નવસારીના ચીખલી તાલુકામાં આવેલા આલીપોર ગામમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ATSએ અટકાયત કરી છે. ઇસમની અટકાયત બાદ તેને વધુ પુછપરછ માટે ATS દ્વારા અમદાવાદ સ્થિત કાર્યાલયમાં લઇ જવામાં આવ્યો છે. શંકાસ્પદ ઇસમની કયા કારણોસર ધરપકડ કરવામાં આવી છે તે જાહેર થયું નથી, પરંતુ કેસમાં ATS કાર્યવાહી કરી રહી હોવાથી આતંકી ગતિવિશી સાથે સંકલનની આશંકા સેવાએ રહી છે.
મળતી માહિતી પ્રમાણે નવસારીના ચીખલી તાલુકામાં આવેલા આલીપોર ગામમાંથી એક શંકાસ્પદ ઇસમની ATSએ અટકાયત કરી છે. ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા ઇસમની અટકાયતની કાર્યવાહી બાદ હવે તેને અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યો છે. જ્યાં તેની વધુ પુછપરછ કરવામાં આવશે. સાથે તેની પાસે રહેલા દસ્તાવેજોની અને તે કોઈ આતંકી ગતિવિધિમાં સંકળાયેલ છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવશે.
હાલ કયા કારણોસર આ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત થઇ છે એ જાણવા મળ્યું નથી. ATS દ્વારા પણ આ મામલે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જ્યાંથી શંકાસ્પદ ઇસમની ધરપકડ કરવામાં આવી તે નવસારી જિલ્લાનું આલીપોર ગામ મુસ્લિમબહુલ છે અને અવારનવાર અગમ્ય કારણોથી સમાચારોમાં આવતું હોય છે. નોંધનીય છે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ (ATS) એક સ્પેશિયલ પોલીસ દળ છે. જે રાજયમાં ત્રાસવાદી, આતંકી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા તત્વોને પકડવા માટે કાર્યરત છે.
ગોધરાથી 6 શંકાસ્પદોની કરી હતી અટકાયત
આ પહેલાં પણ ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરતા ગોધરામાંથી 6 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. ગોધરામાં પાકિસ્તાનના આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હોવાની આશંકાએ 6 શકમંદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટના આધારે એટીએસએ કાર્યવાહી કરી હતી. જેમાં 7 ડિસેમ્બર, 2023ની વહેલી સવારે પંચમહાલ જિલ્લાના ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ATS દ્વારા એક દંપતી અને 4 અન્ય શકમંદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મહિલા પણ સામેલ હતી.
રાજકોટથી ઝડપાયા હતા અલ-કાયદા સાથે સંપર્કિત આતંકીઓ
આ ઉપરાંત રાજકોટના સોની બજાર વિસ્તારમાંથી પણ ATS દ્વારા અલ-કાયદા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં રહીને કામ કરતા હતા. ત્યારે આ આતંકવાદીઓ પાસેથી 1 પિસ્તોલ અને 10 જીવતા કારતુસ મળી આવ્યા હતા. એજન્સીએ કરેલી આતંકવાદીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ હિંદુ તહેવાર જન્માષ્ટમીના દિવસે મોટા હુમલાની ફિરાકમાં હતાં. જેની તત્કાલ કાર્યવાહી કરતા ગુજરાત ATSએ આ કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.