ગુરૂવાર (20 જુલાઈ, 2023)થી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ ગયું છે. દર વખતની જેમ આ સત્રમાં પણ વિપક્ષોના હોબાળા વચ્ચે બિલ પર ચર્ચા થઇ રહી છે. આ સત્ર વિશેષ રીતે ચર્ચામાં એટલા માટે છે કારણ કે નવું ભવન તૈયાર થઇ ગયું હોવા છતાં તે જૂના ભવનમાં જ ચાલી રહ્યું છે.
ગત 28 મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ અનુમાન હતું કે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત નવા ભવનમાં જ થશે પરંતુ તેમ થયું નથી. નવું સત્ર શરૂ થવા પહેલાં જ સરકારે કહ્યું હતું કે, આ સત્રની શરૂઆત જૂના ભવનમાં જ થશે. પરંતુ તેની પૂર્ણાહૂતિ નવા ભવનમાં કરવામાં આવશે. જેથી શક્યતા છે કે અડધેથી સત્રને નવા ભવનમાં ખસેડી લેવામાં આવે.
સંસદનું નવું ભવન બનીને તૈયાર થઇ ગયું છે. 30 જૂન, 2023નો ઇન્ડિયન એક્સપ્રેસનો એક રિપોર્ટ જણાવે છે કે સત્રની શરૂઆત પહેલાં નવા સંસદ ભવનમાં સાઉન્ડ, એર કન્ડિશનિંગ, ઓટોમેટેડ સિક્યુરિટી સહિતની તમામ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં ઓડિયો, વિડીયો અને અન્ય સિસ્ટમ પણ ચકાસવામાં આવી હતી.
આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, એક તરફ નાનું-મોટું ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે, સાથે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે તો બીજી તરફ જૂના ભવનમાંથી નવા ભવનમાં શિફટિંગનું કામ પણ ગતિમાં છે. આટલા મોટા ભવનને અન્યત્ર શિફ્ટ કરવું, તમામ કાર્યાલયોને ખસેડવાં- આ બધી પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. જેથી ચાલુ સત્ર સંસદના જૂના ભવનમાં શરૂ કરવા પાછળ મોટું કારણ એક એ હોય શકે છે. જેવું એ કામ પૂર્ણ થઇ જાય કે સત્ર નવા ભવનમાં શરૂ કરી દેવામાં આવશે.
વિપક્ષી પાર્ટીઓએ અવળો પ્રચાર શરૂ કર્યો, સરકારનો જવાબ
દરમ્યાન, વિપક્ષી પાર્ટીઓએ એવો પણ પ્રચાર શરૂ કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પાણી ભરાઈ ગયું છે, તેથી ત્યાં સત્ર યોજાઈ રહ્યું નથી. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ હનુમાન બેનીવાલે આ મુદ્દો ઉઠાવ્યો અને દાવો કર્યો કે નવા ભવનમાં પાણી ભરાઈ ગયું છે એટલે સરકાર ત્યાં સત્ર યોજી રહી નથી. સરકારે આ બાબતનું સંપૂર્ણ ખંડન કર્યું છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જવાબ આપતાં કહ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે અને આવું કશું જ નથી. સંસદનું સત્ર યોજવા અંગે નિર્ણય લોકસભા અધ્યક્ષ કરે છે અને તેઓ જ આ બાબતે પોતાનો પક્ષ રાખશે.
11 ઓગસ્ટ સુધી ચાલશે સત્ર
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થયું હતું, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. 23 દિવસના સમયગાળામાં કુલ 17 બેઠકો યોજાશે. હાલ લોકસભા અને રાજ્યસભાની કામગીરી સંસદના જૂના ભવનમાં જ ચાલી રહી છે. જોકે, નવા ભવનમાં કામગીરી ક્યારથી શરૂ કરવામાં આવશે તેની ચોક્કસ તારીખ હજુ સુધી જાણવા મળી શકી નથી. સરકાર અધિકારીક જાહેરાત કરે પછી જ જાણી શકાશે.
નવું ભવન જૂના કરતાં અનેકગણું મોટું અને અત્યાધુનિક
હાલ જે સંસદ ભવન કાર્યરત છે તે વર્ષ 1927માં બ્રિટિશ શાસન દરમિયાન નિર્માણ પામ્યું હતું. તેમાં જગ્યાની પણ સમસ્યા હતી તેમજ અમુક ટેક્નિકલ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ આ ભવન સક્ષમ ન હતું. વર્ષ 2020માં બંને ગૃહોએ પ્રસ્તાવ પસાર કર્યા બાદ ડિસેમ્બર, 2020માં નવા ભવનનું કામ આરંભ્યું હતું. 2 વર્ષને અંતે અત્યાધુનિક અને ભવન ભવન તૈયાર થઇ ગયા બાદ ગત 28 મે, 2023 સાવરકર જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સંસદનું આ નવું ભવન ત્રિકોણાકાર બનાવવામાં આવ્યું છે અને તે જૂના ભવનની બરાબર બાજુમાં જ સ્થિત છે. જૂના ભવનમાં લોકસભા, રાજ્યસભા અને સેન્ટ્રલ હોલ એમ ત્રણ ચેમ્બર હતી, જ્યારે નવા ભવનમાં લોકસભા અને રાજ્યસભા બે જ કક્ષ છે. જૂના ભવનમાં સેન્ટ્રોલ હોલનો ઉપયોગ લોકસભા અને રાજ્યસભા સાથે મળે ત્યારે કરવામાં આવતો પરંતુ નવા ભવનમાં આવા પ્રસંગે લોકસભા કક્ષમાં જ સંયુક્ત સત્ર મળશે. જેમાં 1272 લોકો એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવનના નિર્માણમાં 800 કરોડનો ખર્ચ થયો છે અને તે 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે.