ગુરુવારે (23 ફેબ્રુઆરી, 2023) અમૃતસરના અજનાલામાં ખાલિસ્તાની સમર્થકોનું ટોળું હાથમાં બંદૂકો, તલવારો અને દંડા લઈને પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું હતું અને ઉત્પાત મચાવ્યો હતો. આ ટોળાની આગેવાની લેનાર હતો- અમૃતપાલ સિંઘ, જેને તાજેતરની ઘટનાઓ બાદ ‘ભિંડરાંવાલે 2.0’ પણ કહેવામાં આવી રહ્યો છે.
29 વર્ષીય અમૃતપાલ સિંઘ ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ છે. આ સંગઠન એક્ટર અને ‘એક્ટિવિસ્ટ’ દીપ સિદ્ધુએ સ્થાપ્યું હતું. એ જ દીપ સિદ્ધુ જે 26 જાન્યુઆરી 2021ના દિવસે લાલ કિલ્લા પર થયેલી ધમાલમાં મુખ્ય આરોપી હતો અને જેણે ખેડૂત આંદોલનો દરમિયાન પણ મોટો ભાગ ભજવ્યો હતો.
શું છે વારિસ પંજાબ દે?
અમૃતપાલ સિંઘ વિશે જાણીએ તે પહેલાં થોડું ‘વારિસ પંજાબ દે’ વિશે જાણવું જરૂરી છે. પંજાબીમાં તેનો અર્થ થાય છે- પંજાબના વારસદારો. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં સપ્ટેમ્બર 2021માં દીપ સિદ્ધુએ આ સંગઠન સ્થાપ્યું હતું. તેણે તેને ‘સામાજિક સંગઠન’ ગણાવીને ઉદ્દેશ્ય પંજાબના હકોની લડાઈ લડવાનો અને પંજાબની સંસ્કૃતિ, ભાષા અને સામાજિક માળખાના રક્ષણ માટે અવાજ ઉઠાવવાનો હોવાનું જણાવ્યું હતું.
આમ તો દીપ સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ કોઈ રાજનીતિક પાર્ટી નથી પરંતુ પંજાબ ચૂંટણીમાં તેના સંગઠને ખાલિસ્તાન સમર્થક પાર્ટી શિરોમણી અકાલી દળ (અમૃતસર)નું સમર્થન કર્યું હતું. જોકે, પંજાબ ચૂંટણીના થોડા સમય પહેલાં જ એક કાર અકસ્માતમાં દીપ સિદ્ધુ મૃત્યુ પામ્યો હતો. ફેબ્રુઆરી 2022માં દીપ સિદ્ધુના મૃત્યુ બાદ સંગઠન અને તેના સમર્થકો પાસે કોઈ નેતૃત્વ ન હતું અને આ તક ઝડપી લીધી- અમૃતપાલ સિંઘે.
અમૃતપાલ સિંઘ ત્યારે દુબઇ રહેતો હતો. 1993માં અમૃતસરના એક ગામમાં તેનો જન્મ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવીને વર્ષ 2012માં તે દુબઇ જતો રહ્યો હતો અને ત્યાં સબંધીના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં મદદ કરતો હતો. તેની અગાઉની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ફરી રહી છે, જેમાં ન તો દાઢી દેખાઈ રહી છે ન પાઘડી. તે એક સામાન્ય યુવક હતો, સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો અને દુબઈમાં સામાન્ય જીવન જીવતો હતો.
કહેવાય છે કે તે દીપ સિદ્ધુ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહેતો હતો પરંતુ પછીથી આ સંપર્કો પણ ઓછા થઇ ગયા હતા. દીપ સિદ્ધુના મોત બાદ તેણે પોતાને ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ ઘોષિત કરી દીધો અને દુબઇથી આવી ગયો ભારત.
ભારત આવીને ભિંડરાંવાલે તરીકે દેખાવ અપનાવી લીધો
ભારત આવીને તે સદંતર બદલાઈ ગયો હતો. તેનાં કપડાં જુદાં હતાં, દાઢી વધારી દીધી હતી અને પોતે ભિંડરાંવાલે જેવો દેખાવ અપનાવી લીધો હતો. 29 સપ્ટેમ્બર, 2022ના રોજ જરનૈલ સિંઘ ભિંડરાંવાલેના પૈતૃક ગામમાં સેંકડો લોકોની હાજરીમાં ‘દસ્તાર બંદી’ યોજાઈ અને અમૃતપાલ સિંઘ અધિકારીક રીતે ‘વારિસ પંજાબ દે’નો અધ્યક્ષ બની ગયો.
જરનૈલ સિંઘ ભિંડરાંવાલે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હતો અને તેણે 70-80ના દાયકામાં પંજાબમાં ખૂબ ઉત્પાત મચાવ્યો હતો અને અનેક હિંસાના કેસમાં તેનું નામ આવ્યું હતું. 1984માં ભારતીય સેનાના ‘ઓપરેશન બ્લુ સ્ટાર’માં તે માર્યો ગયો હતો.
દીપ સિદ્ધુના પરિવારનું કહેવું છે કે તેમણે ક્યારેય અમૃતપાલને સંગઠનનો પ્રમુખ બનાવ્યો નથી અને દુબઇથી અચાનક આવીને તે કઈ રીતે સંગઠનનો ચીફ બની ગયો તે તેમને પણ ખબર પડતી નથી. બીજી તરફ, અમૃતપાલના સમર્થકોનું કહેવું છે કે દીપ સિદ્ધુના સમર્થકોએ જ તેને સંગઠનનો અધ્યક્ષ બનાવ્યો હતો.
ભિંડરાંવાલેનો સમર્થક છે અમૃતપાલ સિંઘ
અમૃતપાલ સિંઘ ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાંવાલેનો સમર્થક છે અને અનેક વખત ખુલીને તેનું સમર્થન કરી ચૂક્યો છે તો ખાલિસ્તાનની પણ માંગણી કરતો રહ્યો છે. તેને સતત ભિંડરાંવાલેના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. એ જ કારણ છે કે તેની ‘દસ્તાર બંદી’ ભિંડરાંવાલેના પૈતૃક ગામમાં યોજાઈ હતી, જેનું ખાલિસ્તાનીઓમાં ઘણું મહત્વ છે.
અમૃતપાલ કહે છે કે, “ભિંડરાંવાલે મારી પ્રેરણા છે. હું તેમના દર્શાવેલા માર્ગે જ ચાલીશ. દરેક શીખની જેમ હું પણ તેમના જેવો બનવા ઈચ્છું છું પરંતુ હું તેમની નકલ કરી રહ્યો નથી. હું તેમના પગની ધૂળ બરાબર પણ નથી.” સંગઠનના અધ્યક્ષ તરીકે પદ સાંભળતાં તેણે કહ્યું હતું, “આપણું યુદ્ધ ભૂતકાળમાં પણ આ જ ગામમાંથી શરૂ થયું હતું અને ભવિષ્યનાં યુદ્ધો પણ અહીંથી જ શરૂ થશે. આપણે સ્વતંત્રતા માટે લડવું પડશે. સમગ્ર પંજાબના યુવાનોએ બલિદાન આપવા માટે તૈયાર રહેવું પડશે.”
હિંદુઓ સહિતના અન્ય સમુદાયો વિશે આપત્તિજનક ટિપ્પણીઓ
અમૃતપાલ સિંઘ અવારનવાર અન્ય સમુદાયો માટે ભડકાઉ અને અપમાનજનક ભાષણો આપતો રહે છે. તેણે યુપી, બિહાર, ઝારખંડ અને હિમાચલથી આવતા હિંદુઓ વિશે પણ ઝેર ઓક્યું હતું. તેણે કહ્યું હતું કે, “તેઓ અહીં આવે છે અને મૂર્તિઓની પૂજા કરે છે, સિગરેટ અને ડ્રગ્સ વેચે છે. તમે તમારા ગામમાં આવું થવા દેવા ન માંગતા હોવ તો પગલાં લો.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં જ પંજાબમાં હિંદુઓ પરના હુમલાઓ વધી ગયા હતા. લુધિયાણામાંમાં જાણીતા હિંદુવાદી નેતા સુધીર સુરીને સરાજાહેર ગોળી મારીને મારી નાંખવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય હિંદુ નેતાઓ ઉપર હુમલાની આશંકા હોવાના પણ ઇનપુટ્સ મળ્યા હતા. સુધીર સુરીની હત્યામાં સામેલ વ્યક્તિ સાથે પણ અમૃતપાલ સિંઘનું કનેક્શન સામે આવ્યું હતું. એક વિડીયો સામે આવ્યો હતો જેમાં આરોપી સંદીપ સિંઘ અમૃતપાલ સિંઘ સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત, પાકિસ્તાનમાં રહેતા ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંઘ ચાવલાએ પણ સુરીના હત્યારાઓને અભિનંદન આપીને અન્ય હિંદુ નેતાઓને ધમકી આપી હતી.
તાજેતરમાં એક યુવકના અપહરણ અને મારપીટનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે અમૃતપાલ સિંઘ અને તેના સાથી લવપ્રીત સિંઘ ઉર્ફે તૂફાન સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ તૂફાન સિંઘની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ અમૃતપાલે તેના સમર્થકોને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા અને ત્યારબાદ ટોળું ઘૂસી ગયું હતું. ટોળાની ધમાલ બાદ અને અમૃતપાલ સિંઘની ધમકી બાદ પોલીસે લવપ્રીતને છોડી પણ મૂક્યો હતો.
ભિંડરાંવાલેના રસ્તે ચાલતો અમૃતપાલ સિંઘ, પણ નિષ્ફ્ળ દેખાતી AAP સરકાર
જરનૈલ સિંઘ ભિંડરાંવાલે પણ શરૂઆતનાં વર્ષોમાં આ જ રીતે સમાનાંતર સરકાર ચલાવતો હતો અને ભડકાઉ ભાષણો આપીને ખાલિસ્તાનનો એજન્ડા આગળ વધારતો હતો. પરંતુ ત્યારે સરકારોએ બહુ ધ્યાન આપ્યું ન હતું અને ધીમે-ધીમે તે વ્યાપ વધારતો રહ્યો હતો. જ્યારે એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી તો ખાલિસ્તાની આતંકવાદીઓએ તેને છોડાવવા માટે પ્લેન પણ હાઇજેક કરી લીધું હતું.
ભિંડરાંવાલે સામે અનેક કેસો હોવા છતાં અને રાજ્યની સુરક્ષાને જોખમ હોવા છતાં તત્કાલીન કેન્દ્ર સરકારે તેને છોડી મૂક્યો હતો. ત્યારબાદ તે ફરી ક્યારેય ન પકડાયો અને આખરે 1984માં ‘ઓપરેશન બ્લુ સ્ટાર’માં ભારતીય સેનાના હાથે માર્યો ગયો હતો.
હવે અમૃતપાલ સિંઘ ભિંડરાંવાલે બનવાના રસ્તે છે. પંજાબમાં અને ખાસ કરીને યુવાનોમાં તેની વધતી લોકપ્રિયતા અને વ્યાપ્ત જોતાં ઓક્ટોબર, 2022માં ગૃહ મંત્રાલયે પંજાબની આમ આદમી પાર્ટી સરકારને સતર્ક પણ કરી હતી પરંતુ તેમ છતાં ભગવંત માનની આગેવાની હેઠળની AAP સરકાર ખાલિસ્તાની ગતિવિધિઓને અટકાવવામાં સફળ રહેતી હોય તેમ જણાઈ રહી નથી.