બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર Bangladesh Interim Government) બન્યા અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina) દેશ છોડ્યા બાદ હવે ઈતિહાસના પાનામાંથી બાંગ્લાદેશના સ્થાપકોમાંના એક શેખ મુજીબુર રહેમાનનું (Sheikh Mujibur Raheman) નામ સંપૂર્ણપણે ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમ મોહનદાસ ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે તેમાં શેખ મુજીબુર રહેમાનને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. પરંતુ બાંગ્લાદેશમાં આંદોલન દરમિયાન ‘બંગબંધુ’ શેખ મુજીબુરની મૂર્તિઓ તોડવામાં આવી હતી અને હવે બાંગ્લાદેશની ચલણી નોટો પરથી શેખ મુજીબુરની તસવીર હટાવીને તસવીર વગરની નવી નોટો લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી વચ્ચે શેખ હસીનાએ 5 ઓગસ્ટે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને મહોમ્મદ યુનુસે વચગાળાની સરકારના નેતાના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. ભારતના ચલણની જેમ જ બાંગ્લાદેશના ચલણમાં પણ કહેવાતાં રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનની તસવીર છાપેલી હતી. ત્યારે યુનુસ સરકારે આ નોટો પરથી શેખ મુજીબુરની તસવીર હટાવવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, વચગાળાની સરકારના નિર્દેશો પર 20, 100, 500 અને 1000 ટકાની નવી નોટો છાપવામાં આવી રહી છે.
કેન્દ્રીય બેન્કે વધુમાં જણાવ્યું હતું કે જુલાઈના વિરોધ દરમિયાન બનાવવામાં આવેલી મજહબી રચનાઓ, બંગાળી પરંપરાઓ અને ‘ગ્રેફિટી’ને નવી નોટોમાં સામેલ કરવામાં આવશે. બાંગ્લાદેશ બેંકના પ્રવક્તા અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હુસનેરા શિખાએ કહ્યું કે “પ્રિન્ટિંગ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે, મને આશા છે કે આગામી છ મહિનામાં નવી નોટો બજારમાં આવી શકે છે.” થોડાક દિવસો પહેલાં એવા પણ અહેવાલ આવ્યા હતા કે યુનુસે તેની ઓફિસમાંથી પણ શેખ મુજીબુરની તસવીર હટાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝ્ઝમાંએ કહ્યું હતું કે, શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના નેતા હતા એ વાત સાચી, પરંતુ આવામી લીગે (શેખ હસીનાની પાર્ટી) તેના હિતમાં તેમનું રાજનીતિકરણ કર્યું હતું. તેમણે શેખ મુજીબુર રહેમાનને ‘રાષ્ટ્રપિતા’ તરીકે લેબલ કરવાનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “શેખ મુજીબના યોગદાનનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેમને કોઈ દરજ્જો આપવા માટે કાયદો બનાવવો એ વિભાજન કરવાની વાત થઈ ગઈ.” મુજીબુરનું અસ્તિત્વ ભૂંસવા યુનુસ સરકાર તૈયાર બેઠી છે.