વડોદરાના (Vadodara) નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા (Tapan Parmar Murder Case) મામલે વડોદરા પોલીસને (Vadodara Police) વધુ એક સફળતા હાથ લાગી છે. પોલીસે આરોપીઓ પૈકીના આસિફખાન પઠાણની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ ધરપકડનો આંકડો 10એ પહોંચી ગયો છે. હાલ પોલીસ તીવ્ર ઝડપે આ કેસમાં કાર્યવાહી કરતી નજરે પડી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી આસિફખાન કરીમખાન પઠાણ વડોદરાના નવાબવાડા ખાતે આવેલા શબનમ ચેમ્બર્સ સામે રહેતો હતો. તે આ આખા હત્યાકાંડમાં સામેલ હતો. તપનની હત્યા બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જયારે આસિફખાન કરીમખાન પઠાણ ભાગતો ફરતો હતો. દરમિયાન પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તેને ઝડપીને જેલના સળિયા ગણતો કરી દીધો છે.
શું હતો ઘટનાક્રમ?
નોંધનીય છે કે ગત 17 નવેમ્બર 2024ના રોજ નાગરવાડાના વિક્કી પરમાર નામના હિંદુ યુવક પર કુખ્યાત બાબર પઠાણે ચાકુથી હુમલો કરી દીધો હતો. આ હુમલા બાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ હુમલાની જાણ થતા તેનો મિત્ર તપન પરમાર અન્ય મિત્રો સાથે તેની ખબર પૂછવા હોસ્પિટલ ગયો હતો. આ દરમિયાન મોડી રાત્રે એક વાગ્યે બાબર પઠાણ ત્યાં આવી ચઢ્યો હતો અને પોલીસની હાજરીમાં જ તપનને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા.
વડોદરામાં તપન હત્યાકાંડમાં વધુ એકની ધરપકડ | Tapan Murder Case | Vadodara | Police | Gujarat #tapanmurdercase #vadodara #police #gujarat #sandeshnews pic.twitter.com/HrYIW2GcmQ
— Sandesh (@sandeshnews) November 29, 2024
આ હત્યાકાંડમાં બાબર પઠાણ સહિત તેના ત્રણ ભાઈ સલમાન પઠાણ, મહેબુબ પઠાણ અને અમઝદખાન પઠાણ સહિત અન્ય 5 આરોપીઓની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે. ધરપકડ બાદ તમામ 9 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસે દસમાં આરોપી આસિફખાન પઠાણની ધરપકડ કરી લેતા તપાસમાં ઝડપ આવી છે.
થઇ ચૂકી છે બુલડોઝર એક્શન સહિતની કાર્યવાહી
પોલીસે જણાવ્યા અનુસાર બાબરના બંને ભાઈઓ સામે ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાયા છે એટલે રીઢા ગુનેગાર છે. ઘટના સમયે સ્થળ પર હાજર કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 17 પોલીસ અધિકારીઓને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાકને સસ્પેન્ડ તો કેટલાકની બદલી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે તપન પરમારની હત્યા બાદ 19-20 નવેમ્બરે સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. 5 જેસીબી મશીન 9 ટ્રક તથા પશુ પકડવા માટે ટ્રેક્ટર અને કુમક લઈ પહોંચેલા અધિકારીઓએ ભૂતડીઝાંપા, નાગરવાડા, મચ્છીપીઠ, સલાટવાડાથી બહુચરાજી સ્મશાન રોડ સુધીનાં દબાણો હટાવ્યાં હતાં. ટીમે 21 શેડ, 9 ઓટલા, 6 ટુ વ્હીલર, 1 ફોર વ્હીલર હટાવવા સાથે 9 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.