શનિવારે (3 ઓગસ્ટ) કચ્છના ભુજમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે જીગ્નેશ મેવાણીની એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કોંગ્રેસી નેતા હરેશ આહીરે એક દલિત મહિલા IB અધિકારીને અપમાનિત કર્યાં હોવાની ફરિયાદ થતાં તેમની વિરુદ્ધ FIR થઈ છે. આરોપ છે કે આહિરે જાહેરમાં મહિલાને ખુરશીમાંથી પાડીને અટ્ટહાસ્ય કરી જાતિને લઈને અપમાનિત થાય તેવા શબ્દપ્રયોગ કર્યા હતા. આ પ્રકારના વર્તનથી ઈજાગ્રસ્ત અને અપમાનિત દલિત મહિલાએ HS આહીર વિરુદ્ધ ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે BNS અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હવે આ આખા ઘટનાક્રમમાં સમર્થકો દ્વારા કાયમ ‘દલિતોના મસીહા’ ચીતરવામાં આવતા જિજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા તો આપી છે, પણ તેમાં મહિલા પ્રત્યે કોઇ સહાનુભૂતિ જણાય રહી નથી કે ન કોંગ્રેસ નેતાના કૃત્યની ટીકા કરવામાં આવી છે. ઉપરથી મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તોછડાઈભરી ભાષામાં પીડિતા, પોલીસ વિભાગ અને ગુજરાત સરકાર વિરુદ્ધ જ નિવેદનો આપ્યાં છે.
વાસ્તવમાં જે મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું તે IBનાં કર્મચારી છે અને ઘટનાના દિવસે તેઓ સર્કિટ હાઉસની પ્રેસ કૉન્ફરન્સમાં પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં. આમ મેવાણી કાયમ દલિતોના હિતો માટે લડવાની વાતો કરતા રહે છે અને આ પ્રેસ કૉન્ફરન્સમાં પણ આવી જ પિપૂડી વગાડે છે. પણ આ કિસ્સામાં જેવો આરોપ પાર્ટીના નેતા પર લાગ્યો કે તેમના સૂર બદલાઈ ગયા. વધુમાં જાણવા મળ્યું કે મહિલા સરકારી અધિકારી છે એટલે તેમણે વળાંક લઈને મહિલા પર જ સવાલો ઉઠાવ્યા અને પાર્ટી નેતાએ કરેલા વર્તન પર આંખ આડા કાન કરીને એમ પણ કહી દીધું કે આ કેસ તદ્દન ખોટો છે અને ગાંધીનગરના ઇશારે કરવામાં આવ્યો છે.
‘બાપની પેઢી હતી કે મારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયાં?’: જીગ્નેશ મેવાણી
પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં થયેલા દલિત મહિલાના અપમાન પર અફસોસ વ્યક્ત કરવાની વાત દૂર રહી, મેવાણીએ આ મહિલા પર જ પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે આખરે તેમણે ત્યાં આવવાની જરૂર શું હતી? આ પ્રશ્ન ઉઠાવવાની ભાષા પણ તોછડી હતી. જૂની કૉન્ફરન્સની ઘટના પર પ્રતિક્રિયા આપવા તેમણે નવી કોન્ફરન્સ યોજી અને દલિત મહિલા, આઈબી/પોલીસ વિભાગ તેમજ સરકાર વિરુદ્ધ નિવેદનો આપ્યાં.
તેમણે ઘટનાના દિવસને યાદ કરીને તેમણે આઈબીના દલિત મહિલા અધિકારીને ઉલ્લેખીને કહ્યું કે, “આ જે ગુનો દાખલ થયો છે, તે બનાવટી FIR છે. ભુજમાં સર્કિટ હાઉસ ખાતે સવારે જે મારી પત્રકાર પરિષદ યોજાઈ, એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું?” પીડિતા કોન્ફરન્સમાં હાજર હતાં તેને લઈને મેવાણીએ કહ્યું કે, “બાપની પેઢી ચાલે છે, તે મારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયાં? તમે ગમે તે કર્મચારી અધિકારી હો, મારી કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું, તો આઈબીના અધિકારીને બેસીને ડહાપણ કરવાની શું જરૂર? ખુરશી ખસેડવાના પગલે હું દિલગીરી અનુભવતો હતો. હવે મારી દિલગીરી જતી રહી છે. કારણ કે તેમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે તે વાતનો લાભ ઉઠાવી બનાવટી FIR કરી છે.”
પત્રકારોને સંબોધતાં મેવાણી જણાવે છે કે, “દલિતો સાક્ષી છે કે અત્યાચાર, અન્યાયની કોઈ પણ ઘટનામાં એક પણ ટકો હું બાંધછોડ કરતો નથી. હું પોતે સામે ચાલીને ફરિયાદ કરાવડાવું છું. પણ આવી ખોટી ફરિયાદ કરવાના હું વિરુદ્ધમાં છું.” આટલું જ નહીં, મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ અપમાનજનક ભાષામાં વાત કરી. આટલેથી તેમને સંતોષ ન થયો તો તેમણે ગુજરાત પોલીસ પર જ આરોપ લગાવ્યા કે વિભાગ સરકારના ઈશારે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે જે દલિત મહિલાએ કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ કરી છે તે ગાંધીનગરના દોરીસંચારથી કરવામાં આવી છે.”
गुजरात के सुरेन्द्रनगर जिले में Ak-47 से दलितों की छाती पर गोली चलाने वाले, मनुस्मृति के पुजारी और संविधान विरोधी भाजपाइयों तुम्हे कब से दलितों और महिलाओं की चिंता होने लगी?
— Jignesh Mevani (@jigneshmevani80) August 3, 2024
ऊना दलित कांड आप की सरकार में ही हुआ था, याद है ना?
8वी तक पढ़ने वाले गुजरात के स्कॉलर गृह मंत्री जी… https://t.co/aNKxTdYvJv pic.twitter.com/rHjc1RqglD
રાજકીય કે સામાજિક મેળાવડા પર નજર રાખવું એજન્સીનું કામ, આઈબી અધિકારી તેમની ફરજ પર હતા
કદાચ મેવાણી તે ભૂલી ગયા કે જે દલિત મહિલા અધિકારી માટે તે ‘બાપની પેઢી’ અને ‘ઘૂસી ગયાં’ જેવા શબ્દો વાપરી રહ્યા છે, તેઓ તેમની કોન્ફરન્સમાં પિકનિક પર નહોતા આવ્યાં. તેઓ નિયમાનુસાર પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં. મેવાણીને કદાચ ખ્યાલ નહીં હોય કે જ્યારે પણ આ પ્રકારના રાજકીય કે સામાજિક કાર્યક્રમો યોજાય ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાય અને સુરક્ષાના પ્રશ્નો ન ઉદ્ભવે તે માટે આઈબી સહિતની સુરક્ષા એજન્સીઓ તેના પર નજર રાખતી હોય છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી દેશની કોઈ પણ પાર્ટી હોય અથવા કોઈ સામાજિક કાર્યક્રમ હોય ત્યાં આ પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. એવું પણ નથી કે માત્ર વિપક્ષી નેતાઓના કાર્યક્રમો કે અમુક ‘વિશેષ’ નેતાઓ પર નજર રાખવા માટે આમ કરવામાં આવે છે. સામાન્ય રીતે દેશમાં આંતરિક સુરક્ષા માટે કામ કરતી એજન્સી દરેક નાના-મોટા કાર્યક્રમો પર નજર રાખતી જ હોય છે. એટલે જિજ્ઞેશ મેવાણીની પ્રેસ કૉન્ફરન્સના કિસ્સામાં કોઇ વિશેષ કાર્યવાહી થઈ હોય એમ પણ નથી.
શું હતી આખી ઘટના?
વાસ્તવમાં શનિવારે (3 ઓગસ્ટ) કચ્છ જિલ્લાના ભુજમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ ભાગ લીધો હતો. દરમિયાન એક દલિત મહિલા IB અધિકારી પણ તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. કક્ષમાં તેઓ જેવાં તેઓ ખુરશી પર બેસવા ગયાં કે, કોંગ્રેસ નેતા હરેશ શિવજીભાઈ આહીરે તેમની ખુરશી ખેંચી લીધી હતી અને મહિલા અધિકારી નીચે પટકાયાં. આ ઘટના બાદ દલિત મહિલા અધિકારીએ ભુજ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કોંગ્રેસ નેતા HS આહીર (હરેશ શિવજીભાઈ આહીર) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
હરેશ આહીરે ખુરશી ખેંચી લેતાં મહિલા અધિકારી ખરાબ રીતે નીચે પડ્યાં હતાં. આરોપ છે કે ત્યારે હરેશ આહીર અટ્ટહાસ્ય કરીને બોલ્યા હતા કે, ‘તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી.’ હરેશ મહિલા અધિકારીને સારી રીતે જાણતા હતા, તેમને ખબર હતી કે, તેઓ ફરજ પર છે. તેમને એ પણ ખબર હતી કે, તેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે. તેમ છતાં તેમણે અપમાન કરવાના ઇરાદે આવું કર્યું હતું.
પોતાને ‘દલિત એક્ટિવિસ્ટ’ ગણાવતા મેવાણીનું એક્ટિવિઝમ સિલેક્ટીવ કેમ?
તાજી પત્રકાર પરિષદમાં કોંગ્રેસી નેતા મેવાણી પોતાના કામને દેખાડવા માટે ‘એક્ટિવિઝમ’ શબ્દ વાપરતા સાંભળી શકાય છે. તથાકથિત આંદોલનોની ઊપજ એવી તેમની MLAની ખુરશી જોતાં આ એક્ટિવિઝમ શબ્દ યોગ્ય પણ લાગી શકે. પરંતુ અહીં સવાલ તે ઉભો થાય કે જીગ્નેશ મેવાણીનું આ એક્ટિવિઝમ સિલેક્ટીવ કેમ છે? સરકારને ઘેરવા તેમણે રાજકોટની બળાત્કારની ઘટના યાદ અપાવી, પરંતુ હરામ જો તેમના મોઢામાંથી અયોધ્યાની સામૂહિક બળાત્કારની ઘટના પર એક શબ્દ પણ નીકળ્યો હોય. તે ઘટનામાં પણ પીડિત બાળકી દલિત છે, પણ મેવાણીએ સમ ખાવા પૂરતોય તેનો ઉલ્લેખ નથી કર્યો. શું ત્યાં આરોપી તેમની સહયોગી પાર્ટીના નેતાઓના ખોળામાં ખાઈ-પીને મોટો થયો છે એટલે કે સમુદાય વિશેષમાંથી આવે છે એટલે મેવાણી તે વિષય પર બોલવાનું ટાળી રહ્યા છે?
છેક ઉત્તર પ્રદેશ સુધી લાંબુ ન થવું હોય તો ગુજરાતની જ એક એવી ઘટના કે જેમાં અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે મુસ્લિમ યુવકો દ્વારા વાલ્મિકી સમાજના 2 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે મુસ્લિમ સમુદાયથી પ્રતાડિત વાલ્મિકી સમાજે પોતાના બાપદાદાના ગામને છોડીને હિજરત કરવાની પરવાનગી માંગી હતી. ઑપઇન્ડિયા તે સમયે વાલ્મિકી સમાજનો અવાજ બનીને આગળ આવ્યું હતું. પરંતુ ત્યારે પણ આ ‘દલિત આગેવાન’ ચૂપ રહ્યા હતા. શું અહીં દલિત વાલ્મિકી સમાજ મુસ્લિમ સમુદાયથી પીડિત હતો એટલે મેવાણીએ પોતાને ઘટનાથી અળગા રાખ્યા?
અયોધ્યાની સામૂહિક બળાત્કારની દલિત પીડિતા હોય, ભુજની અપમાનિત દલિત મહિલા આઈબી અધિકારી હોય કે પછી માંડલનો મુસ્લિમ પીડિત વાલ્મિકી સમાજ, મેવાણીના વ્હાલા-દવલાની નીતિ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ ત્રણ ઘટનાઓ સિવાય પણ અનેક એવી ઘટનાઓ હશે જ જ્યાં જીગ્નેશ મેવાણીએ ‘સિલેક્ટીવ એક્ટિવિઝમ’ના પગલે મૌન સેવ્યું જ હશે.