ભારતીય મૂળના ડિફેન્સ એક્સપર્ટ એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ: સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવાનો, ચીન સાથે સાંઠગાંઠનો આરોપ

ભારત મૂળના ફોરેન પોલિસી એક્સપર્ટ અને ડિફેન્સ સ્ટ્રેટેજિસ્ટ એશલી ટેલિસની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉપર સંરક્ષણ સંબંધિત અમુક દસ્તાવેજોને ગેરકાયદેસર રીતે લીક કરવાનો અને ચીનની સરકારના અમુક અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અમેરિકાના મીડિયા અહેવાલો અનુસાર, ફેડરલ કોર્ટે સર્ચ વૉરન્ટ ઇસ્યુ કર્યા બાદ FBIએ વિયેના સ્થિત ટેલિસના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાંથી અનેક સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા છે. રવિવારે ધરપકડ કરવામાં આવ્યા બાદ સોમવારે તેમની ઉપર આરોપો નક્કી કરવામાં આવ્યા હતા.

હાલ અમુક ગુપ્ત દસ્તાવેજો ઠેકાણે લગાવવાના અને ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરવાના આરોપોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. યુએસ એટર્નીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ટેલિસની પ્રવૃત્તિઓ નાગરિકોની સુરક્ષા અને સલામતી સામે મોટા જોખમ સમાન હતી.

ગુનેગાર ઠેરવાય તો ટેલિસને 10 વર્ષની જેલની સજા અને અઢી લાખ ડૉલરનો દંડ થઈ શકે છે. જોકે સરકારે એમ પણ કહ્યું છે કે આ હજુ આરોપો છે અને તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. ગુનો સાબિત ન થાય ત્યાં સુધી ટેલિસને નિર્દોષ જ માનવામાં આવશે.

મુંબઈમાં જન્મેલા 64 વર્ષીય એશલી ટેલિસ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછી શિકાગો યુનિવર્સિટીમાંથી પીએચડી થયા. અમેરિકામાં તેમને ભારત-ચીન સાથેના સંબંધો પર નિષ્ણાત માનવામાં આવે છે. તેમણે જ્યોર્જ બુશની સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પણ કામ કર્યું હતું અને FBIના એફિડેવિટમાં તેમને યુએસ વિદેશ વિભાગના અનપેડ એડવાઇઝર પણ જણાવવામાં આવ્યા છે. તેઓ પેન્ટાગોન (યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર) સાથે પણ કામ કરી ચૂક્યા છે. વૉશિંગ્ટનની થિંક ટેન્ક કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના સિનિયર ફેલો પણ છે.