બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 14 વર્ષથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ કટ્ટર હરીફ માનવામાં આવતી લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. કિએર સ્ટારમર હવે બ્રિટનના આગામી વડાપ્રધાન હશે, જેઓ ભારતીય મૂળના ઋષિ સુનકનું સ્થાન લેશે. પરંતુ મહત્વનું એ પણ છે કે આ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વાર ભારતીય મૂળના હિંદુ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે. ભારત પ્રત્યે નફરત દર્શાવનારા અને જે જગ્યાએ હિંદુ વિરોધી હિંસા થઈ અને જ્યાંના ઉમેદવારો પાકિસ્તાન સમર્થક હતા તેમની હાર થઇ છે અને તે બેઠકો પર હિંદુ ઉમેદવારો જીત્યા છે.
પહેલા વાત કરીએ ડડલે બેઠકની. તો અહીં કાશ્મીરના મુદ્દા પર મુસ્લિમોનું સમર્થન માંગનાર કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર માર્કો લોન્ગી હારી ગયા છે. તેમને લેબર પાર્ટીના અને ભારતીય મૂળના ઉમેદવાર સોનિયા કુમારે હરાવ્યા છે. લોન્ગીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન હિંદુ, ભાજપ, વડાપ્રધાન મોદી અને કાશ્મીરના મુદ્દાઓ પર ઝેર ઓકીને વોટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
જોકે તેમનો આ કીમિયો કામ ન લાગ્યો અને આ વખતે સોનિયા કુમારે તેમને 1900 મતથી હરાવ્યા હતા. ચૂંટણીમાં સોનિયાને કુલ 12,215 મત મળ્યા હતા, તો માર્કો લોન્ગીને માત્ર 10,315 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો. માર્કોએ આ ચૂંટણીમાં ભારતને ટાર્ગેટ કરીને મત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે તેમણે 17 જુલાઈ 2024ના રોજ એક પત્ર પણ જાહેર કર્યો હતો. આ પત્રમાં તેમણે હિંદુ ઘૃણા અને ભારતવિરોધી પ્રચાર કર્યો હતો. પત્રમાં તેમણે કાશ્મીરને પણ મુદ્દો બનાવ્યો હતો.
તેમણે પત્રમાં ઈદ-અલ-અઝહાની મુબારક આપતાં લખ્યું હતું કે, ભારતમાં ભાજપ ફરી જીતી ગયું છે અને તેનો અર્થ તે થયો કે આવનાર સમય ‘કાશ્મીરના લોકો માટે કપરો સમય’ હશે. તેમણે લખ્યું કે, “નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા જઈ રહ્યા છે. તેનો સીધો અર્થ તે થશે કે કાશ્મીરીઓના તમામ અધિકારો પૂર્ણ થઈ જશે.” તેમણે મુસ્લિમ મતદારોને વિશ્વાસ અપાવ્યો હતો કે જો તેઓ તેમને ચૂંટણી જીતાડશે તો તેઓ વધુ ઉગ્રતાથી સંસદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. જોકે તેમનો આ કીમિયો કારગર ન નીવડ્યો અને તેમને હારનો સામનો કરવો પડ્યો. જે બેઠક પર તેમને હાર મળી છે ત્યાં 50% ખ્રિસ્તી, 6% મુસ્લિમ અને 2% શીખો વસે છે. અહીં હિંદુઓની વસતી માત્ર 1% જેટલી જ છે.
જ્યાં હિંદુ વિરોધી હિંસા, તે લિસેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નીડર હિંદુ ઉમેદવાર વિજેતા
એક તરફ લેબર પાર્ટીએ આખા બ્રિટનમાં બહુમતી મેળવી છે, પરંતુ લિસેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના હિંદુ ઉમેદવાર શિવાની રાજાને જીત મળી છે. તેમણે લેબર પાર્ટીના રાજેશ અગ્રવાલને હરાવ્યા છે. આ ભારતીય મૂળના વિજેતા ઉમેદવાર પોતાને ‘નીડર હિંદુ’ તરીકે ઓળખાવે છે. આ એ જ લિસેસ્ટર છે જ્યાં વર્ષ 2022માં હિંદુ વિરોધી હિંસા થઇ હતી.
ચૂંટણીમાં શિવાની રાજાને 14,526 મત મળ્યા, જ્યારે રાજેશ અગ્રવાલને માત્ર 10,100 જ મત મળ્યા હતા. આ સિવાય લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઝુફ્ફર હકને 6329 મત મળ્યા હતા. આ બેઠક જીતવી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક છે. અહીં પાર્ટીને 37 વર્ષ બાદ જીત મળી છે. આ બેઠક પર સતત લેબર પાર્ટીનો જ કબજો રહ્યો છે. અહીંથી વિજેતા શિવાની લિસેસ્ટરમાં જન્મેલા પ્રથમ પેઢીના બ્રિટીશ નાગરિક છે અને તેઓ દ્રઢ હિંદુ છે.
તેઓ ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીથી ભણ્યાં છે અને ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેઓ અવારનવાર હિંદુ ધાર્મિક આયોજનોમાં સામેલ થતાં રહે છે. તાજેતરમાં જ તેમણે એક સ્થાનિક હિંદુ મંદિરના 50 વર્ષ પૂર્ણ થયાના સમારોહમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત કથાકાર ગીરીબાપુની કથાના આયોજનમાં પણ તેઓ જોવા મળ્યાં હતાં.
📿✨ Celebrating 50 Years of Sanatan Mandir! ✨📿
— Shivani Raja (@ShivaniRaja_LE) June 30, 2024
For half a century, our Leicester community has focussed on fostering unity, devotion, and service. Together, we’ve built a legacy of faith, compassion, and rich cultural heritage.
Here’s to 50 more years! 🙏🌟#LeicesterEast… pic.twitter.com/mvXXKtuNQp
આ બેઠક પર હારી ગયેલા અપક્ષ ઉમેદવાર ક્લાઉડિયા વેબે ગયા વર્ષે ખુલ્લેઆમ ખાલિસ્તાનીઓ અને તેમના એક બનાવટી ‘લોકમત સંગ્રહ’ને ટેકો આપ્યો હતો. આ સમય દરમિયાન લંડનમાં ભારતીય હાઈકમિશન પર પણ ખાલિસ્તાનીઓના ટોળાએ હુમલો કર્યો હતો. તેમને મિશેલ મેરિટ નામની મહિલાને 18 મહિના સુધી હેરાન કરવા બદલ પણ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને લેબર પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
હિંદુ ઉમેદવાર શિવાની રાજાની જીત આ ક્ષેત્રની ડેમોગ્રાફી અને તાજેતરના ઇતિહાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. લિસેસ્ટર 2022માં હિંદુઓ વિરુદ્ધ હિંસાનું કેન્દ્ર હતું, ત્યારબાદ આ વિસ્તારમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. આ તણાવ બાદ જૂના મુદ્દાઓ બહાર આવ્યા હતા. શિવાની રાજાની જીત બાદ અહીં હિંદુઓના પ્રશ્નોનો ઉકેલ આવે તેવી આશા સ્થાનિકો અને ખાસ કરીને હિંદુઓને બંધાઈ છે.