હિંદુ સંસ્થા ઈસ્કોનને (ISKCON) પ્રતિબંધિત કરવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજી બાંગ્લાદેશની હાઈકોર્ટે (Bangladesh High Court) ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના એક વકીલની અરજી પર કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો, જે રજૂ કરવામાં આવ્યા બાદ કોર્ટે હાલના તબક્કે કોઈ હસ્તક્ષેપ ન કરવાનું કહીને અરજી ફગાવી દીધી છે. યુનુસ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે પહેલેથી જ સંસ્થા સામે અનેક કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેથી હાલ કોર્ટ તરફથી આ અંગે બીજા કોઈ આદેશની જરૂર નથી.
બાંગ્લાદેશમાં સક્રિય ઈસ્કોનના એક અગ્રણી સંત ચિન્મય કૃષ્ણદાસની તાજેતરમાં પોલીસે ધરપકડ કરી લીધી હતી. જે કાર્યવાહીના વિરોધમાં ઢાકા અને અન્ય અમુક શહેરોમાં હિંદુઓએ મોટાપાયે પ્રદર્શનો કર્યાં હતાં, જેમાં પછીથી ઇસ્લામી કટ્ટરપંથીઓ પણ સામે આવી જતાં હિંસા થઈ હતી. આ હિંસાના અહેવાલોને ટાંકીને સુપ્રીમ કોર્ટના એક વકીલ મોહમ્મદ મુનીરુદ્દીને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ અરજી પર બાંગ્લાદેશ હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
જવાબમાં યુનુસ સરકારના એડિશનલ એટર્ની જનરલોએ કોર્ટને જણાવ્યું હતું કે, ઈસ્કોનની પ્રવૃત્તિઓ અને વકીલ સૈફુલ ઇસ્લામની હત્યા મામલે ત્રણ કેસ દાખલ કરવામાં આવી ચૂક્યા છે અને આ મામલે 33 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. નોંધવું જોઈએ કે સૈફુલની હત્યામાં કોઈ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઈસ્કોન સંસ્થા પહેલેથી જ ઇનકાર કરી ચૂકી છે.
કોર્ટે પછીથી ટિપ્પણી કરતાં કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તેમજ દેશના નાગરિકો અને સંપત્તિની સુરક્ષા માટે સરકાર યોગ્ય પગલાં લઈ રહી હશે. આમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી.
બાંગ્લાદેશ મામલે PM મોદી અને એસ. જયશંકરની બેઠક
બીજી તરફ, બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને દિલ્હીમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. ગુરુવારે (28 નવેમ્બર) વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ જાણકારી આપી હતી. પીએમને હિંદુઓની સ્થિતિથી લઈને અન્ય ઘટનાક્રમ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.
હાલ સંસદનું સત્ર પણ ચાલી રહ્યું છે. જેને જોતાં આગામી સમયમાં સરકાર બાંગ્લાદેશની સ્થિતિને લઈને સંસદમાં વિસ્તૃત નિવેદન આપી શકે તેવું પણ અહેવાલો જણાવી રહ્યા છે.