95% હિંદુ વસ્તી ધરાવતા ગામ પર વક્ફનો દાવો: 30 દિવસમાં જગ્યા ખાલી કરવા આપી નોટિસ, હાઈકોર્ટમાં એક પુરાવો રજૂ કરવામાં પણ પડી ગયા ફાંફાં

વક્ફ બોર્ડ હાઈકોર્ટમાં તે ગામ પોતાની સંપત્તિ હોવાનું સાબિત કરતો એકપણ પુરાવો રજૂ કરી શક્યું નથી. તેથી પીડિતોને પટના હાઈકોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી ગઈ છે. હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ પણ ગ્રામજનો આ મામલે હજુ પણ ડરેલા હોવાનું સામે આવ્યું છે

બિહાર વક્ફ બોર્ડ
વક્ફ બોર્ડના નામનું બોર્ડ (ફોટો: ABP ન્યૂઝ)

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ વક્ફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર વકફ બોર્ડ પાસે રહેલી અમર્યાદિત સત્તાઓ પર અંકુશ લગાવવા પ્રયત્ન કરી રહી છે, ત્યારે વક્ફની અસીમિત શક્તિઓનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બિહાર ખાતેના એક ગામમાં વર્ષોથી રહેનારા નિવાસીઓને સુન્ની વક્ફ બોર્ડ સતત નોટિસ આપી રહ્યું છે. વક્ફ તેમની જમીન પર દાવો કરી તેમને જમીન ખાલી કરવાની નોટિસ આપી રહ્યું છે. અહીં લગભગ 95 ટકા વસ્તી હિંદુ સમાજની રહે છે. તેમ છતાં વક્ફ બોર્ડ દ્વારા અહીં દાવો ઠોકી દેવામાં આવ્યો છે.

બિહાર ખાતે પટનાથી નજીક આવેલા ફતુહાના ગોવિંદપુરા ગામની આ ઘટના છે. આ ગામના લોકોને વક્ફ બોર્ડ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં કહેવામા આવ્યું હતું કે, ગામની જમીન વક્ફ બોર્ડની માલિકીની છે, તેથી ગ્રામજનોએ માત્ર 30 જ દિવસમાં જમીન ખાલી કરી આપવી પડશે. વક્ફ બોર્ડે ત્યાં પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું છે. પીડિત ગ્રામજનોને અધિકારીઓ તરફથી કોઈપણ પ્રકારની રાહત ન મળતા તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

બિહાર હાઈકોર્ટમાં વક્ફ બોર્ડ એક પણ પુરાવો આપી શક્યું નહીં

આ બાદ વક્ફ બોર્ડ હાઈકોર્ટમાં તે ગામ પોતાની સંપત્તિ હોવાનું સાબિત કરતો એકપણ પુરાવો રજૂ કરી શક્યું નથી. તેથી પીડિતોને પટના હાઈકોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી ગઈ છે. હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ પણ ગ્રામજનો આ મામલે હજુ પણ ડરેલા હોવાનું સામે આવ્યું છે, કારણ કે વક્ફ બોર્ડ પાસે એવી અસીમિત શક્તિઓ છે જેના જોરે વક્ફ ફરીથી તેમની સંપત્તિઓ પર દાવો ઠોકી શકે છે.

અહેવાલ અનુસાર, રામલાલ, રાજ કિશોર, સંદીપ કુમારને વક્ફ બોર્ડની નોટિસ મળી હતી. જેમાં વક્ફએ તેમને સંપત્તિ 30 દિવસમાં ખાલી કરી આપવાની સૂચના આપી હતી. પરંતુ પીડિતોનું કહેવું છે કે, આ બધી જમીન તેમના બાપ-દાદાઓની છે. તેમને 1908માં કરાયેલ સરવેનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. આ લોકોએ જમીન અને સંપત્તિના પૂરા દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે “અમે વર્ષોથી અહીં જ રહીએ છીએ પરંતુ વક્ફ બોર્ડ અમને વારંવાર જગ્યા ખાલી કરવાની નોટિસ આપી રહ્યું છે.”

વકફ બોર્ડને લોકોને પુરાવા વિશે પૂછતાં તેણે ઉર્દૂમાં લખેલો એક કાગળનો ટુકડો પકડાવી દીધો હતો અને તેનું હિન્દી ભાષાંતર કરી આપવાની પણ ના પાડી હતી. બિહાર શિયા વકફ બોર્ડના અધ્યક્ષ અફઝલ અબ્બાસે આ મામલે એવું કહ્યું કે, આ વક્ફ બોર્ડ સાથે જોડાયેલો મામલો છે. આ મામલે જે પણ કાર્યવાહી કરવાની જરૂર પડશે તે બોર્ડ કરશે. ફતુહાના આ લોકોને ડરવાની કોઈ જરૂર નથી. વક્ફ બોર્ડ બળજબરીથી કોઈની જમીન અને મિલકતનો કબજો લેતું નથી. ઉલ્લેખનીય છે કે, વક્ફ બોર્ડ અગાઉ પણ આવી રીતે વર્ષો જૂની સંપત્તિઓ પર પોતાનો દાવો ઠોકી ચૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here