ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં ચર્ચા દરમિયાનનો ભાજપ સાંસદ રમેશ બિધૂડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેઓ ચંદ્રયાન વિશે વાત કરી રહ્યા હતા ત્યારે વચ્ચે વારંવાર ટોકતા રહેતા સાંસદ દાનિશ અલી પર ભડકી ઉઠ્યા અને તેમને ‘ઓયે ભ*વે’, ‘ઓયે ઉગ્રવાદી’, ‘ઓયે ક*વે’, ‘યે આતંકવાદી હૈ, યે ઉગ્રવાદી હૈ’, ‘યે મુલ્લા ઉગ્રવાદી હૈ’, ‘બાહર દેખુંગા ઇસ મુલ્લે કો’ જેવાં સંબોધનોથી નવાજ્યા.
જોકે, પછીથી ભાજપના વરિષ્ઠ નેતા અને રક્ષામંત્રી રાજનાથ સિંઘે ખેદ વ્યક્ત કર્યો અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ રમેશ બિધૂડીને ચેતવણી આપી. ત્યારબાદ તેમણે કહેલાં આ વાક્યો લોકસભાના રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવ્યાં. પરંતુ આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દાનિશ અલી કોણ છે?
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે દાનિશ અલી. તેઓ બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર 2019ની ચૂંટણી ઉત્તર પ્રદેશના અમરોહાથી લડ્યા હતા અને લોકસભામાં પહોંચ્યા હતા. તેઓ પહેલી ટર્મના સાંસદ છે. લોકસભા ચૂંટણી પહેલાં જ તેઓ બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થયા હતા. તે પહેલાં તેઓ જનતા દળ (સેક્યુલર)ના નેતા હતા અને પાર્ટીના મહાસચિવ પદ પર રહ્યા હતા. તેમણે કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસ વચ્ચે તાલમેલ સાધીને સરકાર બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.
દાનિશ અલી ભૂતકાળમાં ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે પણ નિવેદનો આપ્યાં હતાં. આ વર્ષે પણ તેઓ બે વખત વિવાદમાં ફસાયા હતા. ફેબ્રુઆરીમાં તેમણે ટીપુ સુલતાનની કબરની મુલાકાત લીધી હતી અને કર્ણાટક ભાજપના અધ્યક્ષને લલકારીને પોતાને ટીપુ સુલતાનના ‘પ્રાઉડ ફોલોવર’ ગણાવ્યા હતા.
Visited Srirangapatna summer palace and the mazaar of India's first freedom fighter Shaheed #TipuSultan to challenge @nalinkateel and the followers of Godse that I am ready to fight an ideological battle with you as I am a proud follower of Tipu Sultan, Gandhi, Ambedkar and Azad. pic.twitter.com/A3k4KG8dvh
— Kunwar Danish Ali (@KDanishAli) February 17, 2023
‘ભારત માતા કી જય’ના નારાનો વિરોધ
ત્યારબાદ ગત ઓગસ્ટ મહિનામાં દાનિશ અલી ફરી વિવાદમાં આવ્યા, જ્યારે તેમણે જાહેર કાર્યક્રમમાં ‘ભારત માતા કી જય’ના નારા સામે વાંધો ઉઠાવ્યો હતો. અમરોહામાં કેન્દ્ર સરકારનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ પણ સામેલ થયા. અહીં ભાજપ કાર્યકરો અને અન્ય લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં તેઓ ભડકી ઉઠ્યા હતા અને કહ્યું કે, સરકારી કાર્યક્રમમાં આ નારા ન લગાવવા જોઈએ.
કુંવર દાનિશ અલીનો જન્મ 1975માં યુપીના હાપુડમાં થયો હતો. તેમણે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પોતાને સેક્યુલર વિચારધારાને અનુસરતા ગણાવે છે. તેમણે કર્ણાટકની પાર્ટી જનતા દળ (સેક્યુલર)થી રાજકારણમાં ડગ માંડ્યા હતા અને બહુ જલ્દી પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના નજીકના વ્યક્તિ બની ગયા. તેમના આશીર્વાદ લઈને જ તેઓ માયાવતીની બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થયા હતા. બસપાએ તેમને સંસદીય પક્ષના નેતા પણ બનાવ્યા હતા, પણ બે વર્ષમાં જ હટાવી દેવામાં આવ્યા હતા.