29 સપ્ટેમ્બર, 2008ના રોજ મહારાષ્ટ્રના એક નગર માલેગાંવમાં એક વિસ્ફોટ થયો. બ્લાસ્ટ માલેગાંવમાં (Malegaon Blast) ભીકુ ચોક નજીક એક મસ્જિદ પાસે મોટરસાયકલ પર બાંધેલા વિસ્ફોટક ઉપકરણના કારણે થયો હતો. જેમાં 6 લોકોનાં મોત થયાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. 17 વર્ષ સુધી આ મામલે કેસ ચાલતો રહ્યો. આખરે 31 જુલાઈ, 2025ના રોજ કેસનો ચુકાદો આવ્યો અને મુંબઈની NIAની વિશેષ કોર્ટે તમામ સાત આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા.
આ આરોપીઓમાં બે નામો મુખ્ય છે– સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર, કર્નલ પુરોહિત. 17 વર્ષ સુધી તેમને આરોપી ગણાવાતા રહ્યા, ઇકોસિસ્ટમે તેમનું ચરિત્રહનન કરવાનું ચાલુ રાખ્યું, હિંદુ આતંકવાદની થિયરીઓ ઘડવામાં આવી, પણ આખરે તેઓ દોષમુક્ત થયા. તેમના સિવાય અન્ય પાંચ વ્યક્તિઓને પણ આરોપોમાંથી છૂટા કરવામાં આવ્યા છે. જોકે તેમના વિશે બાકીના બેના પ્રમાણમાં સાર્વજનિક રીતે ઓછી માહિતી ઉપલબ્ધ છે. અહીં તમામ વિશે જાણકારી મેળવીએ.
સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર
પ્રજ્ઞા સિંઘ ઠાકુર ભાજપનાં સાંસદ (2019-2024, ભોપાલ બેઠક) રહી ચૂક્યાં છે. દ્રઢ, ફાયરબ્રાન્ડ હિંદુ નેતા તરીકે ઓળખાય છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જેવાં રાષ્ટ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા રહ્યાં છે. પોતે સાધ્વીનું જીવન જીવે છે. ઘટના બની ત્યારે પણ તેઓ સાધ્વી જ હતાં. કેસમાં તેમનું નામ બહુ ચર્ચાયું અને મુખ્ય આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યાં.
શરૂઆતમાં કેસની તપાસ કરતી મહારાષ્ટ્ર ATSએ દાવો કર્યો હતો કે બ્લાસ્ટમાં વપરાયેલી LML ફ્રીડમ મોટરસાયકલ પ્રજ્ઞા સિંઘ ઠાકુરના નામે નોંધાયેલી હતી. આ ઉપરાંત તેમના પર બ્લાસ્ટનું કથિત કાવતરું રચવા માટેની બેઠકોમાં ભાગ લેવાનો અને આતંકવાદી કૃત્યને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ હતો.
ટ્રાયલ દરમિયાન તેમણે દલીલ કરી હતી કે તેમની સામેનો કેસ ‘રાજકીય ષડયંત્ર’નો ભાગ હતો કારણ કે તે સમયે કોંગ્રેસની સરકાર હતી. તેમણે જણાવ્યું હતું કે મોટરસાયકલ તેમણે 2004માં વેચી દીધી હતી અને તેનો બ્લાસ્ટ સાથે કોઈ સંબંધ નથી. તેમણે ATS પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. આ દરમિયાન એવું પણ કહેવાયું હતું કે ATSએ દબાણ કરીને આરોપીઓ પાસે ગુનાની કબૂલાત કરાવી હતી.
ચુકાદો આપ્યો ત્યારે NIA કોર્ટે જણાવ્યું કે મોટરસાયકલની માલિકી સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી, કારણ કે ચેસીસ નંબર ગાયબ હતો અને ફોરેન્સિક પરીક્ષણો પણ કોઈ ચોક્કસ પરિણામ સુધી પહોંચી શક્ય નહતા. ઉપરાંત, કોલ ડેટા રેકોર્ડ્સ અને સાક્ષીઓની જુબાનીઓ પણ ‘ષડયંત્ર’ સાબિત કરવામાં નિષ્ફળ રહી.
લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત
પુરોહિત ભારતીય સેનાના મિલિટરી ઇન્ટેલિજન્સ ઓફિસર હતા. તેઓ ‘અભિનવ ભારત’ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ATSએ દાવો કર્યો હતો કે પુરોહિતે બ્લાસ્ટ માટે RDX જેવા વિસ્ફોટકોની વ્યવસ્થા કરી હતી અને ષડયંત્રની બેઠકોનું આયોજન કર્યું હતું. તેમના પર આરોપ હતો કે તેમણે અન્ય આરોપીઓને તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડી હતી.
જોકે, પુરોહિતે દલીલ કરી હતી કે તેઓ બ્લાસ્ટ દરમિયાન ફરજ પર હતા. તેમણે ATS પર ‘ખોટા પુરાવા’ ઉભા કરવાનો આરોપ લગાવ્યો અને જણાવ્યું કે તેમની વિરુદ્ધ આપવામાં આવેલાં નિવેદનો ‘બનાવટી અને વિરોધાભાસી’ હતાં. તેમણે તપાસમાં અમુક ગેરરીતિઓ થયાનો પણ આરોપ લગાવ્યો હતો.
કોર્ટે પુરોહિતને નિર્દોષ જાહેર કરતાં જણાવ્યું કે ષડયંત્રની બેઠકો અને વિસ્ફોટકોની વ્યવસ્થામાં પુરોહિતનો હાથ હતો એ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. 34 સાક્ષીઓએ વિરોધાભાસી નિવેદનો આપ્યાં અને કોલ ઇન્ટરસેપ્શન માટેની પરવાનગીઓ પણ ખામીયુક્ત હતી, જેના કારણે UAPA લાગુ કરી શકાયો નહીં અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય
ઉપાધ્યાય ભારતીય સેનાના નિવૃત્ત મેજર છે. તેઓ પણ અભિનવ ભારત સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ATSએ દાવો કર્યો હતો કે ઉપાધ્યાયે ષડયંત્રની બેઠકોમાં ભાગ લીધો હતો અને બ્લાસ્ટની યોજના બનાવવામાં મદદ કરી હતી. જોકે, ઉપાધ્યાયે જણાવ્યું કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. તેમણે પણ ATS પર શારીરિક શોષણ અને ખોટા આરોપો લગાવવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે એમ પણ કહ્યું કે તેમણે 2002થી કુરાન સહિત વિવિધ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો, જેને ATSએ ખોટી રીતે ‘કટ્ટરપંથ’ સાથે જોડ્યું હતું. તેમણે નવ વર્ષ જેલમાં વીતાવ્યાં, જે દરમિયાન તેમનું નાણાકીય અને સામાજિક જીવન બરબાદ થઈ ગયું. કોર્ટે જણાવ્યું કે ષડયંત્રની બેઠકોમાં ઉપાધ્યાયની હાજરી સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. સાક્ષીઓએ વિરોધાભાસી નિવેદનો આપ્યાં હતાં અને ફોરેન્સિક પુરાવાઓ અનિર્ણાયક હતા.
સુધાકર દ્વિવેદી ઉર્ફે દયાનંદ પાંડે)
દ્વિવેદી ધાર્મિક નેતા હતા અને અભિનવ ભારત સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ATSએ દાવો કર્યો હતો કે દ્વિવેદીએ ષડયંત્ર માટે વૈચારિક માર્ગદર્શન આપ્યું હતું અને આરોપીઓ વચ્ચે સંકલન કર્યું હતું. તેમના પર બેઠકોનું આયોજન કરવાનો આરોપ હતો.
દ્વિવેદીએ દલીલ કરી હતી કે તેમની સામેના આરોપો બનાવટી છે અને ATSએ તેમને ખોટી રીતે ફસાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમના નિવેદનો ATSના દબાણ હેઠળ લેવાયાં હતાં. કોર્ટે જણાવ્યું કે દ્વિવેદીની ષડયંત્રમાં સંડોવણી સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. સાક્ષીઓનાં નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓ અપૂરતા હતાં, જેના કારણે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
અજય રાહિરકર
રાહિરકર અભિનવ ભારતના ખજાનચી તરીકે કામ કરતા હતા. ATSએ દાવો કર્યો હતો કે રાહિરકરે બ્લાસ્ટના ષડયંત્ર માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી અને બેઠકોમાં ભાગ લીધો હતો. જોકે રાહિરકરે દલીલ કરી હતી કે તેમની સામેના આરોપો ખોટા છે અને તેમની વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી.
ઉપરાંત તેમણે ATS પર ગેરકાયદેસર અટકાયત અને દબાણ ઉભું કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે કોર્ટે નિર્ણય આપ્યો કે નાણાકીય વ્યવહારો અથવા ષડયંત્રમાં રાહિરકરની સંડોવણી સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.
સુધાકર ચતુર્વેદી
ચતુર્વેદી પુરોહિતની નજીકના સહયોગી તરીકે ઓળખાતા હતા અને અભિનવ ભારત સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ATSએ દાવો કર્યો હતો કે ચતુર્વેદીએ વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો અને ષડયંત્રની બેઠકોમાં ભાગ લીધો હતો. જોકે, NIAએ જણાવ્યું હતું કે તેમની કબૂલાત ATSના શોષણ અને દબાણનું પરિણામ હતી.
ચતુર્વેદીએ દલીલ કરી હતી કે તેમની કબૂલાત દબાણ હેઠળ લેવામાં આવી હતી અને તેમની સામેના પુરાવા બનાવટી છે. કોર્ટે નિર્ણય આપ્યો કે ચતુર્વેદીની કબૂલાત અદાલતમાં ગ્રાહ્ય નથી અને ષડયંત્રમાં તેમની સંડોવણી સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.
સમીર કુલકર્ણી
કુલકર્ણી અભિનવ ભારતના સભ્ય તરીકે ઓળખાતા હતા. ATSએ દાવો કર્યો હતો કે કુલકર્ણીએ ષડયંત્રની બેઠકોમાં ભાગ લીધો હતો અને બ્લાસ્ટની યોજનામાં સહયોગ આપ્યો હતો. જોકે, કુલકર્ણીએ જણાવ્યું કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને ATSએ તેમની સામે બનાવટી પુરાવા રજૂ કર્યા હતા. આ મામલે કોર્ટે નિર્ણય આપ્યો કે ષડયંત્રની બેઠકોમાં કુલકર્ણીની હાજરી સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી, અને સાક્ષીઓના નિવેદનો વિરોધાભાસી હતા.
સાતેય આરોપીઓ પર અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટની (UAPA) કલમ 16 (આતંકવાદી કૃત્ય) અને 18 (આતંકવાદી ષડયંત્ર), ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 120(b) (ગુનાહિત ષડયંત્ર), 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 324 (ઈજા પહોંચાડવી) અને 153(a) (ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મની ફેલાવવી) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા, જે અંતે સાબિત થઈ શક્યા નહીં.
શરૂઆતમાં કેસની તપાસ મહારાષ્ટ્ર ATSએ કરી હતી, પરંતુ NIAએ 2011માં તપાસ હાથમાં લીધા બાદ ATSની તપાસમાં ‘ખામીઓ’ હોવાનું સામે આવ્યું હતું. NIAએ MCOCA (Maharashtra Control of Organised Crime Act) હેઠળના આરોપો રદ કર્યા હતા, કારણ કે આરોપીઓ પર દબાણ ઉભું કરીને કબૂલાત કરાવડાવી હોવાનું માનવામાં આવ્યું હતું.
કોર્ટનો નિર્ણય
વિશેષ NIA કોર્ટના ન્યાયાધીશ એ.કે. લાહોટીએ જણાવ્યું કે પ્રોસિક્યુશન બ્લાસ્ટ સાબિત કરવામાં સફળ રહ્યું, પરંતુ તે એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું કે બૉમ્બ મોટરસાયકલ પર લગાવવામાં આવ્યો હતો. ષડયંત્રની બેઠકો, કોલ ઇન્ટરસેપ્શન, અને વિસ્ફોટકોની વ્યવસ્થા સાબિત કરવા માટે પૂરતા પુરાવા ન હતા. 323માંથી 34 સાક્ષીઓએ વિરોધાભાસી નિવેદનો આપ્યાં અને UAPA લાગુ કરવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાઓ ખામીયુક્ત હતા.
કેસ ભારતના બહુચર્ચિત કેસ પૈકીનો એક રહ્યો છે અને ટ્રાયલ પણ લગભગ 17 વર્ષ સુધી ચાલી. તમામ સાત આરોપીઓએ ઘણાં વર્ષો જેલમાં વીતાવવાં પડ્યાં હતાં. જોકે પછીથી તમામને જામીન મળી ગયા હતા. કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે તમામ પહેલેથી જામીન પર બહાર હતા.


