હારની હતાશા હવે રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન માટે અપમાનજનક ભાષા વાપરવા સુધી લઈ આવી!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં બિહાર SIRના વિરુદ્ધમાં યાત્રા કરી રહ્યા છે. આ જ ક્રમમાં તેમણે મુઝફ્ફરપુરમાં આયોજિત રેલીને સંબોધી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. રાહુલ ગાંધીએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનનો ઉલ્લેખ કરીને દેશના વડાપ્રધાનને જૂઠા કહ્યા હતા અને તું-તડાક કરીને વાત કરી હતી.

ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “ટ્રમ્પે મોદીને કહ્યું – સાંભળ, તું જે પણ કરી રહ્યો છે, તેને 24 કલાકમાં બંધ કરી દે. જેને નરેન્દ્ર મોદીએ 24 કલાક નહીં પણ 5 કલાકમાં જ બંધ કરી દીધું.”

વાસ્તવમાં 27 ઑગસ્ટે સવારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઑપરેશન સિંદૂર વિશે નિવેદન આપ્યું. આ વખતે તેમણે દાવો કર્યો કે જ્યારે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો ત્યારે તેમણે વડાપ્રધાન મોદીને યુદ્ધ બંધ કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો પરંતુ મોદીએ 5 કલાકમાં પરિસ્થિતિ સંભાળી લીધી. જોકે ટ્રમ્પનાં આવાં ગપ્પાં પહેલાં જ્યારે ચાલતાં હતાં ત્યારે પણ સરકાર સ્પષ્ટતા કરી ચૂકી હતી કે મોદી અને ટ્રમ્પ વચ્ચે ઑપરેશન દરમિયાન કોઈ વાતચીત થઈ ન હતી. પણ સ્વઘોષિત જગતજમાદાર ડામાડોળ થતી પોતાની અર્થવ્યવસ્થાને ઉપર લાવવા માટે દુનિયાના દેશો પર દબાણ વધારવા જે નવાં-નવાં ગતકડાં કરતા રહે છે, તેમાં જ આ બધા દાવાઓ પણ આવી ગયા.

નોંધનીય છે કે રાહુલ ગાંધી આ પહેલાં પણ વિદેશી નેતાઓના નિવેદનોન આધારે ભારતીય સેના અને દેશના વડાપ્રધાન પર પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે. આ વખતે રાહુલ ગાંધીએ દેશના વડા માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને હદ વટાવી દીધી છે.