હોમપેજગુજરાત‘નવરાત્રિ દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી’: નવસારીના DySP...

‘નવરાત્રિ દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી’: નવસારીના DySP એસ. કે રાય વિરુદ્ધ આક્રોશ, કાર્યવાહીની માંગ સાથે હિંદુ સમાજ મેદાને– શું છે મામલો

કલેક્ટર કચેરીએ સોંપવામાં આવેલા આવેદનપત્રમાં પણ સંગઠને માગ કરી છે કે સમગ્ર ઘટનાની ન્યાયસંગત અને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર DySP વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

- Advertisement -

નવસારી શહેરમાં નવરાત્રિના ગરબા દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને વગર વાંકે બેફામ ગાળો ભાંડીને માર મારનાર, લાઠીચાર્જ કરનાર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક (DySP) સંજય કે. રાય સામે હિંદુ સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. સોમવારે (29 સપ્ટેમ્બર) હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી સુધી એક જનાક્રોશ રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઘટનાની ન્યાયસંગત અને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા માટે માગ કરી હતી. 

ઘટના એવી છે કે 22 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિનો આરંભ થયા બાદ ગરબા આયોજનોમાં કોઈ બિનહિંદુને પ્રવેશ આપવામાં ન આવે તે માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનોએ અભિયાન ઉપાડ્યું હતું. દરમ્યાન 23 સપ્ટેમ્બરના રોજ તેમને જાણકારી મળી હતી કે નવસારીના જમાલપોર રોડ પર ‘સાંઈ ગરબા’ નામના આયોજનમાં અમુક મુસ્લિમ યુવાનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

23 સપ્ટેમ્બરની રાત્રે શહેર બજરંગ દળ સંયોજક લોકેશ સોની અને અન્ય અમુક કાર્યકર્તાઓ ‘સાંઇ ગરબા’ આયોજન પર પહોંચ્યા હતા અને માતાજીના પર્વમાં કોઈ બિનહિંદુ યુવાનોને પ્રવેશ આપવામાં ન આવે તે માટે આયોજકોને સમજાવ્યા હતા. સંગઠનોનું કહેવું છે કે ન તો તેમણે આ દરમિયાન કોઈ બળજબરી કરી હતી કે ન કોઈ ગરબા આયોજકોને ધમકાવ્યા હતા. અમુક ચર્ચાઓ બાદ આયોજકોએ પણ સંગઠનોની વાત માનીને આ બાબતનું ધ્યાન રાખવા માટે બાંહેધરી આપી હતી. ત્યારબાદ કાર્યકર્તાઓ પરત ફરી ગયા હતા. 

- Advertisement -

DySPએ આવીને અચાનક માર મારવાનો શરૂ કરી દીધો, ભગવા વિશે બેફામ ગાળો ભાંડી: હિંદુ કાર્યકર્તા

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ફરિયાદી લોકેશ સોનીએ જણાવ્યું કે તેઓ ગરબા આયોજકો સાથે ચર્ચા કરીને તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં DySP સંજય રાય 4-5 પોલીસની ગાડીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા અને આવીને અચાનક બેફામ ગાળો ભાંડીને માર મારવાનો શરૂ કરી દેવામાં આવ્યો. તેમનું કહેવું છે કે અમુક પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં પણ હતા. 

સંગઠનના કાર્યકર્તાએ જણાવ્યું કે એસ. કે રાયે તેમને ગાળો ભાંડી અને ‘આ ભગવો તમારી %^માં ભરાવી દેવાનો છે’ કહીને લાઠી-દંડા વડે માર મારવાનો શરૂ કરી દીધો હતો. કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને મારવામાં આવ્યા અને લાત-ઢીકામુક્કીથી માર મરાયો હોવાનું પછીથી કાર્યકર્તાઓએ આપવીતીમાં જણાવ્યું હતું. 

અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સિવિલ ડ્રેસમાં પોલીસ અધિકારીઓ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર બળજબરી કરતા અને તેમને લાઠી વડે મારતા જોવા મળે છે. અન્ય એક વિડીયોમાં અધિકારી એસ. કે રાય એક હિંદુ કાર્યકર્તાનું તિલક ભૂંસતા અને વાળ પકડીને મારતા જોવા મળી રહ્યા છે. 

લોકેશ સોની જણાવે છે કે, પોલીસે કોઈ FIR કે કારણ જણાવ્યા વગર કાર્યકર્તાઓને ઢોર માર માર્યો હતો અને મારતાં-મારતાં જ તેમની પરેડ પણ કાઢવામાં આવી હતી. પોલીસે માર મારવાના કારણે લોકેશ ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને સંગઠનના અન્ય એક પદાધિકારી જયેશ પુરોહિતે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે પોલીસ અધિકારીએ ‘બળાત્કારી’ અને ‘રીઢા ગુનેગારો’ની જેમ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓનું 500-700 મીટર સુધી સરઘસ કાઢ્યું હતું અને માર માર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ અધિકારીએ ઘટનાસ્થળ પરના તમામ સીસીટીવી ફૂટેજ પણ ડિલીટ કરાવી દીધા હતા, જેથી કોઈ પુરાવો ન બચી શકે. 

ટાઉન પોલીસ મથકે અરજી આપી, કાર્યવાહી ન થતાં કલેક્ટરને આવેદન અપાયું 

નવસારી કલેક્ટર કચેરી બહાર પ્રદર્શનો

આ ઘટના બાદ 26 સપ્ટેમ્બરના રોજ નવસારી શહેર બજરંગ દળ સંયોજક લોકેશ સોની અને અન્ય કાર્યકર્તાઓએ નવસારી ટાઉન પોલીસ મથકે પી. આઈને એક અરજી આપીને કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. કાર્યકર્તાઓને કોઈ પણ જાતના વાંક-ગુના વગર પોલીસ અધિકારી અને અન્ય કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ સાથેની અરજી પર કોઈ કાર્યવાહી ન થતાં સોમવારે (29 સપ્ટેમ્બર) એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સોમવારે મોટી સંખ્યામાં હિંદુ સમાજ એકઠો થયો અને પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. કલેક્ટર કચેરીએ સોંપવામાં આવેલા આવેદનપત્રમાં પણ સંગઠને માગ કરી છે કે સમગ્ર ઘટનાની ન્યાયસંગત અને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર DySP વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત ધાર્મિક પ્રસંગોમાં શાંતિ અને સુરક્ષા જળવાય રહે તે માટે આવા અધિકારીઓને પોલીસ બંદોબસ્તમાંથી દૂર રાખવા માટે પણ માગણી કરવામાં આવી. 

આ મામલે પોલીસ તંત્રનો પક્ષ જાણવા માટે જિલ્લા પોલીસ વડા અને જેમની ઉપર આરોપ લાગ્યો છે એ DySP એસ. કે રાયનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં