હોમપેજગુજરાતહિન્દી અખબારનો તંત્રીલેખ ઉઠાવ્યો, ભાષાંતર કરીને શબ્દશઃ ઉતાર્યો, હેડલાઇન બદલીને છાપી માર્યો:...

હિન્દી અખબારનો તંત્રીલેખ ઉઠાવ્યો, ભાષાંતર કરીને શબ્દશઃ ઉતાર્યો, હેડલાઇન બદલીને છાપી માર્યો: પત્રકારત્વનાં નવાં માનકો ઘડતું ‘ગુજરાત સમાચાર’

આ લેખ સામાન્ય છે. જેવો અખબારોમાં છપાય તેવો જ છે. પણ મૂળ વાત એ છે કે આ જ લેખ, શબ્દશઃ ચાર દિવસ પહેલાં એક અંગ્રેજી અખબાર ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના હિન્દી સંસ્કરણમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે. 

- Advertisement -

તંત્રીલેખ કોઈ પણ અખબારનો આત્મા હોય છે તેવું પત્રકારત્વના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. હવે જોકે અખબારો સાથે તંત્રીલેખો પણ મહત્ત્વ ગુમાવતા જાય છે. છતાં હજુ છપાતા રહે છે એ પણ એક હકીકત છે. ગુજરાતી પત્રકારત્વમાં ક્રાંતિનો પવન ફૂંકનારા, મોદીથી લઈને ટ્રમ્પની સત્તાના પાયા હલાવી નાખનારા ‘અગ્રણી’ અખબાર ‘ગુજરાત સમાચાર’માં પણ તંત્રીલેખો છપાય છે. આજની, 18 ઑગસ્ટની આવૃત્તિમાં પણ છપાયો છે. શીર્ષક છે– ‘દેશ સામેના પડકારો.’

શીર્ષક વાંચીને કે ‘ગુજરાત સમાચાર’નું નામ સાંભળીને લેખમાં ‘મોદીના શાસન હેઠળ દેશ હવે પાયમાલ થઈ ચૂક્યો છે અને હવે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ’ એવો ભાવ હશે એવું લાગી શકે. સ્વાભાવિક છે. પણ જોકે અહીં એવું નથી. લેખનો ટોન બહુ સામાન્ય છે. ટિપિકલ તંત્રી લેખ પ્રકારનો છે. 

દહીં અને દૂધ બંનેમાં પગ રાખીને, બંને પક્ષને લેખમાં અડધું-અડધું સ્થાન આપીને અંતે કોઈ નિષ્કર્ષ ન નીકળતો હોય તેવા ચારસો-પાંચસો શબ્દો લખ્યા હોય તો કહેવામાં ન આવે તોપણ વાંચનારને ખબર પડી જાય કે આ તંત્રીલેખ જ હશે. હવે જોકે વાચકો પણ તંત્રીલેખોને ગંભીરતાથી લેતા નથી. લખનારાઓએ તો સિરિયસલી લીધાને હવે વર્ષો થવાનાં!

- Advertisement -

સમાચારના તંત્રી લેખમાં શરૂઆત તાજેતરમાં ઉજવાયેલા સ્વતંત્રતા દિવસથી થાય છે. લેખમાં કહેવાયું છે કે ઉજવણી કરવા માટે સિદ્ધિઓની અછત નથી. ભારતે જે ઊંચાઈઓ હાંસલ કરી છે એ નાની વાત નથી, કારણ કે તફાવતો અને વિવિધતાઓ હોવા છતાં દેશ સતત મજબૂત બની રહ્યો છે. ઑપરેશન સિંદૂરનો અને રાષ્ટ્રીય એકતાનો ઉલ્લેખ આવે છે. ત્યારબાદ આર્થિક બાબતોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને ગરીબી પણ ઘટી રહી છે. 

ત્યારબાદ બીજો તબક્કો શરૂ થાય છે અને અમુક ખામીઓ અને પડકારોની વાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણની થોડીઘણી વાતો છે અને અમેરિકા અને ટેરિફનો ઉલ્લેખ જોવા મળે છે. મજબૂત સંસ્થાઓ હોવી જોઈએ અને નિયમો આધારિત વ્યવસ્થા સુનિશ્ચિત થવી જોઈએ એવી બધી વાતો લખવામાં આવી છે. 

છેલ્લા ફકરામાં તંત્રી લખે છે કે, “ક્યારેક બહુમતી ઘેટાંનાં ટોળાં જેવી હોય છે. ભાજપશાસિત રાજ્યોમાં વિધાનસભા સત્ર મળવાનું હોય એ પહેલાં ધારાસભ્યોએ કયા પ્રશ્નો પૂછવા તેની ચિઠ્ઠી પક્ષ તરફથી આપવામાં આવે છે. ધારાસભ્યો પોતાના વિસ્તારના ખરા પ્રશ્નો પૂછી શકતા નથી…આ બધી લોકશાહીને અપંગ કરનારી પદ્ધતિઓ વધતી જાય છે ને એ મોટો પડકાર છે. વિપક્ષ ભારતના ચૂંટણી પંચની કામગીરી પર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. આવી પરિસ્થિતિ પહેલાં ક્યારેય ઊભી થઈ ન હતી. ચૂંટણી પંચનું બિનપક્ષપાતી વર્તન એ ભારતીય રાજકીય વ્યવસ્થાનો પાયો છે, જેના પર બાકીનું બધું નિર્ભર છે. રાજકીય કાર્યકરો અને મતદારો બંનેના મનમાં કોઈ શંકા કે મૂંઝવણની સ્થિતિ ન હોવી જોઈએ.”

આ લેખ સામાન્ય છે. જેવો અખબારોમાં છપાય તેવો જ છે. પણ મૂળ વાત એ છે કે આ જ લેખ, શબ્દશઃ ચાર દિવસ પહેલાં એક અંગ્રેજી અખબાર ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના હિન્દી સંસ્કરણમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે. 

14 ઑગસ્ટ, 2025ના રોજ રાત્રે 11:01 કલાકે પ્રકાશિત આ લેખનું શીર્ષક છે– ‘79મા સ્વતંત્રતા દિવસ પર ભારતની ઉપલબ્ધિઓ અને પડકારો, મજબૂત સંસ્થાઓની જરૂરિયાત.’ 

ચાર દિવસ પછી ગુજરાત સમાચારે છાપી મારેલા તંત્રીલેખ અને બિઝનેસ સ્ટાન્ડર્ડના આ લેખમાં તફાવત એટલો છે કે એક હિન્દીમાં છે અને એક ગુજરાતીમાં. બીજું, ગુજરાત સમાચારે અંતિમ ફકરામાં ભાજપવિરોધી ટિપ્પણીઓ કરી છે એ બિઝનેસ સ્ટાન્ડર્ડના લેખમાં નથી. બાકીનો સમગ્ર લેખ પહેલેથી છેલ્લે સુધી શબ્દશઃ સરખો છે. ક્યાંય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફકરા પણ સમાન છે, શરૂઆત પણ સરખી છે અને અંતે ગુજરાત સમાચારે ઉમેરેલી અમુક ટિપ્પણીઓ સિવાયનો બાકીનો ભાગ સમાન છે. 

ગુજરાત અન્ડરલાઇન કરેલો ભાગ મૂળ હિન્દી લેખમાં નથી

સામાન્ય રીતે એક અખબારનો લેખ બીજામાં પ્રકાશિત થાય એવું બનતું રહે છે, જોકે તંત્રીલેખોની આપલે સામાન્ય રીતે થતી નથી. ઘણાં અખબારો-મીડિયા સંસ્થાઓ એકબીજા પાસેથી સામગ્રી લેતાં રહે છે, પણ તેમાં તે બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે. ઘણાં ગુજરાતી અખબારો વિદેશી અખબારોના અહેવાલો પ્રકાશિત કરે છે, પણ તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોય છે, બંને વચ્ચે રીતસર ટાઈ-અપ થયું હોય. અહીં જોકે ગુજરાત સમાચારે આવી કોઈ સ્પષ્ટતા કરી નથી. 

છતાં વાસ્તવિકતા જાણવા માટે ઑપઇન્ડિયાએ જ્યારે બિઝનેસ સ્ટાન્ડર્ડનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે બંને અખબારો વચ્ચે આવું કોઈ ટાઈ-અપ કરવામાં આવ્યું નથી કે ન અંગ્રેજી અખબારે કે તેના હિન્દી સંસ્કરણે પોતાના લેખો પ્રકાશિત કરવા માટે ગુજરાત સમાચારને વિશેષ સત્તા આપી છે. ગુજરાત સમાચારનાં સૂત્રો પણ કહે છે કે તેમનું કોઈ ટાઈ-અપ નથી. 

સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, બિઝનેસ સ્ટાન્ડર્ડ હાલ આ વિષયમાં તપાસ કરી રહ્યું છે અને ખરાઈ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં