Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પૈસા ઉઘરાવવાનો આદેશ પાર્ટીનો’: પાર્ટી-સરકારમાંથી બહાર થયા બાદ મમતાના પૂર્વ મંત્રીએ મોં...

    ‘પૈસા ઉઘરાવવાનો આદેશ પાર્ટીનો’: પાર્ટી-સરકારમાંથી બહાર થયા બાદ મમતાના પૂર્વ મંત્રીએ મોં ખોલ્યું, કહ્યું- અન્ય વિભાગોમાં પણ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો

    માત્ર શિક્ષણ વિભાગમાં જ નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ ભરતીમાં પૈસા ઉઘરાવીને પાર્ટીએ કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનો પાર્થ ચેટર્જીનો દાવો.

    - Advertisement -

    સરકારી શાળાઓમાં ભરતી કૌભાંડ મામલે પકડાયેલા પશ્ચિમ બંગાળ સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીને સરકાર અને પાર્ટી બંનેમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યા બાદ હવે તેમણે પોલ ખોલવાની શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર, ચેટર્જીએ પૂછપરછ દરમિયાન અધિકારીઓને કહ્યું હતું કે શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પૈસા લેવામાં આવી રહ્યા હોવાની પાર્ટીના મોવડી મંડળ સહિત બધાને જ ખબર હતી. 

    પાર્થ ચેટર્જીએ દાવો કર્યો છે કે તેમણે માત્ર પૈસાની સંભાળ રાખી હતી. તેમણે ઉમેદવારો પાસે પૈસાની માંગણી કરી ન હતી. પૂર્વ મંત્રીએ દાવો કરતાં કહ્યું હતું કે પૈસા ઉઘરાવવાનો આદેશ પાર્ટીનો હતો અને તેઓ માત્ર તેનું પાલન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ માત્ર અન્યો દ્વારા તૈયાર કરવામાં આવેલ દસ્તાવેજો પણ સહી કરતા હતા અને પૈસા પણ અન્યો દ્વારા ઉઘરાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેમના સુધી પહોંચતા હતા. તેમનું કામ પૈસાને સુરક્ષિત જગ્યાએ રાખવાનું હતું. અધિકારીઓ અનુસાર, પાર્થે ખુલાસો કર્યો છે કે પાર્ટીના ઉપયોગ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા અને તેમાંથી અમુક જ ભાગ જપ્ત કરવામાં આવ્યો છે.

    રિપોર્ટ અનુસાર, પાર્થ ચેટર્જીએ દાવો કરતાં કહ્યું કે, માત્ર શિક્ષણ વિભાગમાં જ નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ ભરતીમાં પૈસા ઉઘરાવીને પાર્ટીએ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. રેલવે વિભાગમાં પણ લોકોએ પૈસા આપીને નોકરી મેળવી હોવાનો ખુલાસો થયો છે. 

    - Advertisement -

    તેમને પાર્ટીમાંથી નિલંબિત કરવાને લઈને આટલો મોડો નિર્ણય કેમ લેવામાં આવ્યો તે પાછળનું કારણ જણાવતા પાર્થ ચેટર્જીએ દાવો કર્યો હતો કે, આ કેસમાં સંડોવાયેલા અન્ય નેતાઓએ તેમના ઘરમાંથી બધું હટાવી દીધું અને ત્યારબાદ મામલામાંથી ખસી ગયા અને માત્ર તેમને જ પોતાના હાલ પર છોડી મૂકવામાં આવ્યા. 

    સમગ્ર મામલે અર્પિતા મુખર્જીની ભૂમિકા અંગે પૂછવામાં આવતાં પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે, તે મોડેલિંગ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગ માંડવા માટે પ્રયત્નો કરી રહી હતી અને તેઓ માત્ર તેની મદદ કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે પાર્ટી માટે ઉઘરાવેલા પૈસાને રાખવા માટે કોઈ જગ્યાની જરૂર હતી. આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે અન્ય ઉચ્ચ અધિકારીઓએ અર્પિતાના ઘરોની મુલાકાત લીધી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ કેસ પશ્ચિમ બંગાળમાં સરકારી શાળાઓમાં થયેલી શિક્ષકોની ભરતીમાં થયેલ કૌભાંડનો છે. આરોપ છે કે લાયકાત ન ધરાવતા હોય તેવા પણ શિક્ષકોને પૈસા લઈને નિમણૂંક આપવામાં આવી હતી. આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યા બાદ નાણાકીય અનિયમિતતાને જોતાં ઇડીએ પણ તપાસ શરૂ કરી હતી. ઇડીએ પાર્થ ચેટર્જીની નજીકની ગણાતી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડતાં ત્યાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા. જે બાદ અન્ય એક ફ્લેટમાંથી પણ રોકડા મળ્યા હતા. અત્યાર સુધીમાં અર્પિતાના બે ફ્લેટમાંથી 50 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ ભરતી કૌભાંડ મામલે હાલ તેઓ બંને ઇડીની કસ્ટડીમાં છે અને પૂછપરછ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં