કલકત્તા હાઇકોર્ટે (Calcutta High Court) પશ્ચિમ બંગાળ સરકારને (West Bengal Government) એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે, બોલ્લા કાલી મંદિર (Bolla Kali Mandir) પૂજાના અવસર પર મંદિર સમિતિ પ્રાણીઓના સામૂહિક બલિને (Mass Animal Sacrifice) પ્રોત્સાહિત ન કરે. રિફોર્મ્સ સોશિયલ વેલફેર ફાઉન્ડેશને કાલી મંદિરમાં પશુ બલિની ઘટનાઓ પર પ્રતિબંધની માંગ કરતી અરજી કરી હતી, જે મામલે સુનાવણી કરતાં હાઇકોર્ટે આ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ધાર્મિક ઉદ્દેશ્યો માટે પશુઓની અપાતી બલિની વૈદ્યતા પર બાદમાં વિચાર કરવામાં આવશે. જોકે, આ પહેલાં હાઇકોર્ટની કોઓર્ડિનેશન બેન્ચે બલિ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.
નોંધનીય છે કે, આ મામલે મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમ અને જસ્ટિસ હિરણ્યમય ભટ્ટાચાર્યની ડિવિઝન બેન્ચે સુનાવણી કરી હતી. ત્યારે આ મામલે કોર્ટે કહ્યું હતું કે, પૂજાના એક દિવસ પહેલાં આ અરજી પણ સુનાવણી થઈ રહી છે, તેથી પશુઓની બલિ પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ ન આપી શકાય, પરંતુ પૂજા સમિતિ પ્રાણીઓની સામૂહિક બલિને પ્રોત્સાહન ન આપે અને શ્રદ્ધાળુઓને પણ પ્રોત્સાહન આપતાં અટકાવે તેવું કરી શકાય.
કોર્ટે કહ્યું હતું કે, 22 નવેમ્બર 2024થી ઉત્સવ શરૂ થયો હોવાથી પૂજા સમિતિને નિર્દેશ આપવામાં આવે છે કે, 6 નવેમ્બર 2024ના રોજ બાલુરઘાટના સબ ડિવિઝનલ ઓફિસર દ્વારા યોજાયેલી બેઠકમાં નક્કી થયેલ નિયમોનું કડકાઈ પૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. ઉપરાંત તે પણ સુનિશ્ચિત કરવામાં આવે કે, સામૂહિક બલિ ન અપાય અને જો બલિ આપવામાં આવે તો એ જ વિસ્તારમાં આપવામાં આવે જેને બલિ આપવા માટે લાયસન્સ આપવામાં આવેલું હોય.
ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર એ પણ ખાતરી કરશે કે પૂજા સમિતિ સામૂહિક બલિને પ્રોત્સાહિત કરશે નહીં અને લોકોને સામૂહિક બલિથી દૂર રહેવા માટે પણ સમજાવશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ધાર્મિક ઉદ્દેશ્યો માટે અપાતી પશુઓની બલિ પર પછીથી વિચાર કરવામાં આવશે. જોકે, કોર્ટે એવું પણ કહ્યું હતું કે, જો પૂજા સમિતિ આપવામાં આવેલ આદેશની કોઈ પણ શરતોનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે આ અગાઉ એક મહિના પહેલાં થયેલી સુનાવણીમાં કલકત્તા હાઇકોર્ટે 10,000 પશુઓની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવા અંગે ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, ભારતનો પૂર્વ વિસ્તાર સંપૂર્ણ શાકાહારી બની શકે નહીં. ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પૂર્વ ભારતની ધાર્મિક પ્રથાઓ ઉત્તર ભારત કરતા ઘણી અલગ છે. તેથી તે પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. ઘણા સમુદાયો માટે આ ‘આવશ્યક ધાર્મિક પ્રથાઓ’ પણ હોય શકે છે.
નોંધનીય છે કે, બોલ્લા ગામ બાલુરઘાટ શહેરથી 20 કિમી દૂર બાલુરઘાટ-માલદા હાઈવે પર આવેલું છે. આ ગામમાં એક ઐતિહાસિક મંદિર છે, જ્યાં ભક્તો કાલી દેવીની પૂજા કરે છે. મુખ્ય કાલી પૂજા રાસ પૂર્ણિમા પછીના શુક્રવારે થાય છે. દક્ષિણ દિનાજપુર જિલ્લાના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પૂજા દરમિયાન મંદિરમાં ભેગા થાય છે અને પ્રાર્થના કરે છે. આ દરમિયાન ત્રણ દિવસીય મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.