સોશિયલ મીડિયા પર એક પ્રોફેસરનાં હિંદુવિરોધી ટ્વિટ વાયરલ થઈ રહ્યાં છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સાથે સંકળાયેલો હોવાનું કહીને નેટિઝન્સ ગુજરાત પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અધ્યાપકનું નામ છે મધુસુદન રાજ. તાજેતરમાં તેણે હનુમાનજીની પ્રતિમા વિશે કરેલી ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો.
એક અમેરિકન અકાઉન્ટે 2૦ સપ્ટેમ્બરના રોજ એક પોસ્ટ કરી હતી, જેમાં ટેક્સાસ સ્થિત હનુમાનજીની એક પ્રતિમાની તસવીર સાથે લખવામાં આવ્યું– ‘હવે આપણે H1B (વિઝા ધરાવતા) ભારતીયોને અહીંથી કાઢી જ રહ્યા છીએ તો ટેક્સની ફોર્ટ બેન્ડ કાઉન્ટી સ્થિત આ હિંદુ ડેમન મંકી ગોડના સ્ટેચ્યુને હટાવવું પણ સરકાર માટે બહુ કઠિન કામ નહીં હોય.’
આ અપમાનજનક પોસ્ટને ક્વોટ કરીને મધુસુદને લખ્યું, ‘સ્મેશ ઇટ.’ તેને તોડી નાખો. આ પોસ્ટ પછીથી વાયરલ થઈ ગઈ અને લોકોએ કાર્યવાહીની માંગ કરી.

સોશિયલ મીડિયા પર જાણકારી ફેલાઈ કે તે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલો છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે. ત્યારબાદ લોકોએ યુનિવર્સિટીને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.
VNSGUએ શું જણાવ્યું?
ઑપઇન્ડિયાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ વિભાગનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે મધુસુદન રાજ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ 2021માં જ તેણે રાજીનામું ધરી દીધું હતું. લગભગ એકાદ દાયકા સુધી નોકરી કર્યા બાદ તેણે 2021માં યુનિવર્સિટી છોડી દીધી હતી.
યુનિવર્સિટીનાં ટોચનાં સૂત્રો અનુસાર, મામલો તેમના ધ્યાને આવ્યો છે અને આમાં લીગલ વિકલ્પો પર પણ વિચાર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં યુનિવર્સિટી આ મામલે વધુ સ્પષ્ટતા કરશે.
જેથી હાલ આ વ્યક્તિ VNSGU સાથે સંકળાયેલી નથી. વધુમાં જાણવા મળ્યું કે તે સંભવતઃ ભારતમાં પણ રહેતો નથી અને વિદેશમાં સ્થાયી થયો છે. ટ્વિટર બાયોમાં લખ્યું છે– ‘બોર્ન અગેઇન ક્રિશ્ચિયન.’ આ ‘બોર્ન અગેઇન ક્રિશ્ચિયન’ પ્રોફેસર ભારતમાં રહેતો ન હોવા છતાં અનેક ટ્વિટ અને પોસ્ટમાં ભારત વિશે, મોદી વિશે, હિંદુઓ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરતો રહે છે.
ભૂતકાળમાં પીએમ મોદી, હિંદુઓ, ગુજરાતીઓ વિરુદ્ધ દ્વેષ ઠાલવતી અનેક પોસ્ટ કરી હતી
પીએમ મોદી વિશે એક કોંગ્રેસ ટ્રોલની પોસ્ટ ક્વોટ કરીને તેણે પીએમ મોદીએ વિશે ‘ક્લાઉન’ જેવો શબ્દ વાપર્યો અને લખ્યું કે ભારતને બરબાદ કરીને હવે તેઓ ભારતીયોને કહે છે કે દેશ પર નિર્ભર રહે. ‘કલ્ટ લીડર’ કહીને આગળ લખ્યું કે, “જીવનના અંત તરફ છે ત્યારે તેઓ હવે અંધસમર્થકોને કહે છે કે તેમણે આત્મહત્યા કરી લેવી જોઈએ. મને વિશ્વાસ છે કે તેઓ તેમ જ કરશે. સારું છે, મુક્તિ મળશે.”

એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે મોદીની સદ્દામ અને ગદ્દાફી મોમેન્ટ હવે નજીક છે. ઉલ્લેખનીય છે કે આ બંને મધ્ય-પૂર્વીય દેશોના આપખુદ શાસકો હતા અને એકની ટોળાએ હત્યા કરી નાખી હતી અને બીજાને ફાંસી આપવામાં આવી હતી.

એક પોસ્ટમાં તેણે મોદી અને શાહને ‘માસ મર્ડરર’ ગણાવી દીધા હતા અને કહ્યું કે આ જ ‘ગુજરાત મોડેલ’ છે. સાથે લખ્યું કે, ‘પરંતુ આ હિંદુઓ સમજતા નથી કે ક્રિશ્ચિયન ફેથ સતત મજબૂત બની રહી છે.’

અન્ય એક પોસ્ટમાં મોદીને ‘બુચર ઑફ ગુજરાત’ ગણાવીને તેમની રાજકીય કારકિર્દી અન્યોની લાશ પર ટકેલી હોવાનું અને અમિત શાહ તેમના ‘સાગરિત’ હોવાનું લખ્યું હતું.

અમેરિકામાં વધતી જતી મસ્જિદોની સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતી એક પોસ્ટને ક્વોટ કરીને મધુસુદને હિંદુઓની સરખામણી કરી અને કહ્યું કે અમેરિકામાં તેમણે હજારો મંદિરો બનાવી દીધાં છે અને હિંદુઓ પણ એટલું જ જોખમ ઊભું કરે છે!

છત્રપતિ સંભાજી મહારાજ પર બનેલી ફિલ્મ ‘છાવા’ વિશેના ‘ધ હિન્દુ’ના એક પ્રોપગેન્ડા લેખને ક્વોટ કરીને મધુસુદને ફિલ્મને ‘સ્ટુપિડ’ ગણાવી દીધી હતી અને લખ્યું હતું કે આજના હિંદુઓનું વર્તન એ દર્શાવે છે કે તેમને ઔરંગઝેબ જેવો જ શાસક મળવો જોઈએ, તે જ તેમને ઠીક કરી શકે છે.

તાજેતરમાં કર્ણાટકના ધર્મસ્થળમાં વર્ષો પહેલાં મહિલાઓનું શોષણ કરીને લાશો દફનાવી દેવામાં આવી હોવાનો ખોટો દાવો કરીને હોબાળો મચાવવામાં આવ્યો હતો. SITએ દિવસો સુધી તપાસ કરી પછી કંઈ ન મળ્યા બાદ જેણે દાવો કર્યો હતો તેની જ ધરપકડ કરવામાં આવી અને આખું તૂત સામે આવ્યું. આ કેસ પર મધુસુદને ટિપ્પણી કરતાં હિંદુ મંદિરના પૂજારીઓએ રેપ કર્યા હોવાનું કહી દીધું અને કહ્યું કે નવા હિંદુ ભારતમાં આવા કેસ તપાસ વગર બંધ થઈ જાય છે.

મહાકુંભ પર પણ તેણે ઘણી હિંદુદ્વેષી પોસ્ટ કરી હતી.
તે ગુજરાત વિરુદ્ધ પણ ઘણો દ્વેષ ઠાલવી ચૂક્યો છે. એક પોસ્ટમાં તેણે ગુજરાતને ‘ચીટર’ અને ફ્રોડનું રાજ્ય ગણાવ્યું હતું.

ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈરની એક પોસ્ટ ક્વોટ કરીને પણ તેણે ગુજરાતીઓને ગાળો ભાંડી હતી અને અશાંતધારા મામલે બળતરા ઠાલવી હતી.

આ સિવાય પણ અનેક પોસ્ટમાં તેની હિંદુઘૃણા, ગુજરાત પ્રત્યેનો દ્વેષ, મોદી પ્રત્યેનો, સંઘ પ્રત્યેનો દ્વેષ છતો થયો છે.


