Thursday, November 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે 'વાઘનખ' વડે છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનને ઉતાર્યો હતો મોતને ઘાટ,...

    જે ‘વાઘનખ’ વડે છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનને ઉતાર્યો હતો મોતને ઘાટ, તે હવે પરત લવાશે: હાલ બ્રિટનના મ્યુઝિયમમાં છે પ્રદર્શિત 

    મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવાર આ મહિનાના અંતમાં લંડનની મુલાકાતે જશે અને અહીં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ સાથે એક MoU સાઇન કરશે.

    - Advertisement -

    જે ‘વાઘનખ’ વડે છત્રપતિ શિવાજી મહારાજે ઇસ. 1659માં અફઝલ ખાનનો વધ કર્યો હતો, તેને પરત લાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. હાલ આ હથિયાર બ્રિટનના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે, પરંતુ હવે ત્યાંના પ્રશાસને તેને પરત આપવાની તૈયારી દર્શાવી છે. મહારાષ્ટ્ર સરકારે તેને આ વર્ષના અંત સુધીમાં ભારત પરત લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવાર આ મહિનાના અંતમાં લંડનની મુલાકાતે જશે અને અહીં વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ સાથે એક MoU સાઇન કરશે. આ એ જ મ્યુઝિયમ છે જ્યાં વાઘનખ રાખવામાં આવ્યા છે. 

    મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું કે જો બધું યોજના અનુસાર ચાલ્યું તો આ વર્ષના અંત સુધીમાં વાઘનખ ભારત પરત લાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, “અમને યુકે તરફથી એક પત્ર મળ્યો છે, જેમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ પરત આપવા માટે તૈયારી દર્શાવી છે. શિવાજીએ અફઝલ ખાનને માર્યો હતો તે દિવસની વર્ષગાંઠ આવે ત્યાં સુધીમાં તે પરત લાવવામાં આવી શકે છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે આ માટે અન્ય તારીખો પણ વિચારવામાં આવી રહી છે, કારણ કે તેના ટ્રાન્સપોર્ટેશન સાથે અન્ય પણ ઘણી બાબતો જોડાયેલી છે.

    - Advertisement -

    શિવાજી મહારાજે 10 નવેમ્બર, 1659ના રોજ અફઝલ ખાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે માટે તેમણે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો એ આ વાઘનખ હતું. મંત્રીએ ઉમેર્યું કે, વાઘનખ ઐતહાસિક રીતે મહત્વપૂર્ણ છે અને તેની સાથે રાજ્યના લોકોની ભાવનાઓ જોડાયેલી છે. તેને જવાબદારી અને કાળજીપૂર્વક પરત લાવવામાં આવશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેઓ યુકેમાં પ્રદર્શિત કરવામાં આવેલી શિવાજીની જગદંબા તલવાર પણ જોશે. જેથી તે પણ પરત લાવવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. 

    શું છે વાઘનખ? બ્રિટન કઈ રીતે પહોંચ્યા?

    વાઘનખ એ હાથમાં પહેરવામાં આવતું એક ખંજર છે. જે વાઘ, ચીત્તા, સિંહ જેવા શિકારી પ્રાણીઓની પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું છે. તેને આંગળીઓ પર એ રીતે પહેરવામાં આવે છે કે હથેળી નીચે સંતાડી શકાય. તેમા ચાર બ્લેડ હોય છે, જેની ધાર અત્યંત ક્ષીણ હોય છે અને સામેના વ્યક્તિની માંસપેશીઓ ફાડી નાખવાની ક્ષમતા ધરાવે છે. 

    વર્ષ 1818માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સતારા સ્ટેટના એજન્ટ તરીકે આવેલા અંગ્રેજ અધિકારી જેમ્સ ડફને આ વાઘનાખ ભેટ તરીકે આપવામાં આવ્યા હતા. 1824માં બ્રિટન પરત ફરતી વખતે તેઓ વાઘનખ પણ પોતાની સાથે જ લઇ ગયા હતા. જ્યાં આ હથિયાર તેમના વંશજોએ તેને વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ સંગ્રહાલયને દાન કરી દીધું અને ત્યારથી તે ત્યાં જ પ્રદર્શિત છે. પરંતુ હવે તેને પરત લાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં