ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને બે બાળકો સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પણ વાયરલ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પાછા ફર્યા બાદ, કોહલી અને અનુષ્કા વૃંદાવનમાં (Vrindavan) પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના (Premanand Maharaj) આશ્રમ પહોંચ્યા અને તેમના આશીર્વાદ લીધા. નોંધનીય છે કે કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં પણ તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા, સંત પ્રેમાનંદ મહારાજને મળવા માટે મથુરા વૃંદાવનના રમણ રેતી સ્થિત શ્રી રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા હતા. આ પ્રસંગે બંનેએ સંત પાસેથી આશીર્વાદ લીધા અને આધ્યાત્મિક ચર્ચા કરી. આ દરમિયાન તેમનાં બંને બાળકો પણ તેમની સાથે હતાં. વિરાટને આશીર્વાદ આપતાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે જો તમે અભ્યાસ ચાલુ રાખશો તો વિજય નિશ્ચિત છે.
Virat Kohli और Anushka Sharma की पूज्य महाराज जी से क्या वार्ता हुई ? Bhajan Marg pic.twitter.com/WyKxChE8mC
— Bhajan Marg (@RadhaKeliKunj) January 10, 2025
આ ઉપરાંત સંત પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે વિરાટ કોહલીએ સતત પ્રેક્ટિસને અને નિયંત્રણ રાખીને આગળ વધવું જોઈએ. જો આ નિરંતર અભ્યાસની પુષ્ટિ થશે તો વિજય નિશ્ચિત છે. તેમણે કહ્યું કે જીત માટે બે બાબતો જરૂરી છે. એક અભ્યાસ છે અને બીજું ભાગ્ય. જો ભાગ્ય ન હોય અને ફક્ત અભ્યાસ હોય, તો વિજય મુશ્કેલ બની જાય છે. આ માટે, ભગવાનના જ્ઞાનની સાથે, તેમના નામનો જાપ પણ આવશ્યક છે.
અનુષ્કાએ કહ્યું પ્રેમ-ભક્તિના આપો આશીર્વાદ
અનુષ્કા શર્માએ સ્વામીજી સાથે વાતચીત કરતા કહ્યું કે, “જ્યારે અમે આની પહેલાં આવ્યા હતા, ત્યારે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા. જે હું તેમને પૂછવાનું વિચારી રહી હતી, પરંતુ ત્યાં હાજર અન્ય લોકોએ પણ સંતને એ જ પ્રશ્નો પૂછ્યા જે મારે પૂછવા હતા. એવું લાગ્યું કે જાણે મારા મનના પ્રશ્નોના આપમેળે જવાબ મળી રહ્યા હતા.” તેણે આગળ કહ્યું, “તમે મને પ્રેમ અને ભક્તિનો આશીર્વાદ આપો.”
ત્યારે પ્રેમાનંદ મહારાજે અનુષ્કાને જવાબ આપતા કહ્યું, “તમે ખૂબ જ હિંમતવાન છો કારણ કે આ સંસારમાં આવું સન્માન પ્રાપ્ત કર્યા પછી, ભક્તિ તરફ વળવું મુશ્કેલ છે. મને લાગે છે કે ભક્તિનો તેના (કોહલી) પર ખાસ પ્રભાવ પડશે.” ત્યારે અનુષ્કાએ કહ્યું, “ભક્તિથી ઉપર કંઈ નથી.” ત્યારે પ્રેમાનંદ મહારાજે કહ્યું, “હા, ભક્તિથી ઉપર કંઈ નથી. ભગવાનમાં શ્રદ્ધા રાખો, નામ જપ કરો, અને ખૂબ પ્રેમ અને આનંદથી રહો.”