Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણદોઢ મહિનામાં વડાપ્રધાને આપ્યા 40થી વધુ ઇન્ટરવ્યુ, આપ્યા દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ:...

    દોઢ મહિનામાં વડાપ્રધાને આપ્યા 40થી વધુ ઇન્ટરવ્યુ, આપ્યા દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ: ‘મોદી મીડિયાના સવાલોથી ડરે છે’નો પ્રોપગેન્ડા v/s વાસ્તવિકતા

    પીએમ મોદીએ ઇન્ટરવ્યુ આપવાની શરૂઆત કરી હતી એક તમિલ ચેનલથી. ‘Thanthi TV’ નામની આ ચેનલને તેમણે 31 માર્ચના રોજ એક ઈન્ટરવ્યુ આપ્યો. પછીથી સિલસિલો ચાલુ રહ્યો તે હજુ પણ અટક્યો નથી.

    - Advertisement -

    નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ડાબેરી ઇકોસિસ્ટમ કાયમ તેઓ મીડિયાથી ડરતા હોવાનો તદ્દન ખોટો નેરેટિવ આગળ વધારતી રહી છે. છાશવારે આરોપો લગાવવામાં આવતા રહે છે કે મોદીને મીડિયાના પ્રશ્નો પસંદ નથી. તેઓ પ્રેસ કૉન્ફરન્સ ન કરતા હોવાની ફરિયાદો પણ કાયમ મોઢે જ હોય છે. આવી દલીલો આપતાં-આપતાં અમુક તાલિબાનો સુધી પહોંચી જાય છે અને દલીલો એવી આપવામાં આવે છે કે તાલિબાનીઓ પણ પ્રેસ કૉન્ફરન્સ કરે છે, પણ ભારતના વડાપ્રધાન નથી કરતા કારણ કે મીડિયાના પ્રશ્નોથી ડરે છે. યાદ રહે કે તાલિબાન એક આતંકવાદી સંગઠન છે. 

    આવી દલીલોને પાયામાં રાખીને લેખો પણ બહુ લખાયા, વિડીયો પણ બહુ બન્યા અને સોશિયલ મીડિયા પર તો કાયમનો કકળાટ હોય છે. પણ હકીકત શું છે? નરેન્દ્ર મોદી જેવા નિષ્કલંક અને બેદાગ રાજકારણીએ મીડિયા શું, કોઇનાથી ડરવાની જરૂર શું કામ હોય? આ આરોપોમાં તથ્ય કેટલું છે? બિલકુલ નહીં. 

    PM મોદીએ દરેક ભાષાનાં પ્રકાશનો, અખબારો, ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ આપ્યા 

    હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીમાં મીડિયા ઉમેદવારો, નેતાઓ વગેરેના ઇન્ટરવ્યુ કરતું હોય છે. આ વખતે પણ નેતાઓના ઇન્ટરવ્યુ થઈ રહ્યા છે. આ નેતાઓમાંથી વડાપ્રધાન મોદી પણ બાકાત નથી. જે નરેન્દ્ર મોદી વિશે આ ઈકોસિસ્ટમ ચલાવે છે કે તેઓ મીડિયાથી ડરે છે, તેમણે 31 માર્ચથી લઈને આજ સુધીમાં લગભગ 40થી વધુ અખબારો, મૅગેઝિનો, ટીવી ચેનલો, ન્યૂઝ એજન્સીઓ વગેરેને ઇન્ટરવ્યુ આપ્યા છે. આ ઇન્ટરવ્યુમાં પીએમ મોદીને બધી જ જાતના પ્રશ્નો પૂછાયા છે અને તેના તેમણે બેબાકપણે જવાબો પણ આપ્યા છે. 

    - Advertisement -

    પીએમ મોદીએ ઇન્ટરવ્યુ આપવાની શરૂઆત કરી હતી એક તમિલ ચેનલથી. ‘Thanthi TV’ નામની આ ચેનલને તેમણે 31 માર્ચના રોજ એક ઈન્ટરવ્યુ આપ્યો. પછીથી સિલસિલો ચાલુ રહ્યો તે હજુ પણ અટક્યો નથી. પીએમ મોદીની વેબસાઈટ પર જઈને જોતાં જાણવા મળે છે કે તેમને 35 લાંબા અને બૃહદ ઇન્ટરવ્યુ આપ્યા છે. જેમાં દેશની લગભગ તમામ ભાષાનાં પ્રકાશનો સામેલ છે. આ સિવાય રોડ શૉ અને અન્ય પ્રસંગોએ મીડિયા સાથે કરેલી વાતચીત ગણીએ તો કુલ આંકડો 40 કરતાં વધુ થાય છે. 

    કોઇ એવો આરોપ પણ ન લગાવી શકે કે મોદી માત્ર અમુક જ પ્રકાશનો કે પછી અમુક વિચારધારાનાં મીડિયા હાઉસને જ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. કારણ કે યાદીમાં તમામ પ્રકારનું મીડિયા સામેલ છે. એવું પણ નથી કે માત્ર હિન્દી-અંગ્રેજી મીડિયા સાથે જ વાત કરી હોય, દરેક ભાષાનું મીડિયા આ યાદીમાં આવી ગયું. 

    હિન્દી ન્યૂઝ ચેનલોમાંથી મોટાભાગની મુખ્યધારાની ચેનલો પીએમ મોદીના ઇન્ટરવ્યુ લઇ ચૂકી છે. જે બાકી છે તે હવે પછી તૈયારી કરી રહી છે. ‘આજતક’, ‘ઇન્ડિયા ટીવી’ અને ‘ન્યૂઝ18’ જેવી ચેનલો તો એવી છે, જેમણે એક કરતાં વધુ ઇન્ટરવ્યુ કર્યા છે. ‘આજતક’ અને ‘TV9 ભારતવર્ષ’ જેવી ચેનલો તો એવી છે, જેમાં એક કરતાં વધુ પત્રકારોએ બેસીને મોદીને સવાલો કર્યા હોય. આ યાદીમાં અખબારો પણ સામેલ છે અને તેમાં ગુજરાતી, મરાઠી, દક્ષિણની ભાષાઓ વગેરેનાં અખબારો પણ છે. ગુજરાતનાં ત્રણ મોટાં અખબારો સંદેશ, દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર પણ મોદીનાં ઇન્ટરવ્યુ લઇને પહેલા પાને છાપી ચૂક્યાં છે. આ સિવાય કચ્છમિત્ર, અકિલા અને અન્ય તો ખરાં જ. આવું જ બીજી ભાષાનું પણ. યાદીમાં ANI જેવી એજન્સી પણ સામેલ છે, જે બધી ટીવી ચેનલોને સામગ્રી પૂરી પાડે છે. 

    જેને ‘અઘરા’ કહેવાય તેવા પણ તમામ પ્રશ્નોના જવાબો આપ્યા 

    આ ઇન્ટરવ્યુનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે પત્રકારોએ પીએમ મોદીને લગભગ તમામ ક્ષેત્રને આવરી લેતા પ્રશ્નો કર્યા છે અને તેના તેમણે સંતોષકારક જવાબો પણ આપ્યા છે. જેને ઈકોસિસ્ટમ ‘અઘરા પ્રશ્નો’માં સમાવે છે તેવા પ્રશ્નો પણ વડાપ્રધાનને પૂછવામાં આવ્યા છે. જેમકે, ઇલેક્ટોરલ બૉન્ડને લઈને બહુ કચાટ કરવામાં આવતો રહે છે. જેને લઈને ANIના ઇન્ટરવ્યુમાં પીએમ મોદી વિસ્તૃત અને આંકડાકીય માહિતી સાથે જવાબ આપી ચૂક્યા છે. આ સિવાય મુસ્લિમોના મુદ્દે પણ તેમને News18ના ઇન્ટરવ્યુ દરમિયાન રુબિકા લિયાકતે પ્રશ્નો કર્યા હતા અને તમામના તેમણે જવાબો પણ આપ્યા. એવો એક પણ પ્રશ્ન કે મુદ્દો નથી જે પીએમ મોદીને પૂછાવો જોઈએ પરંતુ ઇન્ટરવ્યુમાં હજુ સુધી પૂછવામાં આવ્યો નથી. 

    જે-જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના તેમણે અકળાયા વગર, પત્રકારો પર વ્યક્તિગત ટિપ્પણીઓ કર્યા વગર, કોઈની ઉપર દોષારોપણ કર્યા વગર સંતોષકારક જવાબો આપ્યા છે અને તેને દુનિયાએ સાંભળ્યા છે. પરંતુ આપણા માથે શું મારવામાં આવે છે? એ કે મોદી પ્રશ્નોથી ડરે છે. પરંતુ વાસ્તવિકતા તમારી સામે મૂકી. 

    બીજું, પ્રેસ કૉન્ફરન્સના આરોપો વિશે આમ તો પીએમ મોદી સ્વયં ચોખવટ કરી ચૂક્યા છે. પહેલાં તેઓ પ્રેસ કૉન્ફરન્સ પણ કરતા હતા પણ 2001માં સીએમ બન્યા બાદ અને ખાસ કરીને 2002નાં રમખાણો પછી ડાબેરી મીડિયાએ રીતસરનો મોદીવિરોધી એજન્ડા શરૂ કરી દીધો હતો. આવા સંજોગોમાં મોદી કશુંક કહેતા તોપણ તેને મારી-મચેડીને રજૂ કરવામાં આવતું. પછીથી સમય પણ એવો આવ્યો કે માહિતી લોકો સુધી પહોંચાડવા માટે વચ્ચે કોઇ માધ્યમની જરૂર રહી નહીં. આજે સોશિયલ મીડિયા જેવું સશક્ત માધ્યમ છે, પીએમ મોદીની પોતાની એપ અને વેબસાઈટ છે. પ્રેસ કૉન્ફરન્સ કરે તોપણ તેમાં નવું કશું પૂછવાનું નથી, જે પૂછવાનું છે એ આવા ઈન્ટરવ્યુમાં પૂછાતું જ રહે છે.

    ઈકોસિસ્ટમના માનીતા રાહુલ ગાંધીએ કેટલા ઇન્ટરવ્યુ આપ્યા?

    બીજી તરફ, હવે આ ઈકોસિસ્ટમ જેમને મોદીના સમકક્ષ માને છે અથવા તો લાવવા માટે દિવસ-રાત મહેનત કરતી રહે છે તે રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ ક્યાંય કોઇ મીડિયામાં જોયો? હમણાં તેમણે એક ચેનલ સાથે વાત કરી એ પણ હાલતાં-ચાલતાં. તે સિવાય વ્યવસ્થિત અને લાંબા ઇન્ટરવ્યુ રાહુલ ગાંધીના હજુ સુધી આવ્યા નથી. તેઓ પ્રેસ કૉન્ફરન્સ કરે છે તેમાં પણ મોટેભાગે પોતે જ ભાષણો કરતા હોય છે અને જેવો કોઇ અઘરો કે અળવીતરો પ્રશ્ન કરે કે તરત તેને ભાજપનો માણસ કે તેના પ્રશ્નને ભાજપનો પ્રશ્ન ગણાવી દે છે. ક્યારેક પત્રકારો અને મીડિયા પર ટિપ્પણી કરીને કહી દે છે કે મીડિયા મોદી કે ભાજપ માટે કામ કરે છે. પરંતુ સ્વીકારતા નથી કે પોતાની પાસે જ જવાબ નથી. 

    જોકે રાહુલ ગાંધીએ ભૂતકાળમાં ઇન્ટરવ્યુ આપ્યા જ છે, પણ તેની તેમની છબી ઉપર સારી કરતાં ખરાબ અસર વધુ થઈ છે. લોકો તેમાંથી પણ મનોરંજન શોધી કાઢે છે. આ ચૂંટણીમાં તેઓ ઇન્ટરવ્યૂ નથી આપી રહ્યાં તેનું એક કારણ સંભવતઃ આ પણ હોવું જોઈએ. જે હોય તે, પણ આ ગેંગ રાહુલ ગાંધીને ક્યારેય પ્રશ્ન નથી કરતી કે શા માટે તેઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા નથી. બીજી તરફ મોદી આખા દેશમાં ફરીને સવાલોના જવાબો આપતા હોવા છતાં આપણને એ જ કહેવામાં આવશે જે તેમના એજન્ડામાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં