું કે રવિકુમાર અને 10 અન્ય લોકોને CISFની સુરક્ષામાં ઉપર જવા દેવામાં આવે, માત્ર સ્થાનિક પોલીસ પર ભરોસો રાખી શકાશે નહીં. 

DMK સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી અને હવે મહાભિયોગ લાવવાની તૈયારી

તમિલનાડુની હિંદુવિરોધી DMK સરકારે કોર્ટના કડક વલણ બાદ બે વિકલ્પો પસંદ કર્યા. એક તરફ તેણે મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સામે સિંગલ જજના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જોકે, મદ્રાસ હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી અને તેને ‘અવમાનનાથી બચવાનું કાવતરું’ ગણાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે સિંગલ જજના મૂળ આદેશને પણ યથાવત રાખ્યો હતો. બાદમાં DMKની ટોળકી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જોકે, 10 ડિસેમ્બરે હવે સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થવાની છે. 

એ પહેલાં જ DMK કોઈપણ ભોગે ‘પોતાની ઈચ્છાથી વિપરીત’ તથ્ય પર આધારિત નિર્ણય આપનારા જજ સ્વામીનાથનને હટાવવાના પ્રયાસમાં લાગી પડી છે. તેને સમર્થન પૂરું પાડી રહ્યા છે INDI ગેંગના સાંસદો. આ બધાએ DMKનાં નેતૃત્વમાં સાથે મળીને જજ વિરુદ્ધ લોકસભામાં મહાભિયોગ લાવવાનું નક્કી કર્યું છે અને પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં