Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબ: ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘના સમર્થકોનો પોલીસ સ્ટેશન પર હુમલો, તલવારો અને...

    પંજાબ: ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘના સમર્થકોનો પોલીસ સ્ટેશન પર હુમલો, તલવારો અને બંદૂક લઈને ધસી આવ્યું ટોળું

    સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ બેરિકેડ તોડીને, હાથમાં તલવાર લઈને ઘૂસી જતું જોવા મળે છે.

    - Advertisement -

    પંજાબના અમૃતસરના એક પોલીસ મથક પર હુમલો કરવામાં આવ્યો છે. ખાલિસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહના સમર્થકો તલવારો અને બંદૂક લઈને ખૂબ મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા અને પોલીસ બેરિકેડ્સ તોડી નાંખ્યાં હતાં. 

    અમૃતપાલ સિંઘના નજીકના ગણાતા લવપ્રીત સિંઘ ઉર્ફે તૂફાનની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે તેના સમર્થકો અમૃતસરના અજનાલા પોલીસ મથકની બહાર એકઠા થઇ ગયા હતા અને ધમાલ મચાવી હતી. 

    પંજાબના પોલીસ મથક પર થયેલા આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ બેરિકેડ તોડીને, હાથમાં તલવાર લઈને ઘૂસી જતું જોવા મળે છે. પોલીસે તેમને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ હજારોની સંખ્યામાં ધસી આવેલા લોકોએ હુમલો કરી દીધો હતો. 

    - Advertisement -

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, અમૃતપાલે જ પોતાના સમર્થકોને 11 વાગ્યે અજનાલા પોલીસ મથકે પહોંચવા માટે કહ્યું હતું. ત્યારબાદ અહીં ભીડ એકઠી થઇ ગઈ હતી. મામલાની ગંભીરતા જોઈને પોલીસ પણ સક્રિય થઇ ગઈ અને ભીડને અટકાવી હતી પરંતુ ત્યારબાદ ટોળું અંદર ધસી આવ્યું હતું. 

    જાણવા મળ્યા અનુસાર, અમૃતપાલ અજનાલા પોલીસ મથકે પહોંચી ગયો છે અને પોલીસ કર્મચારીઓને પણ મળ્યો છે. પોલીસને તૂફાન સિંઘને છોડવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી ટોળું ત્યાં જ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. 

    અમૃતપાલ સિંઘે કહ્યું કે, FIR માત્ર રાજનીતિક ઈરાદાઓ પાર પાડવા માટે કરવામાં આવી છે. જો તેઓ એક કલાકની અંદર કેસ રદ ન કરે તો ત્યારપછી જે થાય તે માટે તંત્ર જવાબદાર રહેશે. તેમને લાગે છે કે અમે કશું કરી શકીએ તેમ નથી, તેથી આ શક્તિ પ્રદર્શન જરૂરી છે.

    થોડા દિવસ પહેલાં 15 ફેબ્રુઆરીએ અજનાલામાં ચમકૌર સાહિબમાં એક યુવકનું કેટલાક લોકોએ અપહરણ કરી લઈને તેની સાથે મારપીટ કરી હતી. આ મામલે યુવકની ફરિયાદના આધારે અજનાલા પોલીસ મથકે અમૃતપાલ, તેના સાથી તૂફાન સિંઘ અને અન્ય 30 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. 

    આ જ કેસમાં પોલીસે તૂફાન સિંઘની ધરપકડ કરી લીધી હતી. જેનાથી અમૃતપાલ ભડકી ઉઠ્યો અને સમર્થકોને પોલીસ મથકની બહાર એકઠા થવા માટે કહ્યું હતું. 

    અમૃતપાલ સિંઘ જરનૈલ સિંઘ ભિંડરાંવાલેનો સમર્થક છે. તે ખાલિસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ દે’નો પ્રમુખ છે. આ સંગઠન ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરી, 2021માં લાલ કિલ્લા પર થયેલી ધમાલ દરમિયાન ચર્ચામાં આવેલા દીપ સિદ્ધુએ ઉભું કર્યું હતું. સિદ્ધુના મોત બાદ અમૃતપાલને સંગઠનનો ચીફ બનાવવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં