ટ્રમ્પે H-1B વિઝા અરજીઓ પર લગાવી 1 લાખ ડોલર ફી: નવો એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા અરજીઓ પર નવી ફી લગાવવાની જાહેરાત કરી છે. આ નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર અનુસાર, H-1B વિઝા પેટિશન્સ માટે $1 લાખ અમેરિકનની (લગભગ 90 લાખ રૂપિયા) વધારાની ફી ભરવી પડશે. આ પગલું અમેરિકન કામદારોના હિતોની રક્ષા કરવા અને વિઝા કાર્યક્રમના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે, જે ખાસ કરીને ભારતીય IT વ્યવસાયીઓને પણ અસર કરશે.

આ ફી નવી H-1B વિઝા અરજીઓ અને સપ્લીમેન્ટલ પિટિશન્સ પર લાગુ પડશે. અગાઉ, H-1B વિઝા અરજી માટેની કુલ ફીમાં લોટરી રજિસ્ટ્રેશન માટે $215 અને ફોર્મ I-129 માટે $780 સહિત અંદાજે $1500ની વિવિધ એડમિનિસ્ટ્રેટિવ ફીઓનો સમાવેશ થતો હતો. હવે આ $1 લાખની વધારાની ફી વાર્ષિક ભરવાની રહેશે, જે અમેરિકન કંપનીઓ – ખાસ કરીને નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ – માટે આર્થિક બોજ સ્વરૂપ છે.

આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય વ્યવસાયીઓ પર પડશે, કારણ કે ભારત H-1B વિઝા મેળવનારા મુખ્ય દેશોમાંથી એક છે. અગાઉના વર્ષોમાં 2020થી 2023 સુધીના સમયગાળામાં 71% H-1B વિઝા મંજૂરીઓ ભારતને મળી હતી, જ્યારે ચીનને 11.7% મળી. 2025ના પ્રથમાર્ધમાં અમેઝોન, AWS, માઇક્રોસોફ્ટ અને મેટા જેવી મોટી કંપનીઓએ હજારો H-1B વિઝા મેળવ્યા હતા, જેમાં મોટા ભાગના ભારતીય વ્યવસાયીઓ હતા.