કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગુટખા અને પાન-મસાલા ઉદ્યોગ પર કડકાઈ વધારવા જઈ રહી છે. તે માટે ‘હેલ્થ સિક્યુરિટી ટુ નેશનલ સિક્યુરિટી સેસ બિલ 2025’ લાવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વધુ ફંડ એકઠું કરવાનો છે. સંસદનાં શિયાળુ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બિલ લોકસભામાં રજૂ કરવાના છે. સરકારે બે મુખ્ય બિલ લાવી રહી છે, જેમાં એક આ સેસ બિલ અને બીજું સેન્ટ્રલ એક્સાઈઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2025 છે.
નવા બિલમાં તંબાકુ ઉત્પાદનો પર 40% GST સિવાય 60-70% કે તેથી વધુ સેસ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. સિગારેટ પર અલગથી પ્રતિ 1000 સ્તુક પર 2,700 રૂપિયાથી લઈને 11,000 રૂપિયા સુધીનો સેસ લગાવવામાં આવશે. સરકારનું માનવું છે કે ઓવરઑલ સેસ વ્યવસ્થાને બદલવા માટેનું આ પગલું જરૂરી છે, જેથી આવનારા સમયમાં કમ્પેન્સેશન સેસ ખતમ થયા બાદ પણ ટેક્સ આવકમાં ઘડાતો ન થાય.
સેસ શું છે અને કેમ ખતમ કરાયા હતા?
2017માં જ્યારે GST લાગુ થયો, ત્યારે રાજ્યોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે GSTના કારણે જો કોઈ રાજ્યની આવક ઘટે તો કેન્દ્ર તેની ભરપાઈ ‘GST કમ્પેન્સેશન સેસ’ દ્વારા કરશે. એટલા માટે તમાકુ, ગુટખા, પાન-મસાલા, કોલસો અને કેટલીક લક્ઝરી વસ્તુઓ પર એક વધારાનો સેસ લગાવવામાં આવ્યો હતો. આ સેસની કાનૂની માન્યતા માત્ર પાંચ વર્ષ માટે જ નક્કી કરવામાં આવી હતી, જેને પછી માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી હતી.
હવે સ્થિતિ એ છે કે GST સેસ માર્ચ 2026માં સમાપ્ત થઈ જશે. એટલે 2026 પછી કેન્દ્ર પાસે એ કાનૂની વ્યવસ્થા જ નહીં રહે કે જેના આધારે તે તમાકુ-પાન મસાલા જેવાં ‘સિન ગુડ્સ’ પર વધારાનો કર વસૂલી શકે. આ વસ્તુઓ પર ટેક્સ ઘટી જાય એ ન તો કેન્દ્ર ઇચ્છે છે અને ન તો આરોગ્યની દૃષ્ટિએ એને સમજદાર પગલું ગણી શકાય. આ જ જગ્યા ભરવા માટે સરકારે નવું સેસ બિલ રજૂ કર્યું છે.
નવું બિલ શું છે?
સરકારનું માનવું છે કે ગુટખા, પાન મસાલા અને તંબાકુ ઉત્પાદનોના કારણે થતા રોગો અને તેનાથી જોડાયેલા રાષ્ટ્રીય આરોગ્ય ખર્ચમાં ઝડપથી વધારો થયો છે. આ જ પડકારનો સામનો કરવા અને સુરક્ષા-સંબંધિત જરૂરિયાતો માટે વધારાની આવક એકઠી કરવાના હેતુથી આ બિલને શિયાળુ સત્રમાં રજૂ કરવાની તૈયારી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બિલ લોકસભામાં રજૂ કરશે.
સરકારનો દાવો છે કે આ પગલું તંબાકુ નિયંત્રણની દિશામાં અત્યાર સુધીની સૌથી સખત નાણાકીય નીતિ બની શકે છે, જેનાથી માત્ર આરોગ્ય જોખમો જ ઘટશે એવું નહીં, પરંતુ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ નાણાં ઉપલબ્ધ થશે.
નવા બિલમાં એક મહત્વનો ફેરફાર એ છે કે પાન-મસાલા અને ગુટખા બનાવતા એકમો, પછી તે મશીન આધારિત હોય કે મેન્યુઅલ, તેને માસિક ધોરણે રજિસ્ટ્રેશન અને ટેક્સ ચુકવણીની નવી વ્યવસ્થાના દાયરામાં લાવવામાં આવશે. આ વ્યવસ્થા પહેલાં પણ હતી, પરંતુ હવે તેને વધુ સ્પષ્ટ, કડક અને પારદર્શી બનાવવામાં આવી રહી છે જેથી ટેક્સ ચોરીને રોકી શકાય.
આ ઉપરાંત, સિગારેટ, તંબાકુ અને સંબંધિત ઉત્પાદનો પર લાગતા એક્સાઇઝ માળખાને પણ સુધારવામાં આવી રહ્યું છે, જેથી GST-સેસ સમાપ્ત થયા પછી પણ આ ઉત્પાદનો પર અસરકારક કર-બોજો યથાવત્ રહે. સરકાર ઇચ્છે છે કે આ ઉત્પાદનોનું સેવન સમાજ-આરોગ્ય પર ઓછામાં ઓછું પ્રભાવ પાડે અને તેમની કિંમતો ક્યારેય એટલી નીચે ન જાય કે તેનું સેવન સસ્તું અને સરળ બની જાય.
સરકારના મતે, સામાન્ય નાગરિકો પર તેનાથી કોઈ નવો વધારાનો બોજો નહીં આવે, કારણ કે આ કોઈ ‘નવો ટેક્સ કે સેસ’ નથી. આ ફક્ત એ જ ઉત્પાદનો પર લાગુ થશે, જે પહેલેથી જ વધારાના સેસના દાયરામાં હતા અને જેનું સેવન સામાજિક તેમજ આરોગ્યની દૃષ્ટિએ પહેલેથી જ અવાંછનીય ગણવામાં આવે છે. એટલે સીધું કહીએ તો નીતિની દિશા એ જ રહેશે, હાનિકારક વસ્તુઓને મોંઘી રાખવી અને તેમના સેવનને મર્યાદિત કરવું.
સેસ કઈ રીતે લાગશે અને શું બદલાવ આવશે?
આ બિલ હેઠળ સેસ હાલની GST વ્યવસ્થામાં ફેરફાર સાથે લાગુ કરવામાં આવશે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ટેક્સ વાસ્તવિક ઉત્પાદનની માત્રા પર નહીં, પરંતુ મશીનની મહત્તમ ઉત્પાદન ક્ષમતા પર આધારિત રહેશે. એટલે કે ફેક્ટરી ઓછું ઉત્પાદન કરે કે વધુ, ચુકવણું મશીનની ક્ષમતાના આધારે જ કરવી પડશે. તેનો અર્થ એ થયો કે ટેક્સ ચોરી કે ઓછું ઉત્પાદન બતાવીને બચી જવાની શક્યતા લગભગ ખતમ થઈ જશે.
હાથથી બનતા પાન મસાલા અને ગુટખા પર પણ પહેલાંની જેમ માત્રા આધારિત ટેક્સના બદલે દર મહિને એક નિશ્ચિત રકમનો સેસ ભરવો ફરજિયાત રહેશે. આ મોડેલ પહેલા બીડી ઉદ્યોગમાં લાગુ કરવામાં આવ્યું હતું અને હવે તેને આ સેક્ટરમાં પણ લાગુ કરવામાં આવી રહ્યું છે.
શું જોગવાઈઓ છે?
નવા કાયદામાં દરેક ઉત્પાદક માટે ફરજિયાત રજિસ્ટ્રેશનની જોગવાઈ છે. દર મહિને કંપનીએ રિટર્ન ભરવું પડશે, જેમાં મશીનની ક્ષમતા અને સેસની ચુકવણીની વિગતો દાખલ કરવી પડશે. સરકારી અધિકારીઓને કોઈપણ સમયે ફેક્ટરીમાં તપાસ, ચકાસણી કે ઓડિટ કરવાનો અધિકાર રહેશે, જેથી નિયમોનું સખત પાલન થાય.
જો કોઈ ઉત્પાદક નિયમ તોડે, ખોટી માહિતી આપે કે ટેક્સ ચોરી કરે તો તેના પર 5 વર્ષ સુધીની જેલ અને મોટો દંડ થઈ શકે છે. તેમ છતાં કંપનીઓને અપીલ અધિકારીઓથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવાનો પૂરો અધિકાર આપવામાં આવ્યો છે. બિલમાં એક રાહતની જોગવાઈ પણ રાખવામાં આવી છે કે જો કોઈ મશીન કે યુનિટ સતત 15 દિવસ કે તેથી વધુ બંધ રહે, તો તે સમયગાળા માટે સેસમાં છૂટ મળશે.
સાથે જ જરૂર પડે તો સરકારને આ સેસ બમણો કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે, જેનાથી ભવિષ્યમાં આ ઉદ્યોગની કિંમત વધુ ભારે બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બિલનો સીધો માર ગુટખા અને પાન મસાલા ઉદ્યોગની ખર્ચ-કિંમત પર પડશે. નાના ઉત્પાદકો માટે આર્થિક સંકડામણ છે અને ઘણી સ્થાનિક ફેક્ટરીઓના દરવાજા બંધ થઈ શકે છે. મોટા બ્રાન્ડ્સ તો વધેલો ખર્ચો ગ્રાહકો પર જ કિંમત વધારીને ઠોકી દેશે.
પરંતુ સરકારને આશા છે કે કિંમતો વધવાથી આ વસ્તુઓનું વપરાશ ઘટશે અને લોકોના આરોગ્યને લાભ થશે. ઉપરાંત, સેસમાંથી આવતી રકમ રાષ્ટ્રીય સુરક્ષાના કામો અને જાહેર આરોગ્ય યોજનાઓમાં વપરાશે, એટલે એક જ પગલાંથી બે ફાયદા થશે – લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને દેશની સુરક્ષા પણ મજબૂત થશે.


