Monday, May 6, 2024
More
    હોમપેજદુનિયાકેનેડામાં હિંદુ મંદિરના અધ્યક્ષના પરિવાર પર હુમલો, ઘર પર કરાયો ગોળીબાર: આ...

    કેનેડામાં હિંદુ મંદિરના અધ્યક્ષના પરિવાર પર હુમલો, ઘર પર કરાયો ગોળીબાર: આ જ શહેરમાં થઈ હતી ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા

    સતીશ કુમારે કહ્યું કે, આ પાછળ ખાલિસ્તાનીઓનો હાથ છે કે બીજા કોઇ જવાબદાર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ખાલિસ્તાનીઓ મંદિર પર અનેક વખત હુમલા કરી ચૂક્યા છે.

    - Advertisement -

    કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતના સરે (Surrey) શહેરમાં એક હિંદુ ઉદ્યોગપતિના ઘર પર ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. જે હિંદુ વ્યક્તિના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે, તેઓ શહેરમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખના પુત્ર છે. હુમલામાં કોઇ જાનહાનિ થઈ નથી અને તેની પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ હુમલાને કેનેડામાં વધતી ખાલિસ્તાનીઓની ગતિવિધિ સાથે જોડવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

    વધુ વિગતો અનુસાર 27 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 8 વાગે આ ઘટના બની હતી. જેમાં મૂળ ભારતીય અને કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષ, ઉદ્યોગપતિ સતીશ કુમારના મોટા પુત્રના ઘરે 14 રાઉન્ડ ગોળીબાર કરી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ ઘરને નુકસાન પહોચ્યું છે. સતીશ કુમારે કહ્યું કે, આ પાછળ ખાલિસ્તાનીઓનો હાથ છે કે બીજા કોઇ જવાબદાર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ખાલિસ્તાનીઓ મંદિર પર અનેક વખત હુમલા કરી ચૂક્યા છે.

    ગોળીબારની ઘટનાની જાણ થતાં જ કેનેડિયન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા. આ ઘટનામાં હવે સરેની આરસીએમપી જનરલ ઇન્વેસ્ટીગેશન યુનિટ પણ જોડાઈ છે. જેઓ વિસ્તૃત તપાસ કરશે.

    - Advertisement -

    થોડા સમય પહેલાં જ લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાની ચરમપંથીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે મંદિરમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ હાજર હતા. આ અંગે સતીશ કુમારે નિવેદન આપ્યું હતું કે, ખાલિસ્તાની સમર્થકો 25ની સંખ્યામાં હતા અને હિંદુ મંદિરમાં 200 લોકો હાજર હતા. પછીથી મામલો શાંત પાડી દેવામાં આવ્યો હતો. આ પાછળ શિખ ફોર જસ્ટિસના માણસોનો હાથ હતો, જેનો ચીફ આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ છે.

    કેનેડામાં હિંદુ મંદિરોને ટાર્ગેટ કરતા રહ્યા છે ખાલિસ્તાનીઓ

    નોંધવું જોઈએ કે કેનેડામાં ખાલિસ્તાની ચરમપંથીઓ અવારનવાર હિંદુ મંદિરોને અને હિંદુ સમુદાયને ટાર્ગેટ કરતા રહ્યા છે. જેમાં હિંદુ મંદિરોમાં ભારત વિરોધી સૂત્રો લખવાં, તોડફોડ કરવી વગેરે જેવા મામલા સામે આવી ચૂક્યા છે. જેની વિરુદ્ધ કેનેડાનો હિંદુ સમાજ અવાજ પણ ઉઠાવી ચૂક્યો છે. પરંતુ નજીકના ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ સતત વધતું જ ગયું છે.

    આ પહેલાં પણ ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ 12 ઓગસ્ટ, 2023ના રોજ અડધી રાત્રે સરે (Surrey) શહેરમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ નિજજરની મોતને લઈને જનમત સંગ્રહના પોસ્ટરો લગાવ્યાં હતાં. તે પહેલાં મિસિસાગાના રામ મંદિરમાં તોડફોડ કરી ભારત વિરોધી નારા ચીતરવાની ઘટના બની હતી. ભારતના કોન્સ્યુલેટ જનરલે એક નિવેદનમાં આ બાબતની જાણકારી આપી અને નિંદા કરી હતી. તેમણે કેનેડિયન પ્રશાસનને આ ઘટનાની ઊંડી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ પણ કરી હતી.

    આ સરે એ જ શહેર છે, જ્યાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા કરી નાખવામાં આવી હતી. જેનો આરોપ તાજેતરમાં થોડા મહિના પહેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવ્યો હતો. જોકે, માત્ર આરોપો જ લગાવ્યા હતા, ભારતની માંગ પર ક્યારેય પુરાવા આપવામાં આવ્યા નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં