અમરેલીમાં એક મુસ્લિમ યુવક એક 22 વર્ષીય હિંદુ યુવતીનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે યુવતીના કાકાએ અમરેલી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપીની ઓળખ ઇમામુદ્દીન મહંમદરફીકઅલી નાગાણી તરીકે થઈ છે. તે અને તેનો એક મિત્ર બાઈક પર આવીને યુવતીને ઉઠાવી લઇ ગયા હોવાની ફરિયાદ થઈ છે.
વધુ વિગતો અનુસાર, આ મામલો અમરેલીના તરવડા ગામનો છે. અહીં એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવતાં કહ્યું કે તેમની 22 વર્ષીય ભત્રીજી ઘરે હતી તે દરમિયાન ઇમામુદ્દીન અને તેનો એક મિત્ર બાઇક લઈને આવ્યા હતા અને તેને લઇ ગયા હતા. તેમણે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને જ્ઞાતિસૂચક અપશબ્દો કહીને ગાળો દઈને યુવતીને લઈને ભાગી છૂટ્યા હતા.
અન્ય એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઇમામુદ્દીન અને તેનો મિત્ર હિંદુ યુવતીને પરાણે પકડીને મોટરસાયકલ પર બેસાડીને લઇ જતા હતા ત્યારે પરિવારની 2 મહિલાઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને ધક્કો મારીને ઈજા પહોંચાડીને ગાળો આપી હતી.
આ મામલે પછીથી યુવતીના કાકાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓ અમરેલીમાં જ એક કચેરીમાં સરકારી નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદ છે કે પછીથી મુસ્લિમ યુવકનો બાપ મહંમદરફીકઅલી ફરિયાદીની કચેરીએ પહોંચી ગયો હતો અને ‘હું છોકરાનો બાપ છું, તારી ભત્રીજીને મારો છોકરો લઇ ગયો છે’ તેમ કહીને જ્ઞાતિસૂચક અપશબ્દો કહીને બેફામ ગાળો દીધી હતી અને પોલીસ ફરિયાદ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પણ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે હાલ આ મામલે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.