ઈરાન અને ઇઝરાયેલના હુમલામાં અયોતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા બાદ ઈરાને આખરે નવા સુપ્રીમ લીડરની ઘોષણા કરી છે. ખામેનેઈનો મોટો પુત્ર મોજતબા (કે મુજતબા) ખામેનેઈ ઈરાનના નવા અને ત્રીજા સુપ્રીમ લીડર તરીકે કાર્યભાર સંભાળશે. તેની સાથે વિવાદાસ્પદ IRGCના (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર) કમાન્ડર ઇન ચીફ તરીકેની જવાબદારી પણ તેની પાસે હશે.
ઈરાનની સરકારમાં રાષ્ટ્રપતિનું પદ છે અને તેની ચૂંટણી લોકો કરે છે પણ રાષ્ટ્રપતિ કરતાં પણ ઉપર આવે છે સુપ્રીમ લીડર. સુપ્રીમ લીડર દેશની સર્વોચ્ચ સત્તા છે. રાજકીય, સૈન્ય, મજહબી– તમામ બાબતોમાં સુપ્રીમ લીડરના નિર્ણય અંતિમ હોય છે. સેના અને IRGCના કમાન્ડર ઇન ચીફ ઉપરાંત વિદેશ નીતિ અને સુરક્ષા નીતિ પર પણ અંતિમ નિર્ણય સુપ્રીમ લીડરના હોય છે. રાષ્ટ્રપતિ અને સરકાર તેમની સલાહ પર કામ કરે છે અને સુપ્રીમ લીડર પાસે રાષ્ટ્રપતિને હટાવવાની પણ સત્તા હોય છે.
1979ની ઈરાનની ‘ક્રાંતિ’ બાદ નવી શાસનવ્યવસ્થાની સ્થાપના થઈ તેમાં આ સુપ્રીમ લીડરનું પદ રચવામાં આવ્યું હતું. પહેલા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખુમૈની હતા. તેમના નિધન બાદ અયાતુલ્લાહ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા. તેમના મોત બાદ હવે પુત્ર મોજતબા સુપ્રીમ લીડર બન્યો છે. એટલે કે અત્યાર સુધી ઈરાનમાં સુપ્રીમ લીડર કક્ષાએ ટ્રાન્સફર ઑફ પાવર માત્ર એક જ વખત થયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે અયાતુલ્લાહ એક પદ છે, જે શિયા મુસ્લિમોમાં સર્વોચ્ચ મજહબી સત્તા ધરાવતા મૌલવીઓને અપાય છે. મજહબી બાબતોમાં શિયા મુસ્લિમો અયાતુલ્લાહને માને છે. 1979માં ઈરાનના બંધારણમાં જોગવાઈ કરવામાં આવી હતી કે અયાતુલ્લાહોમાં પણ સર્વોચ્ચ સ્તરે રહેલી વ્યક્તિને (મરજ-એ-તકલીદ) જ સુપ્રીમ લીડર નીમવામાં આવે. જે-તે સમયે ખુમૈની પાસે આ પદ હતું એટલે સુપ્રીમ લીડર બનવામાં કોઈ સમસ્યા ન હતી પણ 1989માં જ્યારે બીજા સુપ્રીમ લીડર નીમવાનો સમય આવ્યો ત્યારે આવાં પદ ધરાવતા મૌલવીઓ ઓછા હતા અને જેઓ હતા તેઓ કાં તટસ્થ હતા કાં સરકારના ટીકાકારો હતા. જેથી ખામેનેઈ જેવા રાજકીય રીતે વિશ્વાસુ માણસને સુપ્રીમ લીડર બનાવવા માટે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. ખામેનેઈ પણ પહેલાં સુપ્રીમ લીડર બન્યા પછી અયાતુલ્લાહનું પદ મળ્યું હતું.
આ જ બાબત મોજતબાની નિયુક્તિમાં પણ લાગુ પડી છે. મોજતબા મૌલવી છે પરંતુ અયાતુલ્લાહ નથી. તે હાલ હોજાતુલ ઇસ્લામ છે, જે શિયા મૌલવીઓને અપાતી એક મધ્યમ સ્તરની પદવી છે. એટલે જ ઈરાનમાં અમુક શિયા મુસ્લિમો મોજતબાની નિયુક્તિ સામે વાંધો પણ ઉઠાવી રહ્યા છે. પરંતુ સુપ્રીમ લીડરની નિયુક્તિ માટેની સમિતિ છે તેમણે સર્વાનુમતે નામ પર મહોર મારી હોવાથી કાયદાકીય ગૂંચવણ આડે આવી શકે એમ નથી અને 1989ના સુધારાના કારણે અયાતુલ્લાહના પદની પણ જરૂર નથી.
1969માં ઈરાનમાં જન્મેલો મોજતબા ખામેનેઈ અત્યાર સુધી બહુ લો પ્રોફાઇલ રહ્યો છે, પણ કહેવાય છે કે અલી ખામેનેઈની હયાતીમાં પણ શાસનવ્યવસ્થામાં તેમનો હસ્તક્ષેપ સારો એવો હતો અને પડદા પાછળ મોટી ભૂમિકા પહેલેથી હતી. એ જ કારણ છે કે ખામેનઈની હયાતીમાં પણ વચ્ચે સમાચારો ઊડ્યા હતા કે મોજતબાને નવા સુપ્રીમ લીડરની જવાબદારી સોંપાશે. કહેવાય છે કે ખામેનેઈએ વિશ્વાસુઓ સમક્ષ આ વાત કબૂલી હતી પણ જાહેરમાં ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી.
ખામેનેઈ ઘણી વખત જાહેર સભાઓમાં જોવા મળતા હતા પણ મોજતબાનાં ક્યાંય કોઈ ભાષણ, ઇન્ટરવ્યુ, વાતચીત જોવા મળતાં નથી. અત્યારે યુદ્ધ દરમ્યાન પણ તે ક્યાં છે તેની જાણકારી કોઈની પાસે નથી. સંભવતઃ ઈરાન અને અમેરિકાના હુમલાથી બચવા માટે બંકરમાં રક્ષણ આપવામાં આવી રહ્યું હોય કારણ કે જે કોઈ નવા નેતા બને તેનું નામ કૂપનમાંથી કાઢી નાખવા માટે ઇઝરાયેલ અને તેની એજન્સીઓ તત્પર જ હોય છે.
વધુમાં ખામેનેઈના નિવાસસ્થાને થયેલા હુમલામાં મોજતબાએ માત્ર બાપ નહીં પણ મા, પત્ની અને પુત્રી પણ ગુમાવ્યાં છે. ઉપરાંત અન્ય પરિજનો પણ માર્યા ગયા હતા. હવે આગલો ટાર્ગેટ તે પોતે જ હોય એ તદ્દન સ્વાભાવિક છે. એક ચર્ચા એવી પણ ચાલે છે કે આમ સુપ્રીમ લીડરનું પદ વારસાગત મળતું નથી એટલે મોજતબાના નામ પર શરૂઆતમાં થોડીઘણી ટીકાઓ પણ થતી હતી પરંતુ આ હુમલામાં બાપ અને પત્ની માર્યા ગયા બાદ તેને થોડીઘણી સહાનુભૂતિ મળવાની શરૂ થઈ અને માર્ગ મોકળો બનતો ગયો.
ઈરાનમાં 1979માં શાહ મોહમ્મદ રઝા પહેલવીનું શાસન પડી ભાંગ્યા બાદ મોજતબાનો પરિવાર તહેરાન આવી ગયો હતો. ઈરાનની આ 1979ની ઇસ્લામિક ક્રાંતિમાં ખામેનેઈએ પણ મોટી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે અને તેઓ તત્કાલીન સુપ્રીમ લીડર ખુમૈનીના વિશ્વાસુમાં ગણાતા હતા. ખુમૈની શાસનમાં પણ તેમની પાસે ઘણી જવાબદારીઓ હતી. પછીથી ખુમૈનીના મોત બાદ ખામેનેઈને સુપ્રીમ લીડરનું પદ મળ્યું અને તેની સાથે કરોડોનો કારોબાર તેમના પરિવાર પાસે આવી ગયો.
2000માં વિકીલીક્સ દ્વારા પ્રકાશિત યુએસ ડિપ્લોમેટિક કેબલ અનુસાર મોજતબાને પડદા પાછળથી ભૂમિકા ભજવનાર ગણાવાયો હતો. કહેવાય છે કે તેણે બાપ ખામેનેઈના ફોન પણ ટેપ કરાવ્યા હતા અને દેશમાં પોતાનો એક પાવર બેઝ તૈયાર કરી રાખ્યો હતો. ઉપરાંત ત્યારે જ કહેવાયું હતું કે મોજતબાની સ્કિલ, સંપત્તિ અને અમુક આવડતો જોતાં ઈરાનની શાસનવ્યવસ્થાનાં અંદરનાં વર્તુળોમાં પણ તેને પિતાના ઉત્તરાધિકારી તરીકે જોવાય રહ્યો છે અને તેમના નિધન બાદ તે જ સત્તા સંભાળશે એ નક્કી છે.
મોજતબાના સંબંધો ઈરાનની IRGC સાથે પણ બહુ નજીકના હોવાનું કહેવાય છે. આ ઇસ્લામિક ગાર્ડ્સની સ્થાપના ખુમૈનીએ કરી હતી. આમ તો અમેરિકા અને યુરોપે તેને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. સુપ્રીમ લીડરને વફાદાર આ સૈન્ય ઘણી વખત રાષ્ટ્રપતિ અને તેમની સરકારનું પણ સાંભળતું નથી, એ જ કારણ છે કે અત્યારે રાષ્ટ્રપતિ આવીને કહી જાય કે તેઓ પાડોશી દેશો પર હુમલા નહીં કરે તોય IRGC હુમલાઓ ચાલુ રાખે છે. હમણાં થયેલાં પ્રદર્શનો દબાવવામાં પણ IRGCએ મોટી ભૂમિકા ભજવી હતી.
મોજતબાની આસપાસ વિવાદો પણ ફરતા રહ્યા છે. એક આરોપ છે કે 2005ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કટ્ટરપંથી મહમૂદ અહમદીનેજાદની ચૂંટણી માટે IRGC મારફતે અમુક મજહબી સમુદાયોને તરફેણમાં મતદાન કરવા માટે પૈસા વહેંચવામાં આવ્યા હતા, જેમાં મોજતબાએ પણ ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. ત્યારબાદ 2009માં ફરીથી રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ ત્યારે પણ આવા જ આરોપો લાગ્યા હતા.
મોજતબા પાસે લગભગ ત્રણ બિલિયન ડૉલરનો કારોબાર હોવાનું કહેવાય છે. પર્શિયન ગલ્ફ શીપથી માંડીને સ્વિસ બેન્ક અકાઉન્ટ અને બ્રિટિશમાં પણ અમુક લક્ઝરી પ્રોપર્ટી છે, જેની કિંમત 138 મિલિયન ડૉલર હોવાનું કહેવાય છે. દેશમાંથી જે ક્રૂડ ઓઇલ વેચવામાં આવે તે પણ ફંડનો એક મોટો સ્ત્રોત હોવાનું કહેવાય છે. ઉપરાંત અમેરિકાએ 2019માં નિયંત્રણો લગાવ્યાં હોવા છતાં અમુક બિલિયન ડૉલર કંપનીઓ થકી ફંડ રૂટ થતું હોવાનું કહેવાય છે.
રાજકીય-મજહબી રીતે મોજતબા પોતે પણ ઘણોખરો કટ્ટરપંથી છે અને કહેવાય છે કે બાપ કરતાં પણ આ બાબતમાં ચડિયાતો સાબિત થાય એમ છે. હવે મોજતબાના હાથમાં ઈરાનની સત્તા આવી છે. એ પણ યુદ્ધના સમયમાં. પિતાના વલણ અને પોતાના પણ કટ્ટરપંથી વલણને જોતાં પશ્ચિમ સાથે કોઈ વાતચીત માટે તૈયાર થાય એમ લાગતું નથી. બીજી તરફ ઇઝરાયેલ કહી ચૂક્યું છે કે જે કોઈ સુપ્રીમ લીડર બનશે તે તેના ટાર્ગેટ પર હશે.


