દેશમાં યુવતીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાની ચર્ચા થઈ રહી છે. તેવામાં હૈદરાબાદમાં (Hyderabad) એક અલગ જ કારસ્તાન ચાલી રહ્યું છે. ન્યૂઝ ચેનલ આજતકે (Aaj Tak) પોતાના એક ગ્રાઉન્ડ રિપોર્ટમાં (Ground Report) ‘શેખ નિકાહ’ની (Shaikh Nikah/Marriage) પીડિત મહિલા સાથે વાત કરી છે. હૈદરાબાદની તે મહિલાએ મીડિયા સામે પોતાની હૈયાવરાળ પણ ઠાલવી છે. હૈદરાબાદના કેટલાક મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં શેખ મેરેજ થઈ રહ્યા છે. ખાડી દેશોના શેખ હૈદરાબાદ આવે છે અને ટૂંકાગાળાના નિકાહ કરીને સગીર બાળકીઓને પીંખે છે. આ આખા કારસ્તાનમાં પીડિત બાળકીઓના અમ્મી-અબ્બા પણ પૈસાની લાલચે પોતાની બાળકીની જિંદગી ‘જહન્નુમ’ બનાવતા સહેજ પણ ખચકાતાં નથી.
આજતકે ગ્રાઉન્ડ રિપોર્ટમાં પીડિત બાળકી (જે હવે મહિલા બની ગઈ છે) અને આ કારસ્તાન કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર એજન્ટ સાથે પણ વાત કરી હતી. એજન્ટે કહ્યું હતું કે, શેખ મેરેજમાં કોઈ વસ્તુ ખોટી નથી. તેના કારણે ગરીબ બાળકીઓના પરિવારને પણ આર્થિક રીતે સહાય મળી જાય છે. એજન્ટે દાવો કર્યો છે કે, હાલ પણ તે કોઈપણ બાળકીના વાલીઓને ફોન કરશે તો 1 કલાકની અંદર બાળકીઓ તેમના પાસે હશે. તેણે કહ્યું છે કે, 100થી વધુ બાળકીઓ આજે પણ તેના હાથમાં જ છે.
પીરિયડ્સ શરૂ થયા અને થઈ ગયા નિકાહ
આજતકે પોતાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં હૈદરાબાદની શબાના નામની મહિલા સાથેની પોતાની વાતચીત વર્ણવી છે. શબાનાએ મીડિયાને જણાવ્યું હતું કે, પીરિયડ્સ શરૂ થયા તેને માત્ર 6 મહિના વિત્યા હતા અને તે અરસામાં જ તેના મામૂ કોઈ શેખને લઈને ઘરે આવ્યા હતા. શબાનાએ કહ્યું કે, “હું સ્કૂલેથી ઘરે આવી જ હતી. શેખ અંક્લે મને ખોળામાં બેસાડી દીધી હતી. ત્યારબાદ તેઓ રોજ ઘરે આવતા હતા. હું રાત્રે સૂતી તો તેઓ મને જોયા કરતા. તેઓ જતી વખતે મને ઈનામ પણ આપતા હતા. થોડા દિવસો બાદ તેમની સાથે મારા નિકાહ કરી દેવામાં આવ્યા હતા.”
શબાનાએ જણાવ્યું કે, લાંબી કારમાં તેને વિદાય આપવામાં આવી હતી, ઉપરાંત તેની ફુફૂ પણ તેની સાથે હતી. તેણે વધુમાં જણાવ્યું કે, “કાર સીધી હોટેલ જઈને ઊભી રહી હતી. હું ખૂબ નાની હતી. અને તે દિવસે ઈદ વિના જ તેને નવા કપડાં-ઘરેણાં વગેરે આપવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં અમે એક રૂમમાં હતા. બાજુની નાની રૂમમાં ફુફૂ હતા. હું મોટા રૂમમાં શેખ અંકલ સાથે હતી. થોડી વાર પછી શેખ અંકલ મારા શરીરને સ્પર્શવા લાગ્યા હતા અને હું પડી રહી હતી. સ્પર્શ વધતો ગયો તો હું ડરી ગઈ અને આંખો ખોલીને બહાર જઈને ફુફૂના રૂમમાં રડવા લાગી. ફુફૂ મને વારંવાર રૂમમાં મોકલતા હતા અને હું ભાગી આવતી હતી.”
તેણે વધુમાં જણાવ્યું છે કે, સવાર થતાં-થતાં તો શેખ તેના પર ગુસ્સે થઈ ગયો હતો અને તેના અમ્મી-અબ્બાને ફોન કરીને ઘટના વિશે જણાવી રહ્યો હતો. થોડી જ વારમાં બાળકીના અમ્મી-અબ્બા ત્યાં આવી પહોંચ્યા હતા અને બાળકી પર ગુસ્સો કરવા લાગ્યા હતા. તેની અમ્મીએ તેને કહ્યું હતું કે, “વો શૌહર હૈ તુમ્હારે, છુએં તો રોકો મત. જો કરે, સહ લો.”
15 દિવસ સુધી સહ્યો બળાત્કાર..
શબાનાએ જણાવ્યું કે, હોટેલના રૂમમાં જ તેઓ 15 દિવસ સુધી રહ્યા હતા. ખાવા-પીવાથી લઈને તમામ વસ્તુઓ હોટેલના રૂમમાં આવી જતી હતી. તેણે કહ્યું કે, દિવસ-રાત બળાત્કાર સહીને તેને ભારે તાવ આવી ગયો હતો અને શેખ તેને લઈને હોસ્પિટલ ગયો હતો. શેખે ડૉક્ટર સાથે વાત કરીને બાળકીને ઘરે મૂકી દીધી હતી. જે બાદ પીડિતાએ જણાવ્યું હતું કે, તેના અબ્બુ અને ભાઈ હોટેલના તે રૂમમાં પણ ગયા હતા, પરંતુ ત્યાં શેખ નહોતો. તેનું કોઈ સરનામું પણ તે લોકો પાસે નહોતું. આ ઘટના બાદ બાળકીના મામૂને પૂછવામાં આવ્યું તો તેણે પણ હાથ ઊંચા કરી દીધા હતા.
ત્યારબાદ શબાનાએ કહ્યું કે, થોડા જ દિવસોમાં તે ફરીથી સ્કૂલે જવા લાગી હતી. પરંતુ, તેના કેટલાક દિવસો બાદ તેને ઊલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી અને ઘણા સમય બાદ પરિવારને જાણ થઈ કે, તેની બાળકી ગર્ભવતી છે. પીડિતાએ કહ્યું કે, “હોસ્પિટલમાંથી આવ્યા બાદ મને એક રૂમમાં બંધ કરી દીધી હતી. ડૉક્ટરોએ ગર્ભપાત કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી.” ઉપરાંત તેણે વધુમાં જણાવ્યું કે, “મેં એક બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ મને જ દૂધ નહોતું આવતું. તેને સ્પર્શ કરવાની પણ ઈચ્છા નહોતી થતી.”
પીડિતાએ જણાવ્યું કે, મઝહબી માનસિકતાના કારણે તેના અબ્બાએ ક્યારેય પણ તેના નિકાહ નહોતા કરાવ્યા. આજે પણ તે પીડિતા પોતાની બાળકી સાથે હૈદરાબાદની ગલીઓમાં રહે છે અને આજે પણ અનેક મુસ્લિમ બાળકીઓ સાથે થતાં આવા અત્યાચાર જુએ છે.