Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘140 કરોડ ભારતીયોનો સંકલ્પ જ નવી સંસદની પ્રાણ પ્રતિષ્ઠા’: ઉદ્ઘાટન બાદ સંસદ...

    ‘140 કરોડ ભારતીયોનો સંકલ્પ જ નવી સંસદની પ્રાણ પ્રતિષ્ઠા’: ઉદ્ઘાટન બાદ સંસદ ભવનમાં પીએમ મોદીનું પહેલું સંબોધન, કહ્યું- આ ભવન દરેક ભારતીયના કર્તવ્યભાવને જાગૃત કરતું રહેશે

    જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. સંસદનું આ નવું ભવન ભારતના વિકાસ સાથે વિશ્વના વિકાસનું પણ આહવાન કરશે: વડાપ્રધાન મોદી

    - Advertisement -

    સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ આ નવી ઇમારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પહેલું સંબોધન કર્યું હતું. વડાપ્રધાને નવનિર્મિત સંસદ ભવનના ઉદ્ઘાટન માટે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, દરેક દેશની વિકાસયાત્રામાં અમુક ક્ષણો એવી આવે છે કે જે હંમેશા માટે અમર થઇ જાય છે. કેટલીક તારીખો સમયના લલાટ પર ઇતિહાસનો અમિટ હસ્તાક્ષર બની જાય છે. આજનો આ દિવસ એવો જ શુભ અવસર છે. 

    તેમણે કહ્યું કે, આ માત્ર એક ભવન નથી પરંતુ 140 કરોડ ભારતવાસીઓની આકાંક્ષાઓ અને સપનાંનું પ્રતિબિંબ છે. આ ભવન વિશ્વને ભારતના દ્રઢ સંકલ્પનો સંદેશ આપતું આપણા લોકતંત્રનું મંદિર છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વિશ્વ આગળ વધે છે. સંસદનું આ નવું ભવન ભારતના વિકાસ સાથે વિશ્વના વિકાસનું પણ આહવાન કરશે.

    વડાપ્રધાન મોદીએ લોકસભામાં સ્થાપિત કરવામાં આવેલા સેંગોલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, થોડી ક્ષણો પહેલાં આ સંસદની નવી ઇમારતમાં પવિત્ર સેંગોલની પણ સ્થાપના થઇ છે. મહાન ચોલ સામ્રાજ્યમાં આ સેંગોલને કર્તવ્યપથ, સેવાપથ અને રાષ્ટ્રપથનો પ્રતીક માનવામાં આવતો હતો. આપણું એ સૌભાગ્ય છે કે આ પવિત્ર સેંગોલની ગરિમા અને માન-મર્યાદા આપણે પુનર્સ્થાપિત કરી શક્યા. જ્યારે પણ આ સંસદ ભવનમાં કાર્યવાહી શરૂ થશે ત્યારે આ સેંગોલ આપણને સૌને પ્રેરણા આપતો રહેશે.

    - Advertisement -

    પીએમ મોદીએ કહ્યું કે, આપણું લોકતંત્ર જ આપણી પ્રેરણા છે અને આપણું બંધારણ જ આપણો સંકલ્પ છે. આ પ્રેરણા અને આ જ સંકલ્પની શ્રેષ્ઠ પ્રતિનિધિ આપણી આ સંસદ છે. તેમણે કહ્યું કે, ગુલામી બાદ ભારતે ઘણું બધું ગુમાવીને પોતાની યાત્રા શરૂ કરી હતી અને આ યાત્રા અનેક ઉતાર-ચડાવો અને પડકારોને પાર કરીને આજે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂકી છે. આઝાદીનો આ અમૃતકાળ વિકાસના નવા આયામ રચવાનો અમૃતકાળ છે. આ અમૃતકાળ દેશને નવી દિશા આપવાનો કાળ છે અને આ અમૃતકાળ અનંત સપનાં અને અસંખ્ય આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો અમૃતકાળ છે. 

    વડાપ્રધાને સંબોધનમાં ઉમેર્યું હતું કે, ભારત માત્ર એક લોકતાંત્રિક રાષ્ટ્ર જ નહીં પરંતુ ‘લોકતંત્રની જનની’ પણ છે. ભારત આજે વૈશ્વિક લોકતંત્રનો પણ એક મોટો આધાર  છે અને લોકતંત્ર આપણા માટે માત્ર એક વ્યવસ્થા નહીં પરંતુ સંસ્કાર, વિચાર અને પરંપરા છે. 

    તેમણે કહ્યું કે, 21મી સદીનું નવું ભારત ગુલામીની માનસિકતાને પાછળ છોડી રહ્યું છે અને પ્રાચીન કાળની ગૌરવશાળી ધારાને ફરી એક વખત પોતાની તરફ વાળી રહ્યું છે અને આ સંસદની નવી ઇમારત આ જ પ્રયાસનું એક જીવંત પ્રતીક છે. આજે નવા સંસદ ભવનને જોઈને દરેક ભારતીયને ગૌરવ થઇ રહ્યો છે. આ ભવનમાં વારસો પણ છે એ વાસ્તુ પણ છે. કલા પણ છે અને કૌશલ્ય પણ છે. તેમાં સંસ્કૃતિ પણ છે અને બંધારણના સ્વર પણ છે. 

    વડાપ્રધાને કહ્યું કે, આ નવું સંસદ ભવન વિકસિત ભારતના નિર્માણ માટે આપણા સૌની પ્રેરણા બની રહેશે અને દરેક ભારતીયના કર્તવ્યભાવને જાગૃત કરશે. આ ભવનમાં જે કોઈ જનપ્રતિનિધિ બેસશે તેઓ નવી પ્રેરણા સાથે લોકતંત્રને નવી દિશા આપવાના પ્રયાસો કરશે. આ સાથે તેમણે આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પણ ફરી એક વખત દોહરાવ્યો હતો. 

    પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના સૌથી મોટા લોકતંત્રને આ નવી સંસદ એક નવી ઉર્જા અને નવી મજબૂતી પ્રદાન કરશે. એક રાષ્ટ્રના રૂપમાં 140 કરોડ ભારતીયોનો સંકલ્પ જ આ નવા સંસદની પ્રાણ-પ્રતિષ્ઠા છે. અહીં થનારો એક-એક નિર્ણય આવનારી સદીઓને સજાવનારો હશે. અહીં થનારો દરેક નિર્ણય આવનારી પેઢીઓને સશક્ત કરનારો હશે અને અહીં થનારો દરેક નિર્ણય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં