Friday, September 27, 2024
More
    હોમપેજદેશસ્પેસ, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ…દરેક ક્ષેત્રમાં પ્રગતિ, વધ્યું વિદેશી રોકાણ: ‘મેક ઇન ઇન્ડિયા’નાં...

    સ્પેસ, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ…દરેક ક્ષેત્રમાં પ્રગતિ, વધ્યું વિદેશી રોકાણ: ‘મેક ઇન ઇન્ડિયા’નાં 10 વર્ષ પર જાણો કઈ રીતે આ પહેલના કારણે અર્થવ્યવસ્થાને મળ્યો વેગ

    UPI એ ખરા અર્થમાં એક ક્રાંતિ બનીને ઉભરી આવ્યું. 2016ની નોટબંધી પછી પીએમ મોદીએ જ્યારે ‘ડિજિટલ ઇન્ડિયા’ની વાત કરી હતી ત્યારે કોંગ્રેસી નેતાઓ સંસદમાં ઊભા રહીને મજાક ઉડાડતા હતા, આજે તેમની પાસે બોલવા માટે કશું બાકી રહ્યું નથી. 

    - Advertisement -

    2014માં વડાપ્રધાન બનીને દેશની ધૂરા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ અનેક એવા ફેરફારો કર્યા, જેનાથી પછી દેશમાં એક નવી ક્રાંતિએ જન્મ લીધો. મોદીએ સૌથી પહેલાં આવીને ‘સ્વચ્છ ભારત’ મિશન આરંભ્યું, જેનાં સકારાત્મક પરિણામો આખા દેશે જોયાં. પછીથી ‘જનધન યોજના’થી લાખો દેશવાસીઓનાં ખાતાં ખોલવાનાં હોય કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ કરવાનું હોય, મોદીના નિર્ણયોએ દેશને એક નવી ગતિ અપાવી છે. આવું જ એક વિઝન હતું- ‘મેક ઇન ઇન્ડિયા.’ ભારતમાં જ ચીજવસ્તુઓ બને, ભારત એક ગ્લોબલ માર્કેટનું હબ બને, આત્મનિર્ભર બને તેવા શુભ વિચાર સાથે પીએમ મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’નો શુભારંભ કરાવ્યો હતો. આજે તેને 10 વર્ષ પૂરાં થયાં છે. 

    25 સપ્ટેમ્બરે ‘મેક ઇન ઇન્ડિયા’નાં 10 વર્ષ પૂર્ણ થવા પર PM મોદીએ X પર એક પોસ્ટ કરીને લખ્યું, ‘આજે મેક ઇન ઇન્ડિયાનાં 10 વર્ષ થયાં છે. છેલ્લા એક દાયકામાં આ ચળવળને સફળ બનાવવા માટે અથાક મહેનત કરનારા તમામને હું અભિનંદન પાઠવું છું. ‘મેક ઇન ઇન્ડિયા’ ભારતને મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશનનું પાવરહાઉસ બનાવવા માટે 140 કરોડ દેશવાસીઓના દ્રઢ સંકલ્પને દર્શાવે છે.’ આગળ તેમણે આટલાં વર્ષોમાં વિવિધ સેક્ટરોમાં એક્સપોર્ટમાં કઈ રીતે વધારો થયો, ક્ષમતાઓ વિકસી અને તેના કારણે અર્થવ્યવસ્થાને કઈ રીતે વેગ મળ્યો તેની પણ વાત કરી. 

    વડાપ્રધાને આગળ કહ્યું કે, આ મુહિમને આગળ પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સુધારાઓ થતા રહેશે. અંતે તેમણે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધવાનું આહ્વાન કર્યું. 

    - Advertisement -

    આંકડાઓ જોઈએ તો ‘મેક ઇન ઇન્ડિયા’ના કારણે એક્સપોર્ટમાં ₹4 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે. જ્યારે તેના કારણે 8.5 લાખ લોકો માટે નવી રોજગારીની તકો ઊભી થઈ છે. ₹1.28 લાખ કરોડનું રોકાણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે, જેના કારણે કુલ ₹10.8 લાખ કરોડનું પ્રોડક્શન/સેલ્સ વધ્યું છે. 

    FDIમાં અભૂતપૂર્વ વધારો 

    છેલ્લા દાયકામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. 2014 પછી ભારતમાં કુલ 667.4 બિલિયન યુએસ ડોલર FDI આવ્યું છે, જે 2004થી 2014 કરતાં લગભગ 119% જેટલું વધારે છે. આ રોકાણ 31 રાજ્યોનાં વિવિધ 57 સેક્ટરોમાં નોંધાયું છે. અમુક રણનીતિક રીતે મહત્વ ધરાવતાં ક્ષેત્રો સિવાય મોટેભાગનાં સેક્ટરોમાં FDI 100% જેટલું પણ થઈ શકે તેમ છે. છેલ્લા દાયકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં FDI ઇક્વિટી ઇનફ્લો 165.1 મિલિયન યુએસ ડોલર પર પહોંચ્યો હતો, જેમાં 2004-14 કરતાં લગભગ 69% વધારો જોવા મળ્યો. 

    FDIમાં જો વર્ષ 2014-15 અને 2023-24ની સરખામણી કરવામાં આવે તો નોંધપાત્ર વધારો જોવા મળે છે. 2014-15માં વિદેશી રોકાણ 45।14 બિલિયન ડોલર હતું, જે 2023-24માં 70.95 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચ્યું છે. જ્યારે 2021-22નો સમયગાળો એવો હતો, જેમાં રેકોર્ડબ્રેક $84.83 બિલિયન FDI નોંધાયું હતું. 

    વર્ષ 2020માં મોદી સરકારે પ્રોડક્ટ લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ્સ લૉન્ચ કરી હતી, જેના આકારને રોકાણમાં ₹1.32 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે તેમજ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં પણ નોંધપાત્ર વધારો થતાં તે ₹10.90 લાખ કરોડ પર પહોંચ્યું હતું. આ પહેલના કારણે લગભગ 8.5 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું પણ સર્જન થયું. 

    કોરોના સમયે અનેક દેશો માટે સંકટમોચક બન્યું ભારત 

    કોરોનાના સમયમાં ‘મેક ઇન ઇન્ડિયા’ના જોરે ભારતે કેવી કમાલ કરી તે જગજાહેર છે. ભારતે ન માત્ર કોરોનાની રસીઓ બનાવીને આખા દેશને નિઃશુલ્ક આપી, પણ અનેક નાના-મોટા દેશને પણ ખરા સમયે મદદ કરીને ત્યાં પણ લાખો લોકોના જીવ બચાવ્યા. ભારતની આ માનવતાપૂર્ણ પહેલના કારણે વિશ્વમાં એક મોટો સંદેશ ગયો અને આજે પણ આ દેશો મદદ ભૂલ્યા નથી. કુલ થઈને લગભગ 2.2 અબજ ડોઝ લાગ્યા હતા, જે બહુ મોટો આંકડો છે. 

    પરિવાન ક્ષેત્રે પણ એક મોટું પરિવર્તન આવ્યું. ખાસ કરીને રેલવે વિભાગે આ દસ વર્ષમાં હરણફાળ પ્રગતિ કરી છે. આ જ દાયકામાં ભારતે સ્વદેશી સેમીહાઇસ્પીડ ટ્રેન લૉન્ચ કરી, જેને આપણે આજે ‘વંદે ભારત’ના નામે ઓળખીએ છીએ. અત્યાધુનિક સુવિધાઓ અને આરામદાયક પ્રવાસનો પર્યાય બની ગયેલી આ ટ્રેન સ્વદેશી છે અને અત્યાર સુધીમાં કુલ 102 વંદે ભારત ટ્રેન સેવાઓ દેશમાં ચાલી રહી છે. 

    આજે વિશ્વમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં આપણે બીજા ક્રમે 

    ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં પણ ‘મેક ઇન ઇન્ડિયા’એ ડંકો વગાડ્યો છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં આટલાં વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર પાંચ જ વર્ષમાં કુલ 110.4% જેટલો વધારો દેશે જોયો. 2017માં $48 બિલિયનનું મેન્યુફેક્ચરિંગ થયું હતું, જે 2023 આવતાં સુધીમાં $101 સુધી પહોંચ્યું. એક આંકડા અનુસાર, આજે 99% ડોમેસ્ટિક સ્માર્ટફોન્સ ભારતમાં બને છે. 

    સમગ્ર વિશ્વમાં ભારત મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં બીજા ક્રમે છે. તાજેતરમાં જ એક સમાચાર સામે આવ્યા હતા કે વિશ્વવિખ્યાત ટેક કંપની એપલ હવે પોતાના મોબાઇલનાં પ્રો મોડેલ પણ ભારતમાં બનાવશે. તાજેતરમાં આઇફોનની 16મી સિરીઝ લૉન્ચ થઈ, જેના તમામ મોડલ્સ ભારતમાં બનવા જઈ રહ્યાં છે. અત્યાર સુધી મોટેભાગે એપલ ચીનની કંપનીઓ પર નિર્ભર રહેતી હતી, પણ હવે ભારતમાં પણ પ્રો મોડેલ્સ બનશે, જે ભારત ઉપરાંત મધ્યપૂર્વ અને યુરોપીય દેશો સુધી નિર્યાત થશે. 

    સેમિકન્ડક્ટર પાવરહાઉસ બનવા તરફ આગળ વધી રહ્યું છે ભારત 

    સેમિકન્ડક્ટરની ચર્ચા હમણાં વિશ્વભરમાં થાય છે. ભારત પણ આ અતિમહત્વપૂર્ણ ઉદ્યોગક્ષેત્રમાં ડગ માંડી રહ્યું છે અને બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પાવરહાઉસ બનવા માટે સરકારે 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સના બાંધકામ માટે પરવાનગી આપી દીધી છે. જેમાં કુલ ₹1.5 લાખ કરોડનું રોકાણ આવશે. 

    તાજેતરમાં જ પીએમ મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા, જ્યાં રાષ્ટ્રપતિ બાયડન સાથેની ચર્ચા દરમિયાન બંને દેશો વચ્ચે કોલકાતામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે સહમતિ થઈ. તે પહેલાં પીએમ મોદી સિંગાપોરની યાત્રાએ હતા. સિંગાપોર સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મોટું નામ ધરાવે છે. તેની સાથે મળીને ભારત પણ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે તૈયાર છે. 

    ‘વૉકલ ફોર લોકલ’- માત્ર એક નારો નહીં, જમીન પર પણ જોવા મળી અસરો 

    વૉકલ ફોર લોકલ પર પીએમ મોદી કાયમ ભાર આપતા રહે છે. તેઓ સ્થાનિક ઉદ્યોગો અને લઘુઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તરફ સતત ધ્યાન આપતા રહ્યા છે. તેનાં પરિણામો પણ જોવા મળ્યાં છે.

    પહેલાં ભારત રમકડાં માટે સંપૂર્ણપણે ચીન પર નિર્ભર રહેતું હતું. પીએમ મોદીએ આ વિષય પર ધ્યાન આપ્યા બાદ હવે ભારતમાં રમકડાં ઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો છે. આંકડા અનુસાર 2014માં નિકાસ માત્ર ₹224 કરોડની હતી, જે હવે ₹1319 કરોડ પર પહોંચી છે. ઉપરાંત, ખાદીના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 

    2014માં ખાદીનું વેચાણ ₹31000 કરોડ જેટલું થયું હતું, જે 2023 આવતાં સુધીમાં ₹1.34 લાખ કરોડ સુધી પહોંચ્યું. આ બંને ક્ષેત્રો એવાં છે, જેનો ઉલ્લેખ પીએમ મોદી કાયમ તેમનાં સંબોધનોમાં કરીને ‘વૉકલ ફોર લોકલ’નું આહવાન પણ કરતા રહ્યા છે. 

    UPI- ડિજિટલ ક્રાંતિ 

    UPI એ ખરા અર્થમાં એક ક્રાંતિ બનીને ઉભરી આવ્યું. 2016ની નોટબંધી પછી પીએમ મોદીએ જ્યારે ‘ડિજિટલ ઇન્ડિયા’ની વાત કરી હતી ત્યારે કોંગ્રેસી નેતાઓ સંસદમાં ઊભા રહીને મજાક ઉડાડતા હતા, આજે તેમની પાસે બોલવા માટે કશું બાકી રહ્યું નથી. 

    વિશ્વનાં અનેક ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સને પછાડીને UPIને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આજે દુનિયામાં જે રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન થાય છે, તેમાંથી 46% માત્ર ભારતમાં થતાં હોય છે. નાનામાં નાના વેપારી પાસે પણ આજે આ સુવિધા ઉપલબ્ધ હોય છે અને કેશલેશ ટ્રાન્ઝેક્શન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. માત્ર એપ્રિલથી જુલાઈ 2024 સુધીમાં લગભગ ₹81 લાખ કરોડનાં ટ્રાન્ઝેક્શન ડિજિટલ માધ્યમથી થયાં હતાં. 

    UPI એટલું સફળ થયું છે કે હવે અન્ય દેશો પણ તેને અપનાવવા માંડ્યા છે. 

    સ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં પણ જોવા મળ્યા સકારાત્મક ફેરફારો 

    આ સિવાય સ્પેસ અને રક્ષા ક્ષેત્રમાં પણ અભુતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું. આજે ભારતમાં ડિફેન્સ પ્રોડક્શન ‘ઓલ ટાઈમ હાઈ’ છે. વર્ષ 2014માં તે ₹40,000 કરોડ જેટલું હતું, જે 2024માં વાડીને ₹1.27 લાખ કરોડ પર પહોંચ્યું છે. ટકાવારી પ્રમાણે જુઓ તો લગભગ 217.5%નો વધારો. 

    સ્પેસ ક્ષેત્રમાં ભારતે કેટલી અને કેવી પ્રગતિ કરી તે તો જગજાહેર છે. આ જ દાયકામાં આપણે ચંદ્રયાન-3 મિશન થકી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા તો સૂર્યના અભ્યાસ માટે મિશન આદિત્ય-L1 લૉન્ચ કર્યું. ચંદ્રયાન-3 મિશનના લૉન્ચિંગ માટે જે રોકેટ વપરાયું હતું, તે પણ મેડ ઇન ઇન્ડિયા હતું. ગગનયાન મિશન પણ પાઇલપાઇનમાં છે અને ભારત સ્પેસ સ્ટેશન મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે. 

    આ આંકડાઓ દર્શાવે છે કે પીએમ મોદીએ જે વિઝન સાથે આ પહેલ કરી હતી, તે સફળ થઈ રહી છે. બીજી તરફ રાહુલ ગાંધી જેવા કોંગ્રેસીઓ ત્યારે પણ મજાક જ કરતા હતા અને આજે પણ તેમની દશા માત્ર મજાક કરવા સુધી જ સીમિત રહી છે. 

    રાહુલ ગાંધીએ પહેલને ગણાવી હતી નિષ્ફળ 

    રાહુલ ગાંધી પોતે જાહેર માધ્યમો પરથી આ ‘મેક ઇન ઇન્ડિયા’ની મજાક ઉડાવી ચૂક્યા છે. 2018માં મધ્ય પ્રદેશમાં એક સભા સંબોધતી વખતે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને નિષ્ફળ ગણાવી હતી અને કહ્યું હતું કે, ભારતના બજારમાં ચીનનો માલ-સામાન હોય છે. જ્યારે ચીન સાથે નજીકના સંબંધો કોના છે એ 2008માં આ જ રાહુલ ગાંધી અને તેમનાં માતાએ દેશને જણાવ્યું હતું. 

    આ જ રીતે રાહુલ ગાંધીની જ પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાણામંત્રી રહી ચૂકેલા પી ચિદમ્બરમે સંસદમાં ઊભા રહીને ડિજિટલ ઇન્ડિયાની મજાક ઉડાવી હતી અને પૂછ્યું હતું કે ગામડાં અને રુરલ વિસ્તારોમાં ઇન્ટરનેટથી પેમેન્ટ કઈ રીતે થશે? આજે છેવાડાના ગામમાં જઈને જોશો તો તમને નાની ટપરી પર પણ ઓનલાઇન પેમેન્ટ માટેનો કોડ દેખાશે. શાકભાજીની લારી ફેરવનાર વ્યક્તિ પાસે પણ આજે કોડ પહોંચી ગયા છે. 

    કોંગ્રેસીઓ આટલાં વર્ષોમાં મજાક ઉડાવતા રહ્યા, દેશ આગળ વધતો ગયો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં