Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું નવનિર્મિત સંસદ ભવન, ઐતિહાસિક રાજદંડની પણ સ્થાપના:...

  પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું નવનિર્મિત સંસદ ભવન, ઐતિહાસિક રાજદંડની પણ સ્થાપના: ભવનના નિર્માણમાં ભાગ લેનારા શ્રમિકોને સન્માનિત કરાયા

  સેંગોલની સ્થાપના બાદ એક સર્વધર્મ પ્રાર્થના સભા પણ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ધર્મોના વિદ્વાનોએ પોતાની પ્રાર્થના રજૂ કરી હતી.

  - Advertisement -

  નવનિર્મિત સંસદ ભવન દેશને સમર્પિત થઇ ચૂક્યું છે. આજે પૂજાવિધિ અને હવન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઐતિહાસિક રાજદંડની પણ સ્થાપના કરી હતી તો ભવનના નિર્માણમાં સહભાગી થનારા શ્રમિકોનું પણ વિશેષ સન્માન કર્યું હતું. 

  સવારે સાડા સાત વાગ્યાના અરસામાં વડાપ્રધાન સંસદ ભવન પહોંચ્યા હતા. તેમની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓએ ત્યારબાદ હવન અને પૂજાવિધિમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તમિલનાડુથી આવેલા અધીનમ મહંતોએ સેંગોલની પૂજા કરીને તેને પવિત્ર કર્યો હતો. 

  સેંગોલને પવિત્ર કર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે મહંતોએ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યો હતો. પીએમ મોદીએ સાષ્ટાંગ દંડવત કરીને સેંગોલને માન આપ્યું હતું. ત્યારબાદ આ રાજદંડને લઈને તેઓ લોકસભા ખંડ પહોંચ્યા હતા, જ્યાં સ્પીકરના આસનની બાજુમાં તેમણે આ રાજદંડની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે સંતો-મહંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા. 

  - Advertisement -

  સેંગોલની સ્થાપના બાદ એક સર્વધર્મ પ્રાર્થના સભા પણ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ધર્મોના વિદ્વાનોએ પોતાની પ્રાર્થના રજૂ કરી હતી. આ દરમિયાન મોદી સરકારની સંપૂર્ણ કેબિનેટ તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. 

  કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના નિર્માણમાં સહભાગી થનારા શ્રમિકોનું પણ સન્માન કર્યું હતું. તેમને શાલ ઓઢાડીને મોમેન્ટો આપવામાં આવ્યાં હતાં. જેની સાથે સંસદના ઉદ્ઘાટનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હતો. 

  બપોરે 12 વાગ્યાથી બીજો તબક્કો

  હવે બીજો તબક્કો બપોરે 12 વાગ્યા બાદ શરૂ થશે. જે કાર્યક્રમ નવા સંસદ ભવનના લોકસભા ખંડમાં યોજવામાં આવશે. રાષ્ટ્રગાન સાથે શરૂઆત થયા બાદ બપોરે 12:10 વાગ્યે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો સંદેશ વાંચી સંભળાવશે.

  લગભગ 12 વાગીને 17 મિનિટે 2 અલગ-અલગ શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે. લગભગ 12:38 વાગ્યે રાજ્યસભાના વિપક્ષ નેતાના ભાષણ માટે પણ સ્લોટ ખાલી રાખવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ કરેલા બહિષ્કારને જોતાં આ ભાષણ થશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાલ રાજ્યસભામાં નેતા વિપક્ષ છે. જે પછી અધ્યક્ષ ઓમ બિરલાનું ભાષણ થશે. અંદાજે 1 વાગીને 5 મિનિટે વડાપ્રધાન મોદી 75 રૂપિયાના સિક્કા અને સ્મારક પોસ્ટ ટિકિટ જારી કરશે. જે બાદ બપોરે 1 વાગીને 10 મિનિટે વડાપ્રધાન મોદી કાર્યક્રમને અનુલક્ષી પોતાનું સંબોધન આપશે અને અંતમાં બપોરે 2 વાગ્યે આ સમારોહનું સમાપન થશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં