
ઈજીપ્તમાં યોજાનારી ગાઝા પીસ સમિટમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અધિકારીક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સમિટની અધ્યક્ષતા ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. જોકે પીએમ મોદી બેઠકમાં ભાગ લેશે નહીં.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ સમિટમાં ભારત તરફથી રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી કીર્તિવર્ધન સિંહ પ્રતિનિધિત્વ કરશે.
આ સમિટ સોમવારે (13 ઑક્ટોબર) યોજાશે, જેમાં વીસ દેશના નેતાઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેમાં યુકેના પીએમ સ્ટાર્મર, ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની, સ્પેનિશ પીએમ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં વગેરેનો સમાવેશ થાય છે.
સમિટ ગાઝામાં યુદ્ધ અટકાવીને કાયમી શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્યથી યોજાઈ રહી છે, પરંતુ હજુ ઘણી અડચણો છે કારણ કે હમાસે ટ્રમ્પના પ્લાન પર સંપૂર્ણ સહમતિ દર્શાવીને હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. જોકે પ્રથમ તબક્કા માટે બંને પક્ષો સહમત થતાં હાલ તે પ્રક્રિયા ચાલી રહી છે અને બંધકો-કેદીઓને બંને તરફથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.

