હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Haryana Legislative Election Result) આવ્યા બાદ કોંગ્રેસની (Congress) હાલત કફોડી બની હોય એમ લાગી રહ્યું છે અને લાગે પણ કેમ નહીં? કોંગ્રેસે ચૂંટણીમાં જીત મેળવવા ધરતી-આસમાન એક કરી દીધું હતું. ચૂંટણી પ્રચારમાં મકાન લેવાના ફોર્મ ભરવાથી લઈને ઓલિમ્પિક ગેમ્સ સુધીની બાબતો ઉછાળીને જીતવા માટે પ્રયાસો થયા હતા. રાહુલ ગાંધી હિમાચલની જેમ હરિયાણામાં પણ તેમના ખટાખટ મોડેલનું પ્રદર્શન કરવા તૈયાર બેઠેલા હતા.
પરંતુ, પરિણામ આવ્યા બાદ જાણે મૃત શરીરમાંથી પ્રાણપંખેરુ ઊડી ગયું હતું તેમ કોંગ્રેસીઓના મન-મસ્તિષ્કમાંથી હરિયાણા બાનમાં લેવાની આશા ગત બે વખતની જેમ આ વખતે પણ પરી પરવારી. ખેર, એ બધી બાબતો તો રાજકારણમાં થયા કરે. પરંતુ હરિયાણાને દેખાડવામાં આવેલા દિવાસ્વપ્નનું શું? રાહુલ ગાંધીથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હરિયાણાને અનેક વાયદા કર્યા હતા અને હા તે વાયદાઓને આપણે ત્યાં લોકબોલીમાં ‘રેવડી’ કહે છે. તે રેવડી તો જાણે હરિયાણાવાસીઓએ સૂંઘી પણ નહીં.
જોકે, પરિણામ ન આવ્યું ત્યાં સુધી કોંગી સહિતનાઓને એવું જ હતું કે કોંગ્રેસનું ખટાખટ મોડેલ હરિયાણામાં પણ તેનો જાદુ પાથરી દેશે અને કોંગ્રેસ ઐતિહાસિક વિજયપથ પર આગળ વધશે. કોંગ્રેસને પોતાની જાત પર એટલો બધો વિશ્વાસ હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન મોટા ઉપાડે મોદી સરકાર વિરુદ્ધ બનાવેલ INDI ગઠબંધન તોડીને સ્વતંત્ર ચૂંટણી લડવા તૈયાર ગઈ હતી.
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા ભાજપ સરકારના વિરોધમાં ‘હરિયાણા માંગે હિસાબ’ કરીને કેમ્પૈન ચલાવ્યું, પણ પરિણામ આવ્યું ત્યારે ‘હરિયાણા હિસાબ’ નહોતું માંગી રહ્યું, હરિયાણાના કોંગ્રેસ કાર્યાલય પર સવારથી લાવીને ખડકી દીધેલાં ઢોલીઓ અને ફટાકડાવાળાઓ ચોક્કસ ‘હિસાબ’ માંગી રહ્યા હતા. તે સિવાય કોંગ્રેસે ‘જનતા કા મેનીફેસ્ટો’ કરીને ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. હવે એ જ ઢંઢેરો સંગ્રહિત કરીને પાંચ વર્ષ પછી બતાવવા માટે કામ પણ લાગશે. ઉપરાંત કોંગ્રેસે હરિયાણાની પ્રજાને મકાન આપવાના વાયદા કર્યા હતા, ઘરે ઘરે પ્રચાર કરવા તમામ 90 સીટ માટે સંયોજકો બનાવ્યા હતા. જન મતને પોતાના પક્ષે લેવા ખેડૂત આંદોલનથી લઈને અગ્નિવીર અને પહેલવાનોને પણ પોતાના પક્ષે લીધા હતા.. પણ આખરે મળ્યું શું?
વિનેશની હારને રાજકીય રંગ આપવાનો પ્રયાસ
ઓલિમ્પિક્સ ગેમ્સમાં વિનેશ ફોગાટ ગેરલાયક ઠરી એ મુદ્દાને રાજકીય રંગ આપીને હરિયાણાના લોકોને પોતાની તરફ કરવાના પ્રયાસો કર્યા અને તે પ્રયાસો ત્યાં સુધી થયા કે, એક સમયે એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે વિનેશના ગેરલાયક ઠરવામાં મોદી સરકારનો હાથ હતો! વિનેશને ઓલિમ્પિકમાં મોકલવા માટે મોદી સરકારને નહીં પરંતુ પ્રિયંકા ગાંધીને શ્રેય આપવાનો પ્રયત્ન થયો! જોકે વિચારવા જેવી બાબત એ છે કે પ્રિયંકા ગાંધી પાસે એવી કઈ સત્તા છે જેનાથી તેમણે વિનેશને ઓલિમ્પિક્સમાં મોકલી હતી? પરંતુ વિચારવાનું તો કોંગ્રેસીઓના ‘એજન્ડા’માં આવતું જ નથી.
એક તરફ વિનેશના મોદીવિરોધી નિવેદનો સામે આવતા ગયા ને બીજી તરફ મોદી સરકારે વિનેશને મેડલ અપાવવા હરિશ સાલ્વે જેવા વરિષ્ઠ વકીલને અપોઇન્ટ કર્યા. આ તો થઈ વિનેશની વાત. આ સિવાય પણ અગ્નિવીર યોજનાને ખોટી રીતે પ્રદર્શિત કરવાથી લઈને લોકોને તેના વિરોધમાં ભડકાવવા સુધીના પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા.
હદ તો ત્યારે થઇ જયારે કોંગ્રેસી પ્રવક્તાએ એક ડિબેટ દરમિયાન એમ કહી દીધું કે, જો કોંગ્રેસ સત્તા પર આવી તો અગ્નિવીર યોજનાની સામે તાત્કાલિક 2 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે. હવે પ્રશ્નો એવા થઈ રહ્યા છે કે, રાહુલ ગાંધી જલેબીની ફેકટરીઓ બનાવીને 2 લાખ લોકોને તાત્કાલિક રોજગારી આપવાના હતા કે શું?
કોંગ્રેસ સાંસદ કુમારી સૈલજાએ તો તાજેતરમાં એવું નિવેદન જ આપી દીધું હતું કે, જયારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે ત્યારે તે અગ્નિવીર યોજનાને સમાપ્ત કરશે. ચલો ઉઘાડી આંખે સપના સેવતી કોંગ્રેસ માટે કોઈપણ વસ્તુ અશક્ય નથી. હવે જો પ્રિયંકા ગાંધી કોઈપણ સત્તા વગર વિનેશને ઓલિમ્પિકમાં મોકલી શકે તો રાહુલ ગાંધી જેવા દિગ્ગજ કોઈપણ સત્તા વગર અગ્નિવીર યોજના બંધ ન કરી શકે?
‘માહોલ ભાજપ વિરોધી છે…’
તે સિવાય કુમારી સૈલજાએ કહ્યું હતું કે, રાજ્યમાં માહોલ ભાજપ વિરોધી છે અને આવશે તો કોંગ્રેસ જ. જોકે, તેમનું આ નિવેદન કેટલી હદે સાચું પડ્યું એતો પરિણામથી જગજાહેર થઈ ગયું છે. ભાજપે હરિયાણામાં જીત મેળવીને માહોલ કેટલી હદે ભાજપવિરોધી હતો એ સાબિત કરી બતાવ્યું અને વેંત ઉપર ચાલતી કોંગ્રેસને વાસ્તવિકતા પણ બતાવી દીધી.
આ ઉપરાંત જીત મેળવવા માટે ખેડૂતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગત મહિને પહેલવાન બજરંગ પુનિયાને કોંગ્રેસની ખેડૂત પાંખ ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસના ચેરમેન બનાવી દેવાયા. જોકે, કોંગ્રેસે ગમે એટલા જુઠ ફેલાવ્યા, ભ્રમણા ફેલાવી, ને લોભામણી જાહેરાતો કરી, પણ જનતાએ કર્યું તો એજ જે હરિયાણા માટે યોગ્ય હતું.
રાહુલ ગાંધી અને કોંગી નેતાઓએ હરિયાણામાં પણ ખટાખટ મોડેલ લાગુ કરવાની મંશા દર્શાવી હતી. એ જ ખટાખટ મોડેલ જેના પગલે હિમાચલ પ્રદેશમાં અભૂતપૂર્વ આર્થિક સંકટ ઊભું કરવામાં આવ્યું છે. સુક્ખુ સરકારની કેબિનેટને 2 મહિના માટે પગાર, TDA, અને DDAનો ત્યાગ પણ કરવો પડ્યો હતો. હવે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જો આ જ ખટાખટ મોડેલ હરિયાણામાં લાગુ થવાનું હતું તો 2 લાખ નોકરીઓ આપીને એમના પગાર કોંગ્રેસ સરકાર આપી શકત?
કદાચ રાહુલ ગાંધીએ એમ વિચાર્યું હશે કે જલેબીની ફેકટરીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપીને 2 લાખ રોજગારી આપી શકાશે. ચલો એટલું તો સારું થયું કે હરિયાણાની જનતાએ જલેબીની ચાસણીમાં ભરપુર માત્રામાં રહેલ મીઠાશને ઓળખી ને ખટાખટ મોડેલ લાગુ થતા પહેલા જ કોંગ્રેસની જલેબીને તેની જગ્યા બતાવી દીધી.
જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી કોંગ્રેસ દાવા કરતી હતી કે આવશે તો કોંગ્રેસ જ. એટલે જ તો કોંગ્રેસે AAP સાથે ગઠબંધન કર્યા વિના સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે એવું લાગે છે કે જો કોંગ્રેસને જમીન સ્તરની વાસ્તવિકતા ખબર હોત તો કદાચ આવો નિર્ણય તો ના લેત. છોડો કોંગ્રેસના નેતાઓ અમેરિકામાં ભારત વિરોધી નિવેદનો આપવાથી ઊંચા આવે તો કોંગ્રેસને હરિયાણાના જમીન સ્તરની માહિતી મળે ને.
કોંગ્રેસને દેખાતી હતી તેની જીત…
ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણી યોજાઈ અને તેના પોલ્સ આવવાના શરૂ થયા ત્યારે પણ કોંગ્રેસની જ જીત દેખાઈ રહી હતી. રાજકીય વિશ્લેષકોનો પણ એવો જ દાવો હતો કે, કોંગ્રેસ જ સત્તા પર આવશે. કોંગ્રેસે પણ પરિણામ આવ્યા પહેલાં જ જીત મનાવવાની શરૂઆત કરી દીધી હતી.
ભાજપે પલટી બાજી
જયારે 8 ઑક્ટોબરે પરિણામ આવવાની શરૂઆત થઈ ત્યારે અગાઉના 2 કલાક દરમિયાન તો કોંગ્રેસ આગળ રહી. હા, આ 2 કલાકમાં જ કોંગ્રેસે સાતમા આસમાને પહોંચીને જીતની ‘જશ્ન’ મનાવવાનું શરૂ કરી દીધું હતું. સુપ્રિયાજીના મુખેથી પ્રિય પ્રિય નિવેદનો પણ આવવા લાગ્યા હતા, પણ જેવી ભાજપે બાજી પલટી કે જશ્ન ક્યારે માતમમાં ફેરવાઈ ગઈ અને પ્રિય નિવેદનો કયારે અપ્રિય થઇ ગયા તે ખબર જ ના પડી.
કોંગ્રેસના નેતાઓએ તો મફત મફત મફત…ની સ્કીમ ચલાવીને એમ વિચારી લીધું હતું કે, કોંગ્રેસ જીતી જશે. પણ મત આપતી વખતે કદાચ જનતાને હિમાચલ પ્રદેશ નજર સમક્ષ તરવરી રહ્યું હશે. એક તરફ કોંગ્રેસ હતી એ એવા વાયદાઓ કરવામાં વ્યસ્ત હતી, જે હજી સુધી સમજી શકાયા નથી કે BPL પરિવારોને 100 ગજના પ્લોટ અપાશે ક્યાં? 3.5 લાખના ખર્ચે 2 ઓરડાનું મકાન આપશે કે કેમ? આંતરરાષ્ટ્રી સ્તરે જલેબીની ફેક્ટરીના કામનું શું થશે?
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના યુવાઓ અને જનતા માટે જમીન સ્તર પર લાગુ કરી શકાય એવા વાયદા કર્યા હતા. અમિત શાહે ખાતરી આપી હતી કે, અગ્નિવીરમાંથી જયારે પણ કોઈ વ્યક્તિ ફરજ પરથી પરત આવશે ત્યારે તેને નોકરી આપવામાં આવશે. આ સિવાય હુડ્ડા સરકારની પર્ચી અને ખર્ચીવાળી સરકારની પારદર્શિતા પણ બતાવી હતી.
ચલો આપણે તો કોંગ્રેસની હાર પછી માની લઈએ કે ‘હરિ ઈચ્છા બળવાન’ પણ હવે બિચારા EVM પર કેટલા ઠીકરા ફૂટશે એ તો ભગવાન જ જાણે. જોકે ભાજપના સત્તામાં આવવાના કારણો પણ ઘણા છે, એટલે જ તો હરિયાણામાં જનતાએ ભાજપને બહુમતીથી સરકાર બનાવવાનો ત્રીજી વખત અવસર આપ્યો. ભાજપની જીતના કારણો અને નીતિઓ કોંગ્રેસને પણ દેખાય તો સારું છે નહીંતર બિચારું EVM….