ભૂપેન્દ્ર પટેલ સરકારે આગામી 22 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતમાં અડધા દિવસ માટે રજા જાહેર કરી છે. તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં આ આદેશ લાગુ પડશે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે આદેશમાં જણાવ્યું કે, તારીખ 22/01/2024ના રોજ શ્રીરામ મંદિર અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા થનાર છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તારીખ 22 જાન્યુઆરી, 2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે.’ સરકારના જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, આ હુકમો રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકનાં બોર્ડ/કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને પણ લાગુ પડશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે જાહેર કરી છે અડધા દિવસની રજા
આ પહેલાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જે હેઠળ આ દિવસે તમામ કચેરીઓ, સંસ્થાઓ બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કર્મચારીઓ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ભાગ લઇ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે રજા જાહેર કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. એક-બે ભાજપ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આ માટે પત્ર પણ લખ્યો હતો તો સોશિયલ મીડિયા પર પણ માંગ કરવામાં આવતી રહી હતી. આખરે સરકારે તેને ધ્યાને લઈને નિર્ણય લીધો છે.
ગુજરાત પહેલાં દેશનાં છ રાજ્યો 22મીના રોજ રજા જાહેર કરી ચૂક્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, હરિયાણા અને આસામનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં 22મીના રોજ તમામ કચેરીઓ-શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે, તેમજ દારૂનું વેચાણ પણ થશે નહીં. આવો જ આદેશ મધ્ય પ્રદેશ સરકારે પણ આપ્યો છે. ગોવામાં પણ શાળાઓ-કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢમાં શાળા-કોલેજો બંધ રહેશે, જ્યારે હરિયાણામાં પણ આ જ રીતે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખીને દારૂનું વેચાણ પણ કરવામાં નહીં આવે. કેન્દ્ર સરકારના આદેશ બાદ આસામ સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી હતી.
દેશભરમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ એક ઉત્સવની જેમ ઉજવવામાં આવી રહ્યો છે, જે માટે દેશ જ નહીં પરંતુ વિશ્વભરના હિંદુઓમાં અનેરો ઉત્સાહ છે. 500 વર્ષ બાદ પ્રભુ શ્રીરામને નિજમંદિરમાં આવકારવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં કરવામાં આવતાં અનુષ્ઠાન કરવામાં આવી રહ્યાં છે. બુધવારે (16 જાન્યુઆરી, 2024) રામલલાને મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રતિમાને ગર્ભગૃહમાં લઇ જવામાં આવી હતી. તે પહેલાં ગર્ભગૃહમાં પવિત્ર જળનો છંટકાવ કરી આરતી અને પૂજા કરવામાં આવ્યાં હતાં.
22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન રામલલા મંદિરમાં બિરાજમાન થશે. આ યુગના ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા માટે સૌ કોઇ ઉત્સાહિત છે.