‘મોદી મહાન પ્રધાનમંત્રી…તેઓ હંમેશા મારા મિત્ર’: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બદલાયું નિવેદન

જેમ માણસ રોજ કપડા બદલે એમ રોજેરોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો બદલાઈ રહ્યા છે. ગઈકાલે જ તેમણે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે અમેરિકાએ ચીન સામે ‘ભારત અને રશિયા ગુમાવ્યા’ છે. હવે તેમણે નિવેદન આપ્યું છે કે PM મોદી તેમના ખૂબ સારા મિત્ર છે.

વોશિંગ્ટન DCમાં એ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ANIએ પૂછેલ પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે આવું નિવેદન આપ્યું છે. પ્રશ્ન ભારત સાથેના સંબંધો ફરીથી સ્થાપિત કરવા અંગે હતો. જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને મોદીને સારા મિત્રો ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે, “હું હંમેશા મોદીનો મિત્ર રહીશ, તેઓ એક મહાન વડા પ્રધાન છે, તેઓ મહાન છે… મને તેઓ હાલમાં જે કરી રહ્યા છે તે ગમતું નથી, પરંતુ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે એક ખાસ સંબંધ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી.”

જ્યારે તેમને ટ્રુથ સોશિયલ પર ‘ભારત રશિયા ગુમાવવા’ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “મને નથી લાગતું કે અમે એવું કર્યું છે.” તેમણે આગળ કહ્યું, “જેમ તમે જાણો છો, હું મોદી સાથે ખૂબ સારી રીતે હળીમળીને રહું છું. તેઓ બે મહિના પહેલા અહીં હતા, અમે ગાર્ડનમાં પણ સાથે જતાં હતા.”